રાજકોટ8 કલાક પહેલા
- કૉપી લિંક
પ્રોફેસર, જયદિપસિંહ ડોડીયાની ફાઈલ તસ્વીર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના પ્રોફેસર કમલ મહેતાએ પ્રોફેસર જયદિપસિંહ ડોડીયા સામે બદનક્ષી બદલ રૂપિયા 50 લાખ વળતર પેટે મેળવવા કરેલ દાવો અદાલતે રદ્દ કર્યો છે. વર્ષ 2020માં અલગ-અલગ છાપામાં અલગ-અલગ સમયે છપાયેલ સમાચારો જયદીપસિંહ ડોડીયાએ છપાવેલ હોવાનો આક્ષેપ કમલ મહેતાએ કરેલ છે, જે આક્ષેપો કમલ મહેતાએ કોર્ટમાં સાબિત ન કરી શકતા આજે કોર્ટ દ્વારા તેમનો દાવો રદ કરવામાં આવ્યો છે.
ડીનની ગેરહાજરીમાં વિદ્યાર્થીને પ્રવેશ આપ્યો
પ્રોફેસર કમલ મહેતાએ પોતાની બદનક્ષી થયેલ હોવા અંગે કરેલ આક્ષેપો મુજબ તા.13.03.2020નાં રોજ પ્રતિવાદી જયદિપસિંહ ડોડીયાએ તેમની સહીથી એક પ્રેસનોટ તૈયાર કરી. રાજકોટથી પ્રસિદ્ધ થતા જુદા-જુદા દૈનિક પત્રોમાં મોકલાવેલ જેમાં જણાવેલું હતું કે, પ્રો.કમલ મહેતાએ તા.22.03.2014ના રોજ અગાઉથી નકકી થયા મુજબ માત્ર એક વગદાર વિદ્યાર્થીને પી.એચ.ડી.માં પ્રવેશ આપવા માટે ડીનની ગેરહાજરીમાં માત્ર એક જ વિષય નિષ્ણાંતની હાજરીમાં ડી.આર.સી બોલાવી હતી અને આ વિદ્યાર્થીને પ્રવેશ આપેલ છે. આ વિદ્યાર્થીના માર્ગદર્શક તરીકે અંગ્રેજી વિષયના અભ્યાસ સમિતીના અધ્યક્ષ ડૉ. વાજાને ફાળવવામાં આવ્યા હતાં. પ્રવેશ આપવાનું અગાઉથી નક્કી કરી એક વિદ્યાર્થી માટે ડી.આર.સી.નું નાટક કરવું તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રસ્થાપિત ધારાધોરણોની બિલકુલ વિરુદ્ધ બાબત છે.
યુ.જી.સી. રેગ્યુલેશન-2009નો ભંગ
આ ઉપરાંત પ્રોફેસર મહેતાએ ઓપન કેટેગરીમાં તેના અધ્યક્ષ તરીકેના કાર્યકાળમાં MAમાં પુરા 55% ન હોવા છતાં બે વિદ્યાર્થીઓને પ્રવેશ આપી PHD પ્રવેશ માટેનાં યુ.જી.સી. રેગ્યુલેશન-2009નો ભંગ કરેલ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીએચ.ડી.ઓર્ડીનન્સનું મનઘડત અર્થઘટન કરી કેટલાક વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં પણ બે વર્ષ વિલંબ કરેલ છે.
પત્રકાર પાસે સરકાર માન્ય ઓળખપત્રક નથી
આ અંગે કોર્ટમાં દાવો દાખલ થતા પ્રોફેસર કમલ મહેતાએ રજુ કરેલ પુરાવા અને તેમના સાહેદોની જુબાની સહિતની બાબતો નામદાર અદાલતે સ્વીકારેલ નહિ અને રજુ થયેલ પુરાવાથી પ્રોફેસર કમલ મહેતાની બદનક્ષી સાબિત થતી હોવાનું પુરવાર ન જણાતાં પ્રોફેસર જયદિપસિંહ કે. ડોડીયાએ દલીલો કરતા જણાવેલ કે, આ કામે જે પ્રેસનોટને આધારે પ્રતિવાદી વિરુદ્ધ બદનક્ષીનો દાવો લાવેલ છે, તે વ્હોટ્સએપ કોપી છે, કોઈ અસલ ન્યુઝપેપર રજુ કરેલ નથી અને ઈ-કોપી રજુ કરેલ છે. જેમાં પુરાવા 65-બી મુજબનું સર્ટીફીકેટ નથી, જે ન્યુઝપેપર્સમાં આ પ્રેસનોટ પ્રસિદ્ધ થયેલી છે. તેના કોઈ એક્ઝિક્યુટીવ એડિટરને તપાસવામાં આવેલ નથી. વધુમાં વાદી તરફે પત્રકારને તપાસેલ છે, જેનાથી વાદીની દાવા હકીકતને સમર્થન મળેલ નથી અને તે પત્રકાર પાસે સરકાર માન્ય ઓળખપત્રક નથી.
ઉપરોક્ત પ્રતિવાદીનો બચાવ, પ્રતિવાદીએ કરેલ વાદીની, વાદીનાં અન્ય સાહેદોની વિગતવાર ઉલટ તપાસ, પ્રતિવાદીએ તેના કેસના સમર્થનમાં કરેલ દલીલો તથા દલીલો સાથે રજુ કરેલ જુદી-જુદી વડી અદાલતના ચુકાદાઓ ધ્યાને લેતા રાજકોટના અધિક સિનીયર સિવિલ જજ એસ.જે.પંચાલે વાદીનો દાવો પુરવાર થતો ન હોવાની હકીકત માની વાદીનો દાવો નામંજૂર કરતો હુકમ ફરમાવેલ છે.