અમદાવાદએક કલાક પહેલાલેખક: આનંદ મોદી
- કૉપી લિંક
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ગુજરાત અને ચેન્નઈ વચ્ચે IPL-2023ની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે. ફાઈનલ મેચની ટિકિટો અગાઉથી જ વેચાઇ ગઈ છે. પરંતુ ક્રિકેટ રસિયાઓ કાળા બજારમાં પણ ટિકિટ ખરીદી મેચ જોવા માટે અધિરા બન્યા છે. ટિકિટના કાળા બજારિયાઓએ હવે નવી મોડસ ઓપરન્ડી અપનાવી છે. જેમાં તેઓ સ્ટેડિયમ બહાર હવે ઊભા રહેતા નથી, પરંતુ સોશિયલ મીડિયામાં ખુલ્લેઆમ થાય છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂકની પોપ્યુલર રીલ્સ પર કમેન્ટ સેક્શનમાં ટિકિટ ઓફર કરતી પોસ્ટ મૂકે છે અને સોશિયલ મીડિયાના પર્સનલ એકાઉન્ટમાં કોન્ટેક્ટ કરવાનું કહે છે. ટિકિટ મૂળ કિંમત કરતા બમણાથી વધુ ભાવમાં વેચી કાળા બજારિયાઓ રૂપિયા કમાય છે.
ક્રિકેટ રસિયાઓએ બનાવેલી રિલ્સ પર જે વિવિધ કમેન્ટ્સ થતી હોય તેની વચ્ચે બ્લેક ટિકિટ વેચનારાઓ પોતાની કમેન્ટ મૂકી ટિકિટ ઓફર કરે છે
બ્લેક ટિકિટ વેચનારા વચ્ચે કેવી કમેન્ટ કરે છે
- IPL ફાઈનલની ટિકિટ મળશે, સ્થળઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
- નોર્મલ, VIP સ્ટેન્ડ્સ, એસી કોર્પોરેટર પ્રિમીયમ સ્યુટની ટિકિટ અવેલેબલ
- ડીએમ ફોર બુકિંગ
- ફાઈનલની ટિકિટ અવેલબલ છે, મને કમેન્ટ કરો
- IPL ફાઈનલ ટિકિટ મળે છે પ્લીઝ ડીએમ
સિંગલ અને બલ્કમાં ટિકિટની ઓફર કરાઈ
સાયબર સેલે ધ્યાન દેવા જેવી વસ્તુ પર દિવ્ય ભાસ્કરે ઇન્વેસ્ટીગેશન કરતા બ્લેકમાં ટિકિટ વેચનારા મળી આવ્યા હતા. અમારા રિપોર્ટરે જ્યારે સોશિયલ મીડિયાની રીલ્સમાં વચ્ચે બ્લેક ટિકિટ વેચનારાઓની કોમેન્ટ પર કોમેન્ટ કરી તો તેઓએ તેમના પર્સનલ એકાઉન્ટમાં વાત કરવાનું કહ્યું. જેમાં સિંગલ અને બલ્કમાં ટિકિટની ઓફર કરવામાં આવી હતી. મોદી સ્ટેડિયમમાં સાઉથ પ્રિમીયમ ઇસ્ટ-વેસ્ટ માટે 15000, પ્રેસિડેન્સિયલ સ્યુટ લેવલ 4 પર 90000, પ્રિમીયમ સ્યુટ પર 70000નો ભાવ બ્લેકમાં ચાલી રહ્યો છે. 1000ની ટિકિટ 2500 સુધી, 2500ની ટિકિટ 5000 સુધી અને 3000ની ટિકિટ 7000માં વેચાઇ રહી છે.
રીલ્સમાં કાળા બજારિયાઓ આવી કોમેન્ટ કરે છે.
