પીપળીના માજી સરપંચને માર મારી ઉપાડી જવાની ધમકી મળ્યાની ફરિયાદ | Complaint that former sarpanch of Pipli was threatened to be beaten up | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર6 કલાક પહેલા

  • કૉપી લિંક

પાટડી તાલુકાના પીપળી ગામના માજી સરપંચને માર મારી ઉપાડી જવાની ફોન પર ધમકી મળ્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. જેમાં પીપળીના માજી સરપંચે ફોન પર ધમકી આપનારા પીપળીના શખ્સ વિરુદ્ધ બજાણા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પાટડી તાલુકાના પીપળી ગામના માજી સરપંચ રમણીકભાઇ રણછોડભાઇ અગોલા (પટેલ) પોતાના પરિવારજનો સાથે માલવણ ઉમા સંકુલમાં શિવપુરાણની કથા સાંભળવા ગયા હતા. ત્યારે કોઇ અજાણ્યા મોબાઇલ નંબર પરથી એમને ફોન આવ્યો હતો કે, હું નશીબખાન સરદારખાન બોલું છું અને ધમકી આપતા જણાવ્યું હતું કે, તુ મારા રસ્તામાં આડો આવ્યો છુ. બે દિવસમાં જ તને ઉપાડી લેવાનો છે. તુ અત્યારે ક્યાં છુ એમ કહી ભુંડાબોલી ગાળો આપી તું પીપળી ગામે આવ, હું પીપળી ગામે પાણીની ટાંકી પાસે તારી રાહ જોઇને ઉભો છુ અને આજે તને પુરો જ કરી નાખવાનો છે એમ કહી ફોન કાપી નાખ્યો હતો.

આથી પીપળી ગામના માજી સરપંચ રમણીકભાઇ રણછોડભાઇ અગોલા (પટેલ)એ પોતાના પરિવારજનોને આ બાબતે સઘળી હકીકત જણાવીતા એમના દીકરા ઉર્વેશે એ અજાણ્યા નંબર ઉપર ફોન કરતા સામે જણાવ્યું હતું કે, મારે તારા બાપા સાથે હિસાબ કરવાનો છે અને હું પીપળીથી નશીબખાન સરદારખાન બોલું છુ એમ કહી ફોન કાપી નાખ્યો હતો. આ બાબતે પીપળીના માજી સરપંચ રમણિકભાઇએ પોતાના પરિવારજનો સાથે બજાણા પોલીસ મથકે મોબાઇલ નંબર સાથે પીપળીના નશીબખાન સરદારખાન વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના કૃપાલસિંહ ચાવડા ચલાવી રહ્યાં છે.