આણંદ4 કલાક પહેલા
- કૉપી લિંક

આણંદના તારાપુર ફતેપુરા હાઇવે ઉપર અજાણ્યા વાહનની ટક્કરે રોડ ક્રોસ કરી રહેલા આધેડનું ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે તારાપુર પોલીસ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદમાં અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો.બેફામ વાહનો હંકારતા વાહનચાલકો નિર્દોષ નાગરિકો અને રાહદારીઓની જિંદગી જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે ભાવનગરથી આણંદ ઘાસચારો લેવા આવેલ ખેડૂતનું મોત નીપજતાં પરિવારજનો અને ગ્રામજનોમાં શોક વ્યાપ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર જિલ્લાના નેસવડ ગામમાં રહેતા ગુલાબભાઈ કાંતિભાઈ સરવૈયાના કાકા ઘુસાભાઇ રાઘવભાઈ સરવૈયા ગામ નેસવડ થી ઘાસચારો લેવા માટે મનસુખભાઈ જીવણભાઈ ડાભીનું આઇસર ભાડે લઈ આણંદ જવા માટે નીકળ્યાં હતાં. તે દરમિયાન શનિવાર સવારના સમયે તેમના કાકા ઘુસાભાઈ તારાપુર વટામણ હાઇવે રોડ ઉપર ફતેપુરા બ્રિજ નજીક સીએનજી ગેસ સ્ટેશન નજીક રોડ ક્રોસ કરતાં હતાં. તે સમયે પુરઝડપે આવી ચડેલા અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટે લેતાં માથાના પાછળના ભાગે, પીઠના ભાગે તેમજ પગમાં ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ઘટનાસ્થળેથી નાસી ગયો હતો. આ બનાવ અંગે ગુલાબભાઈ સરવૈયાએ તારાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા વાહન ચાલક અકસ્માત મોતનો ઞુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.