મોરબી25 મિનિટ પહેલા
- કૉપી લિંક
મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નાગરિકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તેવા હેતુથી મોરબી શહેરમાં લગાવેલ સીસીટીવી કેમેરા મારફત ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને ઈ ચલણ ઈશ્યુ કરવામાં આવે છે. મોરબી જિલ્લા ખાતે ટ્રાફિક નિયમ ભંગ બદલ ઈશ્યુ થયેલા ઈ ચલણો પૈકી જે વાહનચાલકોએ આજદિન સુધી દંડ ભરપાઈ કરેલ નથી. તેવા વાહનચાલકો વિરુદ્ધ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ મોરબી દ્વારા કોર્ટ નોટિસ કાઢી મોકલી આપવામાં આવી છે.
ઈ ચલણોના આવા કુલ 1930 કેસ તા. 13 મેના રોજ યોજાનાર લોક અદાલતમાં મુકવામાં આવેલ છે. જે સંદર્ભે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ મોરબી દ્વારા નોટિસોની બજવણી કરવામાં આવી છે. લોક અદાલત બાદ જે કોઈ મેમો ભરશે નહી તેમના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરાશે. જેથી ઈ-ચલણ ભરવાનું બાકી હોય તેઓએ તા. 13 મે પહેલા ટ્રાફિક શાખા રૂમ નં 11, પોલીસ અધિક્ષકની કચેરી, જિલ્લા સેવા સદન કેમ્પસ, સો ઓરડી મેઈન રોડ મોરબી 2 ખાતે તેમજ શનાળા પોલીસ ચોકી, ઉપરના માળે, છોટાલાલ પેટ્રોલ પંપની બાજુમાં શનાળા રોડ મોરબી ખાતે ભરી જવા જણાવ્યું છે. ઓનલાઈન ઈ-ચલણ ચેક કરવા અને ભરવા માટે પ્લેસ્ટોર પરથી VISWAS નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી શકો છો અથવા વેબસાઈટ પરથી ભરી શકો છો તેમ પણ જણાવાયું છે.