સુરત સિવિલમાંથી પ્રથમવાર હ્રદયનું દાન, હ્રદય એર એમ્બ્યુલન્સથી અમદાવાદ પહોંચાડી ટ્રાન્સપ્લાન્ટ કરાયું | First Heart Donation from Surat Civil, Heart Transplant Delivered to Ahmedabad by Air Ambulance | Times Of Ahmedabad

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક

ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ મેળવી ચૂકેલા સુરત શહેરની યશકલગીમાં એકસાથે ત્રણ બ્રેનડેડ વ્યક્તિના અંગદાન થકી વધુ એક છોગુ ઉમેરાયું છે. સુરત સિવિલ હોસ્પિટલની સોટો ટીમના સભ્યોના અવિરત પ્રયાસોથી છેલ્લા 24 કલાકમાં ત્રણ જેટલા બ્રેનડેડ વ્યક્તિના 10 અંગનું દાન સ્વીકારવાની વિરલ ઘટના બની છે. જેમાં સુરત સિવિલમાંથી પહેલીવાર હ્રદયનું દાન કરવામાં આવ્યું છે. હ્રદયને એર એમ્બ્યુલન્સથી અમદાવાદ પહોંચાડી ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

35 વર્ષીય યુવકના કિડની-લીવરનું દાન
પ્રથમ બનાવની વિગત અનુસાર 30 એપ્રિલના રોજ મહારાષ્ટ્રના દહાણુ ખાતે 35 વર્ષીય અવિનાશ લક્ષ્મણ ધોડાડે ટુ વ્હીલર લઈને જતા હતા. ત્યારે અકસ્માત થતા તત્કાલ વલસાડ જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી 1 મેના રોજ વધુ સારવાર માટે સુરત સિવિલમાં રીફર કરાયા હતા. જ્યાં 2 મેએ તેમને બ્રેનડેડ જાહેર કર્યા હતા. સિવિલ સ્થિત સોટોની ટીમના સભ્ય ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડિયા, નર્સિગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, નિર્મલાબેને તેમના પરિવારજનોને સમજાવીને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. પરિવારે સંમતિ આપતા અવિનાશનું લિવર તથા બે કિડનીનું દાન સ્વીકારાયું હતું. કિડનીને રાજકોટ તથા લિવરને અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં લઈ જવાયું હતું.

46 વર્ષીય યુવકના કિડની-હૃદયનું દાન
બીજા બનાવમાં સુરત શહેરની મહાલક્ષ્મી સોસાયટી, બમરોલી, પાંડેસરામાં રહેતા અને મહારાષ્ટ્રના જલગાંવમાં તેમના ભાઈની તબિયત પૂછવા ગયેલા 45 વર્ષીય દિપક સંતોષ ચૌધરીને ચક્કર આવતા બેભાન અવસ્થામાં નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં 3 મેના રોજ તેમને બ્રેનડેડ જાહેર કર્યા હતા. પરિવારે સંમતિ આપતા દિપકની બે કિડની તથા હૃદયનું દાન સ્વીકારાયું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમવાર હૃદયનું દાન થયું છે. જેને અમદાવાદ સિમ્સ હોસ્પિટલ ખાતે એર એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં આવ્યું હતું.

23 વર્ષીય યુવકના કિડની, લિવર, આંતરડાનું દાન
ત્રીજા બનાવમાં સુરત શહેરના પાંડેસરા વિસ્તારની મહાદેવનગર સોસાયટીમાં પોતાના સગાને ત્યાં રહેતા 23 વર્ષીય પ્રિતેશ રાજભર 30 એપ્રિલે પાંડેસરાના ગણપતનગર પાસે રોડ પર બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક બાઈક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તત્કાલ 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બે દિવસની સારવાર બાદ 2 મેએ રાત્રે તેમને બ્રેનડેડ જાહેર કર્યા હતા. તેમના પિતા મનોજકુમાર રાજભરે સંમતિ આપતા વહેલી સવારે બ્રેનડેડ સ્વ.પ્રિતેશની બે કિડની, લિવર તથા આંતરડાનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. આમ, સુરત સિવિલથી બીજીવાર આંતરડાનું દાન થયું હતું.

6 મહિનામાં 24 વ્યક્તિના અંગદાન
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા છ મહિના દરમિયાન 24 વ્યકિતઓના અંગદાન થયા છે. જેમાં પ્રથમ વખત સુરત ખાતેથી હ્રદયનું પ્રેરણારૂપ દાન થતા માનવતાનું આદર્શ ઉદાહરણ સ્થાપિત થયું છે. અત્યારસુધીમાં કુલ 68 અંગનું દાન કરાયું છે, જેમાં 19 લીવર, 42 કિડની, 3 હાથ, 1 સ્વાદુપિંડ, બે આંતરડા તથા એક હૃદયના દાન થકી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યા છે.