વડોદરાના ચાંદોદમાં નર્મદા કિનારે ગંગા દશહરા મહોત્સવમાં મુખ્યમંત્રીએ આરતી ઉતારી | Chief Minister offers Aarti at Ganga Dussehra festival on the banks of Narmada at Chandod, Vadodara | Times Of Ahmedabad

વડોદરા2 કલાક પહેલા

  • કૉપી લિંક

વડોદરાના ચાંદોદ ગામની ગોદમાંથી પસાર થતી અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં ગંગા દશહરા પર્વની ઉજવણીનો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શુભારંભ કરાવ્યો હતો. આજે ગંગા દશહરાના પર્વના પ્રથમ પવિત્ર દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહી બ્રાહ્મણવૃંદ દ્વારા વેદ મંત્રોના પઠન સાથે માતા ગંગા-નર્મદાની ભવ્ય અને દિવ્ય આરતી કરી હતી.

મલ્હારરાવ ઘાટ ઝગમગી ઉઠ્યો
વડોદરા જિલ્લાના ડભોઇના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ ખાતે પ્રસિદ્ધ મલ્હાર રાવ ઘાટના કિનારે દસ દિવસીય ગંગા દશહરા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આ મહોત્સવમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા અને મલ્હાર રાવ ઘાટ ખાતે ગંગાજી-નર્મદાજી માતાની દિવ્ય આરતી કરી હતી.

વાતાવરણ ભક્તિમય બન્યું
સુપ્રસિધ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે ગંગાજીનું પૃથ્વી પર અવતરણ થયું હતું. તેની સ્મૃતિમાં વર્ષોની પરંપરા મુજબ ગંગા દશહરા મહોત્સવ ઉજવાય છે. આ મહોત્સવની દસ દિવસ સુધી ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણી દરમિયાન દરરોજ હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ એકઠા થઇ નર્મદાજીની આરતીનો લાભ લે છે. વેદોક્ત મંત્રોચ્ચાર સાથે અહીં પૂજા અને મહાઆરતી થતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
આ પાવન અવસરમાં છોટા ઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા, જિલ્લા પંચાયતના પ્રમુખ અશોક પટેલ, અગ્રણી સતિષ નિશાળિયા, કલેકટર અતુલ ગોર, ડી. ડી. ઓ. મમતા હીરપરા, જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ, પ્રાંત અધિકારી, પદાધિકારીઓ, અગ્રણીઓ, સાધુ-સંતો, ચાંદોદના ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજર રહી આ મહાઆરતીનો લાભ લીધો હતો.

Previous Post Next Post