સુરેન્દ્રનગર17 મિનિટ પહેલા
- કૉપી લિંક
પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામે અગાઉ ફળીયામાં પાણી ઢોળવા બાબતે થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખીને ઝીંઝુવાડાના ચાર શખ્સોનો યુવાન પર તલવાર અને લોખંડના પાઇપ અને છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં તલવારનો ઘા વાગતા યુવાનનું માથું જ ફાટી જતા હાલ વિરમગામ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર લઇ રહ્યો છે. આ બનાવ અંગે ઝીંઝુવાડાના ચાર શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાવાતા પોલીસે ચારેય આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામે યોગેન્દ્રસિંહ બિપીનસિંહ ઝાલા અને જયદેવસિંહ તલુભા સોલંકી આજુબાજુમાં રહેતા હોઇ બંને પરિવારો વચ્ચે થોડા સમય અગાઉ ફળીયામાં પાણી ઢોળવા બાબતે બોલાચાલી થઇ હતી. જે અંગેના ઝઘડાનું મનદુ:ખ રાખી જયદેવસિંહ તલુભા સોલંકી ઝીંઝુવાડા બસસ્ટેન્ડ પર અલ્પેશસિંહ પ્રતાપસિંહની દુકાને બેઠા હતા. ત્યારે ઝીંઝુવાડાના યોગરાજસિંહ ઉર્ફે યોગેન્દ્રસિંહ બીપીનસિંહ ઝાલા અને રાજેન્દ્રસિંહ બીપીનસિંહ ઝાલાએ જયદેવસિંહ તલુભા સોલંકીને બંને બાજુએથી પકડી રાખીને યુવરાજસિંહ બીપીનસિંહ ઝાલાએ લોખંડના પાઇપ વડે એમના જમણા ખભા ઉપર માર માર્યો હતો.
જ્યારે બીપીનસિંહ શીવુભા ઝાલાએ એમના માથા પર જાનથી મારી નાંખવાના ઇરાદે તલવારનો માથામાં જોરદાર ઘા ઝીંકી દઇ માથામાં ફેક્ચર અને હેમરેજ કરી ગાળો આપી હતી. જ્યારે યોગરાજસિંહ ઉર્ફે યોગેન્દ્રસિંહ બીપીનસિંહ ઝાલા છરી કાઢી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બાદમાં જયદેવસિંહ તલુભા સોલંકીને ગંભીર હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે ઝીંઝુવાડા હોસ્પિટલે લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે વિરમગામ શિવ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં યુવાનનું માથું જ ફાટી જતા હાલ વિરમગામ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર લઇ રહ્યો છે. આ બનાવ અંગે જયદેવસિંહ તલુભા સોલંકીએ ઝીંઝુવાડાના ચારેય શખ્સો વિરુદ્ધ ઝીંઝુવાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ ઝીંઝુવાડા પોલીસ મથકના પીએસઆઇ એન.એલ.સાંખટ ચલાવી રહ્યાં છે.