રાજકોટ38 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગરોડ પર આજે બપોરના સમયે ધોળકિયા સ્કૂલની બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ ધડાકાભેર BRTS રૂટની રેલિંગમાં અથડાઈ હતી અને નુકશાન થવા પામ્યું હતું જેમાં બસના ચાલકને ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સમયે બસમાં કોઈ વિદ્યાર્થી હાજર ન હોવાથી મોટી દુર્ઘટના સ્હેજમાં ટળી હતી હાલ ગાંધીગ્રામ પોલીસે બસચાલક સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
બસ પલ્ટી મારી જતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યા ચોક નજીકથી ધોળકિયા સ્કૂલ બસ નંબર GJ.03.SW 9641 પસાર થઇ રહી હતી ત્યારે બસચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ ધડાકાભેર BRTS બસ રૂટની રેલિંગ સાથે અથડાઈ હતી અને જેના કારણે રેલિંગ તૂટી ગઈ હતી અને રોડ સાઈડ બસ પલ્ટી મારી જતા ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. જો કે, સદનસીબે બસમાં કોઈ વિદ્યાર્થી ન હોવાથી મોટી દુર્ઘટના સહેજમાં અટકી હતી અને બસચાલકને ઇજા પહોંચતા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
BRTS રૂટની સાત રેલિંગ તૂટી જતા કુલ 51,000નું નુકશાન
હાલ બનાવને પગલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા બસચાલક સામે પૂર ઝડપે અને બીજાની જિંદગી જોખમાય તે રીતે બસ ચલાવવા બદલ બસચાલક સામે આઇપીસી કલમ-184 અને 177 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અકસ્માતના પગલે BRTS રૂટની સાત રેલિંગ તૂટી જતા કુલ 51,000નું નુકશાન થયા હોવાનું સામે આવ્યું છે.