દિવ્ય ભાસ્કરના રિપોર્ટરે કેવી રીતે બ્લેકમાં ટિકિટ વેચનારનો સંપર્ક કર્યો
અમારા રિપોર્ટરે બ્લેક ટિકિટ વેચનારનો ગુરૂવારે રાત્રે 11.12 વાગ્યે ઇન્ટાગ્રામમાં સંપર્ક કર્યો હતો અને તેને કહ્યું હતું કે, 3000વાળી 6 ટિકિટ જોઈએ છે તો એચ બ્લોક લોવર માટે એક ટિકિટના 7 હજાર કહ્યા. તેમજ તેણે એડવાન્સમાં પણ રૂપિયા માગ્યા હતા અને ક્યુઆર કોડ મોકલવાની વાત કરી હતી અને પોર્ટર એપ પર ટિકિટ પહોચાડીશું. જ્યારે એડવાન્સમાં પેમેન્ટ કરવાની વાત કરી તો બ્લેકમાં ટિકિટ વેચનારે કહ્યું કે, મને પણ ઉપરથી ટિકિટ મળે છે. મને તો 200-300 રૂપિયા જ આમાં મળશે.
કાળા બજારિયાઓ ઇન્સ્ટાગ્રામમાં બ્લેકમાં ટિકિટ વેચવાની પોસ્ટ પણ મૂકે છે.
સ્ટેડિયમના ગેટ પર ટિકિટ આપી જવાની તૈયારી દર્શાવી
દિવ્ય ભાસ્કરના રિપોર્ટરે જ્યારે બ્લેકમાં ટિકિટ વેચનાર બીજા શખસનો શુક્રવારે સાંજે 7.10 વાગ્યે સંપર્ક કર્યો અને 6 ટિકિટ માગી તો તેણે કહ્યું કે, બ્લોક આરની છેલ્લી પાંચ ટિકિટ પડી છે. વેચનારે કહ્યું કે, 2650વાળી 4640 રૂપિયામાં મળશે અને હું તમને સ્ટેડિયમ પર ગેટ નંબર 1 પર આવી ટિકિટ આપીશ. જ્યારે બ્લેકમાં ટિકિટ વેચનાર ત્રીજા શખસનો સંપર્ક શુક્રવારે રાત્રે 11.15 વાગ્યે કરવામાં આવ્યો તો તેણે કહ્યું કે, 1100વાળી ટિકિટ 5000 રૂપિયામાં મળશે, ઓછામાં ઓછું કરીને 4700 રૂપિયામાં કરી આપીશ. કે બ્લોકની ટિકિટ છે અને સેટેલાઈટમાં ટિકિટ ડિલિવર કરવા તૈયાર થયો હતો.
ટિકિટ ઓપન થતા જ સ્ટોક કરી લે છે
બ્લેકમાં ટિકિટ વેચવાવાળા જેવી ટિકિટ ઓપન થાય કે તુરંત ટિકિટનો સ્ટોક કરી લે છે. બાદમાં મેચ નજીક આવવાની રાહ જોવે છે. મેચના 4 દિવસ અગાઉ સ્થિતિ જોવે છે, બજારમાં કેવી ડિમાન્ડ છે, જેટલી વધારે જરૂર હોય તેટલો ફાયદો થાય છે. આ લોકોએ 50થી વધારે ટિકિટ સ્ટોર કરી દીધી હતી. મેચ નજીક આવી ત્યારે સૌપ્રથમ પોતાના ગ્રુપના મેસેજ નાખ્યો હતો. ગ્રુપ બાદ સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત પોતાના ફેક આઇડી અથવા ઓરિજનલ આઇડીમાં સ્ટોરી મૂકી હતી. જો બ્લેકમાં ટિકિટ વેચનારને શંકા જાય તો તે તરત જ કમેન્ટ બોક્સમાં વાત કરવાનું બંધ કરી દે છે. મેચના દિવસે જ ટિકિટ આપવાનો આગ્રહ રાખે છે. ફોન પે કે ગૂગલ પે નંબર પણ આપે છે.