છોટા ઉદેપુર31 મિનિટ પહેલા
- કૉપી લિંક
કવાંટના બેડીયા ગામે વીજ કંપનીની બેદરકારીનો ભોગ એક મુંગુ પ્રાણી બન્યું છે, જમીન પર પડેલા વીજ વાયર પર ભેંસનો પગ પડી જતા કરંટ લાગતાં ભેંસનું મોત થવાની ઘટના સામે આવી છે.
કવાંટ તાલુકાના અંતરિયાળ વિસ્તારના બૈડીયા ગામે વીજ કંપનીની બેદરકારી સામે આવી છે. વીજ કંપનીની જીવતો વીજ વાયર જમીન પર પડ્યો હતો. ત્યારે આજે સવારે લગભગ 8:30 વાગ્યાના અરસામાં એક ખેડૂત સંજય નજુભાઈ રહે.બેથી ફળીયા,બૈડિયા બે ભેંસ ચરાવવા માટે લઇને જતાં હતાં ત્યારે રસ્તામાં એક જીવતો વીજ વાયર પડ્યો હતો, ત્યારે આગળ ચાલી રહેલી ભેંસનો પગ આ જીવતા વીજ વાયર પર પડતાં જ કરંટ લાગવાથી ભેંસનો પગ બળી ગયો હતો અને ભેંસનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ ભેંસને કરંટ લાગતા જ ખેડૂત એક લાકડી વડે બીજી ભેંસને બીજી દિશામાં વાળી દીધી હતી જેના લીધે તેનો જીવ બચી ગયો હતો.
મહત્વની વાત એ છે કે અંતરિયાળ વિસ્તારમાં આ રીતે જીવતા વીજ વાયર જમીન પર પડી રહેવા છતાં વીજ કંપનીના અધિકારીઓ કોઈ કાર્યવાહી કરતા નથી જેનો ભોગ આજે એક મૂંગુ પ્રાણી બન્યું છે, જેથી પંથકમાં વીજ કંપનીના કર્મચારીઓ વિરૂદ્ધ રોષ જોવા મળી રહ્યો છે.