ભરૂચ27 મિનિટ પહેલા
- કૉપી લિંક
- અત્યાર સુધી અન્ય રાજયો કે જિલ્લાના કારીગરોની વસ્તુઓ જોવા મળતી હતી
ભરૂચ શહેરની આગવી ઓળખ ગણાતી પણ લુપ્ત થઇ રહેલી સુજનીને પ્રથમ વખત હસ્તકલાના હાટમાં સ્થાન મળ્યું છે. અત્યાર સુધી અન્ય રાજયો અને જિલ્લાના કલાકારોના હાથે બનાવાયેલી વસ્તુઓ મળતી હોય છે પણ હવે તેમાં તમને ભરૂચની સુજની પણ જોવા મળશે.
ઈ.સ.1815માં ભરૂચના એક મુસ્લિમને સજાના ભાગરુપે આંદામાન જેલમાં જવુ પડયું હતું અને ત્યાંના કેદી પાસેથી તેમણે સુજનીની કળા શીખી હતી. જેલમાંથી પરત ફર્યા બાદ તેમણે લોકોને આ કળા વિશે માહિતી આપી હતી. દેશ-વિદેશમાં ભરુચની સુજનીની રજાઈ ખૂબ મોટા પ્રમાણમાં માંગ હોવાથી એકસાથેે 100 હાથશાળ (લૂમ્સ) ચાલતી હતી. સુજની આર્ટની સિંગલ રજાઈ બનાવવા માટે ત્રણ દિવસનો સમય લાગે છે. તેની સામે તેઓને મહેનતાણું મળતું નથી જેને લઈને આ કળાને કોઈ હાથમાં લેવા જ તૈયાર નથી.
ભરૂચની આ લુપ્ત થતી કળાને જીવંત રાખવા માટે રોશની પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે જેમાં આ કળા શીખવા માટે યુવા વર્ગ આગળ આવે તેવા પ્રયાસો થઇ રહયાં છે તેમજ જૂના કારીગરોએ તૈયાર કરેલી સુજનીના વેચાણ માટેની તકો ઉભી કરવામાં આવી રહી છે. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રાજ્યભરના વિવિધ કારીગરોદ્વારા જાતે જ બનાવેલી વસ્તુઓનું વેચાણ કરવામાં માટે 62 હસ્તકલાના કુલ 80 જેટલા સ્ટોલ ફાળવવામાં આવેલા છે. આ હાટમાં ભરૂચ જિલ્લાની સુજનીને પણ વેચાણ માટે રાખવામાં આવશે. પ્રથમ વખત સુજની દુકાનોમાંથી નીકળીને વેચાણ માટે હાથ સુધી પહોંચી છે.