જામનગરએક કલાક પહેલા
- કૉપી લિંક
જામનગર મહાનગરપાલિકાનાં મહિલા કર્મચારીઓને માહિતગાર કરવા માટે કામકાજનાં સ્થળે જાતીય સતામણી અટકાવવા, તેના પર પ્રતિબંધ અને ફરિયાદ નિવારણની માહિતીપ્રદ સેમિનાર મનપાના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયો હતો. આ સેમિનારમાં જામનગર મનપામાં કામ કરતા મહિલા કર્મીઓને મહિલા અને બાળ વિકાસ અધિકારી દ્વારા કોઈપણ સ્થળે કાર્ય કરતી મહિલાઓ સંસ્થા, સ્થળ, વિભાગ, કચેરી, ફેક્ટરી, શાળા-કોલેજ, હોસ્પિટલમાં 10થી ઓછા કામદાર હોય અને અસંગઠિત ક્ષેત્ર હોય તો તેઓની સુરક્ષાની જાળવણી કેવી રીતે કરવી મહિલાઓને સુરક્ષિત વાતાવરણ કેવી રીતે પૂરું પાડવું અને આંતરિક સમિતિની રચના કેવી રીતે કરવામાં આવે છે, તે સહિતની વિસ્તૃત માહિતી “મહિલાઓની જાતીય સતામણી એક્ટ 2013” અંતર્ગત જામનગર મનપાના મહિલા કર્મીઓને પૂરી પાડવામાં આવી હતી.
આ સેમિનારમાં મેયર બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે, જામનગર મહાનગરપાલિકામાં આ પ્રકારના કોઈપણ કિસ્સા બન્યા નથી, જેનો મને ગર્વ છે. આ પ્રકારનાં કિસ્સાઓ અટકાવવા માટે મનપામા પણ આ પ્રકારની સમિતિ હાલ કાર્યરત છે, જેની ઉપસ્થિત મહિલા કર્મચારીઓને જાણકારી આપી હતી. આધુનિક સમયમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ અગ્રીમ હરોળમાં કાર્ય કરતી જોવા મળે છે. આપણા વિવિધ વિભાગોમાં પણ બહોળા પ્રમાણમાં મહિલા કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવે છે, જેનો મને ગર્વ છે. આ સાથે જ મેયરે સેમિનારમાં “ચૂપ્પી તોડો” અને “પ્રતિકાર” નામની શોર્ટ ફિલ્મ મહિલા કર્મીઓ સાથે નિહાળી હતી.
આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી, જામનગર મહાનગરપાલિકાનાં આઈસીડીએસ શાખાના સીડીપીઓ પૃથ્વીબેન પટેલ, દહેજ પ્રતિબંધક અધિકારી હંસાબેન ટાઢાણી, સોનલબેન વર્ણાગર, ડો. કલ્પનાબેન ખંઢેરીયા, જેએમસીની સમિતિના પ્રમુખ ડો. કાજલબેન ચૌહાણ, અને મહિલા સુરક્ષાના વિવિધ સંગઠનો 181 અભયમ્, સખીવન સ્ટોપ સેન્ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, (PBC)પોલીસ બેઇસ સપોર્ટ સિસ્ટમ સહિતનાં સંગઠનના અધિકારીઓ- કર્મચારીઓ તથા જામનગર મહાનગરપાલિકાનાં વિવિધ વિભાગમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા.