દોહિત્રીને મળવા મહિલા અમદાવાદ આવ્યા'ને માર્ગ અકસ્માતમાં બ્રેઇનડેડ થયા, પરિવારે બે કિડની અને એક લીવર ડોનેટ કર્યું | Elderly came to Ahmedabad to meet Dohitri, brain dead in road accident, family donates two kidneys and one liver | Times Of Ahmedabad

અમદાવાદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ રાજ્યમાં અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટેના વેઇટીંગ લીસ્ટને નેસ્તનાબૂદ કરવાનો અડગ નિર્ધાર કરી લીધો છે.જેના પરિણામે જ સતત પાંચ દિવસથી દિવસ રાત મહેનતના પરિણામે સતત પાંચ અંગદાન થયા છે. જેમાં દોહિત્રીને મળવા મહિલા અમદાવાદ આવ્યા’ને માર્ગ અકસ્માતમાં બ્રેઇનડેડ થયા, પરિવારે બે કિડની અને એક લીવર ડોનેટ કર્યું છે.

વાહન સ્લીપ થતાં ઘવાયા
સિવિલ હોસ્પિટલમા તારીખ 9મી મે ના રોજ થયેલ 109મા અંગદાનની વિગતો એવી છે કે, મૂળ મહારાષ્ટ્રના અને અમદાવાદમાં પોતાની દોહિત્રીને મળવા આવેલા 43 વર્ષના ચિત્રાબેન ચંદેકર અમદાવાદથી મહેમદાબાદ પ્રવાસ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમનું વાહન સ્લીપ થઇ જતા તેઓ ઢળી પડ્યા હતા અને તેમને માથાના ભાગમાં ગંભીર ઇજા થઇ હતી. જેથી તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.

લીવરનું દાન કર્યું
સિવિલ હોસ્પિટલમાં 24 કલાકની સધન સારવારના અંતે તબીબોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા. બ્રેઇનડેડ જાહેર કરાતા હોસ્પિટલના કાઉન્સેલર્સે પરિવારજનોને અંગદાનની અગત્યતા સમજાવી.અંગદાનની સમજ મેળવીને પરિવારજનોએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કરીને જરૂરિયાતમંદને નવજીવન આપવાનું નક્કી કર્યું.આમ આ નિર્ણય બાદ જ્યારે ચિત્રાબેનના અંગદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે 7 થી 8 કલાકની મહેનતના અંતે બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી. જેને કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.

ગણતરીની મીનિટોમાં અંગદાનનો નિર્ણય
સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડો.રાકેશ જોષીએ સિવિલ હોસ્પિટલમાં થયેલ 109મા અંગદાન વિશે જણાવ્યું કે,ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં થયેલ અંગદાનની જાગૃકતા હવે ફક્ત ગુજરાત પૂરતી સીમિત ન રહીને અન્ય રાજ્યોમાં પણ પ્રવર્તી છે. જેના પરિણામે જ આ દર્દી મૂળ મહારાષ્ટ્રના હોવા છતા તેમના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજીને ગણતરીની મીનિટોમાં અંગદાનનો નિર્ણય કર્યો છે.સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસમાં લગોલગ પાંચ અંગદાનમાં સફળતા મળી છે. આ પાંચ અંગદાતાઓના મળેલા 15 અંગોના પરિણામે 15 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.