રાજકોટ21 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજકોટના રૈયાધાર વિસ્તારમાં ગુંડાઓ બેફામ આતંક મચાવી રહ્યા હોવાનો આક્ષેપ વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં છથી સાત જેટલા અસામાજીક તત્ત્વો કે જેમાં મહિલા પણ સામેલ છે, તેમના દ્વારા અહીંથી પસાર થતી મહિલાઓ પર ગમે ત્યારે ઈંડા ફેંકવામાં આવી રહ્યા છે. તો ગમે તેના પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેને લઈને આ મામલે પો. કમિશ્નરે ત્વરિત કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
ક્વાર્ટર પર ગેરકાયદેસર કબજો
રૈયાધાર વિસ્તારમાં રહેતા જયદીપ આહિરે જણાવ્યું કે, રમેશ, દકુડો, નરશી, સુનિલ, ગીતા, પકો, બાબુ પરમાર નામના ગુંડાઓ દ્વારા મનપાનાં ક્વાર્ટર પર ગેરકાયદેસર કબજો કરીને તેને ભાડે આપી દેવામાં આવ્યા છે. આટલું ઓછું હોય તેમ અહીંથી પસાર થતી યુવતીઓ તેમજ મહિલાઓ પર ગમે ત્યારે ઈંડા ફેંકીને તેમને પજવવામાં આવી રહી છે.
રૈયાધાર વિસ્તારમાં રહેતા જયદીપ આહિર
સ્કૂટર સળગાવી નાખ્યું હતું
આ ઉપરાંત મજૂરો પાસેથી પણ આ લોકો દ્વારા પૈસા પડાવવામાં આવી રહ્યા છે. ગત વર્ષે 11મા મહિનાની બીજી તારીખે મેં નવું સ્કૂટર લીધું હતું ત્યારે આ લોકોને તે માફક ન આવતાં સ્કૂટર સળગાવી નાખ્યું હતું. જો આ લોકોનો કોઈ પ્રતિકાર કરે તો તેમની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરી ફિટ કરાવી દેવાની ધમકી આપવામાં આવે છે.
ગુંડાઓ બેફામ આતંક મચાવી રહ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
પોલીસે માત્ર અટકાયતી પગલાં લીધા
વધુમાં તેમને જણાવ્યું હતું કે, વિસ્તારમાં કરિયાણાની દુકાનો આવેલી છે. ત્યાંથી આ લોકો મફતમાં કરિયાણું લઈ જાય છે. આ અંગે પોલીસ કમિશનર કચેરી તેમજ યુનિવર્સિટી પોલીસ મથકમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં પોલીસ દ્વારા માત્ર અટકાયતી પગલાં લઈ તેઓને છોડી મુકવામાં આવતા હોવાથી તેમની હિંમત વધી રહી છે.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ
કડકમાં કડક કાર્યવાહી થશે
આ અંગે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે ગઈકાલે આ ઘટનાની રજૂઆત કરાયા બાદ અમે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે. અને તેમાં જે પણ ગુનેગાર હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત ગુંડા તત્ત્વો રંજાડતા હોવાના CCTV ફૂટેજ હોવાનો દાવો કરવામાં આવ્યો હોવાથી પોલીસે તેનો પણ કબજો લીધો છે અને હાલ તેના આધારે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.