ગોધરા25 મિનિટ પહેલા
- કૉપી લિંક
- સફાઈ તથા પવડી ખાતાના 400 ઉપરાંત કર્મચારીઓને 3 માસથી પગાર મળ્યો નથી
ગોધરામાં ભાજપની નગર પાલીકાના સત્તાધીશોની અણઆવડત વહીવટના કારણે હવે પાલિકા આર્થિક દેવાદાર થવાના આરે આવી હોવા છતાં ભાજપ ધારાસભ્ય તથા જિલ્લા ભાજપ પ્રમુખ હાથ પર હાથ મુકી બેસી રહ્યા છે. પાલીકા લાઇટ કોન્ટ્રાકટરને પેમેન્ટ ના ચુકવતા રીપેરીંગ કામગીરી બંધ કરતા વિસ્તારોમાં અંધારૂ છવાયું છે.
ત્યારે પાલીકા દ્વારા 400 ઉપરાંત સફાઇકામદારો તથા પવડીના કામદારોને ફેબ્રુઆરી માસથી પગાર ચુકવ્યો નથી. પાલીકાના પગાર પર નિર્ભર રહેતા કામદારોને પગાર ન મળતાં વ્યાજના ચક્રવ્યુહમાં ફસાઇ રહ્યા છે. છેલ્લા 3 માસથી પગાર ન મળતાં સફાઇ કામદારો નગર પાલીકા જઇને હોબાળો મચાવ્યો હતો.
સફાઇકામદાર તથા કામદાર યુનિયનના પ્રતિનીધી દ્વારા પાલીકામાંથી યોગ્ય જવાબ ના મળતાં સફાઇકર્મીઅો ગોધરા ખાતેની નાયબ લેબર કમિશનરની કચેરીએ પહોંચ્યા હતા. નાયબ લેબર કમિશનરની કચેરીએ પહોંચીને કર્મચારીઓએ નાયબ લેબર કમિશનરને સમગ્ર બાબતે લેખિતમાં રજૂઆત કરી હતી. કર્મચારીઓના યુનિયનના પ્રતિનિધિ તેમજ નગરપાલિકાના પ્રતિનિધિઓની હાજરીમાં નાયબ લેબર કમિશનર દ્વારા ફેબ્રુઆરી અને માર્ચ મહિનાનો કર્મચારીઓનો પગાર ન કરવા બદલ પાલિકા સામે ફોજદારી ફરિયાદ કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.
ગોધરા નગરપાલિકા દ્વારા કર્મચારીઓનો પગાર ન કરતા નાયબ લેબર કમિશનર દ્વારા મુખ્ય લેબર કમિશનર પાસે ગોધરા નગરપાલિકા સામે ફોજદારી ગુનો દાખલ કરવા માટે મંજૂરી માંગી છે. અને એપ્રિલ માસનો પગાર આગામી દસ દિવસમાં કરવામાં નહીં આવે તો તે અંગે પણ ફોજદારી ગુનો દાખલ કરવા માટે કાર્યવાહી કરાશે.