એકસ્ટ્રા બસો મૂકી છતાં સીટ મેળવવા પડાપડી થઈ, અસહ્ય ગરમીમાં પગ મૂકવાની જગ્યા નહીં, માનવરૂપી કિડીયારૂના દૃશ્યો સર્જાયા | Even with extra buses, there was a struggle to get a seat, no place to step in the unbearable heat, scenes of anthropomorphic children. | Times Of Ahmedabad

અમદાવાદ3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આજરોજ ગુજરાતમાં ખાલી પડેલી 3,437 તલાટી કમ મંત્રીની જગ્યા ભરવા માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા વર્ષોથી પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોમાં ખૂશી જોવા મળી હતી. રાજ્યનાં 2,697 પરીક્ષા કેન્દ્રમાં 28,814 વર્ગખંડમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષાના લઈ ST વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો મુકવામાં આવી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારો પોતાના વતન જવા માટે બસ સ્ટેશન પર પહોંચ્યાં હતાં. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોના બસ સ્ટેશનો પર માનવરૂપી કિડીયારૂના દૃશ્યો સર્જાયા હતા.

ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પર ભારે ભીડ
અમદાવાદના ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષા બાદ વતન જવા માટે પહોંચ્યા હતા. ત્યારે ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પર જાણે માણસોનું કીડીયારું ઉભરાયું હોય તેમ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. રાજ્યમાં લાખો વિદ્યાર્થીએ એક શહેરથી બીજા શહેરમાં પરીક્ષા આપવા માટે આવ્યા હતા. ગુજરાત એસટી નિગમ દ્વારા તમામ ઉમેદવારોને પોતાના સ્થળ સુધી પહોંચાડવા માટે થઈ અને એક્સ્ટ્રા બસો મુકવામાં આવી છે. જેના પગલે મોટી સંખ્યામાં બસોનો ફાકલો ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પર જોવા મળ્યો હતો. એક બાદ એક ઉમેદવારોથી બસો ભરાતી જતી હતી. જેમ જેમ બસ ભરાઈ અને રવાના થાય તેમ બીજી બસો મૂકવામાં આવતી હતી.

રાજકોટ બસપોર્ટમાં માનવરૂપી કિડીયારૂ.

રાજકોટ બસપોર્ટમાં માનવરૂપી કિડીયારૂ.

બસમાં બેસવા માટે પડાપડી થઈ
આટલી સુવિધા વચ્ચે પણ બસમાં બેસવા માટે મુસાફરો પડાપડી કરી રહ્યાં હતા. કોઈક બારીમાંથી પોતાનો સામાન સીટ ઉપર મૂકી દેતા હતા તો કાઈક ધક્કામૂકી કરી બસમાં ચડતા નજરે પડ્યાં હતા. આમ બસમાં બેસવા માટે થઈ અને પડાપડી થઈ હતી. માત્ર પાંચ મિનિટમાં જ બસો ભરાઈ જતી હતી. અમદાવાદ ગીતામંદિરથી પરીક્ષા પૂર્ણ થયાના માત્ર એક કલાકમાં જ 80થી વધુ બસો પાલનપુર, ડીસા, ગોધરા, હિંમતનગર, ઇડર, સુરેન્દ્રનગર, સુરત, વડોદરા, આણંદ, નડિયાદ, સાબરકાંઠા બનાસકાંઠા, રાજકોટ જામનગર, ભાવનગર, કચ્છ સહિતના શહેરોમાં રવાના કરવામાં આવી હતી.

સુરત બસ સ્ટેન્ડ પર 50 હાજરથી વધુ ઉમેદવારો પહોંચ્યા
સુરતમાં 216 પરીક્ષા કેન્દ્રો પર તલાટીની પરીક્ષા આપવા માટે 70 હજારથી વધુ ઉમેદવારો રજીસ્ટર થયા હતા. ત્યારે પરીક્ષા પૂર્ણ થયા બાદ 50 હાજરથી વધુ ઉમેદવારો એક સાથે સમગ્ર સુરતમાંથી બસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. એક જ સાથે હજારો વિદ્યાર્થીઓ અલગ અલગ સ્થળે જવા માટે નીકળતા બસોની સંખ્યા પણ ઓછી પડી હતી. એક્સ્ટ્રા 120 જેટલી બસો જોડાવાનું નક્કી કરાયું હતું, પરંતુ જે પ્રકારે વિદ્યાર્થીઓનો ઘસારો છે તે જોતા વહીવટી તંત્રએ કરેલી તૈયારી પણ નિષ્ફળ પુરવાર થઈ હતી.

નવસારીથી વધુ બસો મંગાવવામાં આવી
અમદાવાદ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, વલસાડ, વાપી, નવસારી, તાપી, ધરમપુર સુધી બસો દોડાવવામાં આવી હતી. 50 હાજરથી વધુ ઉમેદવારોને ધ્યાને રાખી વ્યવસ્થા કરાઈ હતી. એક સાથે ઉમેદવારો આવી જતાં બીજી બસો પણ મંગાવવાની ફરજ પડી હતી. બારડોલી અને નવસારી ખાતેથી વધુ એક્ટ્રેસ બસો મંગાવવામાં આવી હતી.

એક બાદ એક બસો ભરાવા લાગી.

એક બાદ એક બસો ભરાવા લાગી.

રાજકોટમાં સિક્યુરિટી સ્ટાફ માટે કપરી સ્થિતિનું નિર્માણ
રાજકોટના બસપોર્ટની અંદર અને બહાર ટ્રાફિકજામનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓનો મોટો પ્રવાહ બસપોર્ટ ખાતે પહોંચતા ત્યાંના સિક્યુરિટી સ્ટાફ માટે કપરી સ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે બસપોર્ટની અંદર આવ્યા બાદ છાત્રોને કોઈ મુશ્કેલી પડે નહીં તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સંખ્યાનાં પ્રમાણમાં બસો ઓછી હોવાને કારણે ઘણા છાત્રોએ બસની રાહ જોઇને બેસી રહેવાની ફરજ પડી હતી.

વાહનવ્યવહાર નિગમે કરેલી વ્યવસ્થા અપૂરતીઃ પ્રકાશભાઈ
આ તકે બસપોર્ટ ખાતેથી દિવ્યાંગ પરિક્ષાર્થી પ્રકાશભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, હું જસદણ ખાતેથી પરીક્ષા આપવા આવ્યો હતો. એકંદરે આ પેપર તો સરળ હતું. થોડું લેન્ધી હતું, છતાં તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા ખૂબ સારી હતી. જો કે, વાહનવ્યવહાર નિગમે કરેલી વ્યવસ્થા અપૂરતી છે. સંખ્યાના પ્રમાણમાં વાહનો ઓછા હોવાથી મારા જેવા વિકલાંગ ઉમેદવારોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તેમની બેઠક વ્યવસ્થા ત્રીજા માળે હોવાથી તેમાં પણ તકલીફ સહન કરવી પડી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

બસમાં ચડવા પડા પડી.

બસમાં ચડવા પડા પડી.