વઢવાણ22 મિનિટ પહેલા
- કૉપી લિંક

- સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણોના આક્રમણથી પરંપરાગત ધાતુના વાસણોનું વેચાણ તળિયે
સુરેન્દ્રનગર જિલ્લામાં હાથ ઘડતરના તાંબા પિત્તળના ગૃહઉદ્યોગને 500થી વધુ કંસારા કારીગરો જીવંત રાખી રહ્યા છે. ઝાલાવાડમાંથી ગોળી, માટલું, બેડું, બોઘરણું જેવી કલાત્મક કારીગીરી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને વિદેશમાં પહોચી છે. હાલ સ્ટીલ અને એલ્યુમિનિયમના આક્રમણ વચ્ચે સરકારે તાંબા પિત્તળના ગૃહઉદ્યોગને જરૂરી પ્રોત્સાહન પુરૂ નહિ પાડતા આ કસબ મૃત:પાય અવસ્થામાં છે.
ઝાલાવાડમાં તાંબા – પિત્તળ અને કાંસામાંથી બનાવતા વાસણો માટે વઢવાણ મુખ્ય કેન્દ્ર છે. જ્યારે જોરાવરનગર, લીંબડી, ધ્રાંગ્રધ્રા અને સુરેન્દ્રનગરમાં પણ 500થી વધુ કુટુંબો ધાતુના વાસણો ઘડવાનું કામ કરે છે. જેમાં ઘરવપરાશના વાસણો ગોળી, માટલુ, બેડું, બોઘરણું, તપેલી, વાટકી, કમંડળ, ડોયા વગેરે બનાવે છે. આ વાસણોની માંગ રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે હિન્દીભાષી રાજ્યોમાં સૌથી વધુ છે. કંસારા કારીગરોએ પોતાની કલાને અવનવા કસબોમાં ઢાળીને કંડારી છે.
જેમાં દેવ દેવીઓની મૂર્તિઓ, મોર, ઢેલ, સિંહ જેવા પશુપક્ષીઓ ઉપરાંત રથ, ઢોલ, કંકાવટી, હીચકા, દીવા અને સાંકળ વગેરે પણ બનાવે છે. પરંતુ હાથઘડતરના ગૃહઉદ્યોગ પર સ્ટીલ અને એલ્યુમિનિયમ વગેરેનું આક્રમણ શરૂ થયુ છે. બીજીતરફ રાજય સરકાર તરફથી હાથઘડતરના ગૃહઉદ્યોગને જરૂરી પ્રોત્સાહન નહિ અપાતા સમગ્ર ગુજરાતમાં પ્રસિધ્ધ ધાતુની કલા કારીગીરીનો આ કસબ મૃત:પ્રાય અવસ્થામાં છે.
તેજાબમાં વાસણને સાફ કરી ટોચા મારીને ઝગમગાટવાળું બનાવવામાં આવે છે
પ્રક્રિયા સૌપ્રથમ તાંબા પિત્તળના ભંગારમાંથી સર્કલ પાટા બને છે. આ સર્કલ પાટાને ઘાટ કે સાઇઝ પ્રમાણે કાપવામાં આવે છે. ત્યારબાદ કાંઠો , રેણ અને રીંગ બનાવીને ઝારવામાં આવે છે. ત્યારબાદ નીચેનું તળીયુ ફીટ કરીને હાથ ભઠ્ઠીમાં રેણ કરવામાં આવે છે. ત્યાર પછી તેજાબમાં વાસણને સાફ કરીને ટોચા મારીને ઝગમગાટ વાળું બનાવવામાં આવે છે.
કંસારા કારીગરો અને વેપારીના પ્રશ્નો પડતર
કંસારા સમાજના અમિતભાઇ કંસારા, ગોપાલભાઇ, રજનીભાઇ, નિલેશભાઇ, પિનાંકભાઇ વગેરેએ જણાવ્યું કે અમારા ગૃહઉદ્યોગને ટકાવવા માટે બેંક લોનની જરૂરિયાત છે.પરંતુ વાસણ ઘડતરને વ્યવસાય ન ગણતા હોવાના બહાને લોન મળતી નથી. જ્યારે કુટિર ઉદ્યોગ સહિતના લાભ નથી મળતા. કંસારા જ્ઞાતિને બક્ષીપંચના કે પછાત વર્ગમા સમાવેશ થાય તે માટે 1982થી અમારી માગણી છે. કંસારા કારીગરોની રોજગારી ટકાવવા માટે સહયોગ નહિ મળે તો આ ગૃહઉદ્યોગ મૃતપાય થઇને નષ્ટ થઇ જશે.