પાટડીના મેરા પાસે આઇશર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇકસવારનું મોત, અન્ય એક ઇજાગ્રસ્ત | Cyclist killed, another injured in accident between Eicher and bike near Mera in Patdi | Times Of Ahmedabad
સુરેન્દ્રનગર6 કલાક પહેલા
- કૉપી લિંક
પાટડી તાલુકાના મેરા પાસે આઇશર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઇકસવારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. અને અન્ય એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો. આથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને મૃતક યુવાનને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવાયો હતો.
પાટડી તાલુકાના મેરા ગામ પાસે ચુડેલ માતાજીના મંદિર પાસે રૂપેણ નદીના પુલ ઉપર મોટરસાયકલ લઇને ધનોરાથી મેરા શાકભાજી લેવા જઇ રહેલા ભરતજી કાળાજી ઠાકોર અને વિપુલજી ભુરાજી ઠાકોરના બાઇક સાથે સામેથી માંતેલા સાંઢની માફક આવી રહેલા આઇશરના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા આઇશર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકમાં સવાર બંને યુવાનો રોડ પર પટકાયા હતા.
જેમાં શંખેશ્વર તાલુકાના ધનોરા ગામના ભરતજી કાળાજી ઠાકોરને માથામાં અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા એનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. જ્યારે ધનોરા ગામના જ વિપુલજી ભુરાજી ઠાકોરને પણ હાથે, પગે અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા એને લોહિલુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ વાનમાં તાકીદે સારવાર અર્થે સીતાપુર ઝાયડસ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં એને જમણા પગે ફેક્ચર અને શરીરના ભાગે ઇજાઓ પહોંચી હતી.
બીજી બાજુ આઇશર ચાલક મોટરસાયકલ સાથે સર્જાયેલા અકસ્માત બાદ આઇશર મૂકી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં દસાડા પોલીસ તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ આઇશર ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી મૃતક ભરતજી કાળાજી ઠાકોરની લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી નાસી છૂટેલા આઇશર ચાલકને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ દસાડા પોલીસ મથકના પીએસઆઇ એચ.એલ.ઠાકર ચલાવી રહ્યાં છે.
Post a Comment