અમદાવાદ6 કલાક પહેલા
- કૉપી લિંક
અમદાવાદના હાટકેશ્વર બ્રિજનું નબળી ગુણવત્તાનું બાંધકામ કરી મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે છેતરપિંડી કરવા બદલ ખોખરા પોલીસ સ્ટેશનમાં બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર કંપની અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના સંચાલકો અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ એજન્સી એસજીએસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સંચાલકો સામે ગુનો નોંધાયો છે. આજે ખોખરા પોલીસ અને ગાંધીનગર એફએસએલની ટીમ દ્વારા હાટકેશ્વર બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એફએસએલના અધિકારીઓ અને પોલીસે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને સાથે રાખી અને સમગ્ર બ્રિજનું ઉપર અને નીચે બંને જગ્યાએ નિરીક્ષણ કરી પંચનામું કર્યું હતું.
હાલમાં બ્રિજની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું
ખોખરા પોલીસ સ્ટેશનના પી.આઈએ વાય પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ગાંધીનગર એફએસએલના ટીમની સાથે રહી અને હાટકેશ્વર બ્રિજનું પંચનામું કર્યું હતું. હાલમાં બ્રિજની જે યથા સ્થિતિ છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પ્રિન્સિપલ કોર્પોરેશનના અધિકારીઓની સાથે મળી અને બ્રિજમાં કેટલા પિલર, કેટલા સ્પાનમાં ગાબડા પડ્યા હતા વગેરે અંગેની માહિતી મેળવવામાં આવી હતી. સમગ્ર બ્રિજની માહિતી મેળવી અને આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સાથે મળી અને સેમ્પલ લેવાની પ્રક્રિયા થાય તો કેવી રીતે કરવી તે વગેરે અંગેની ચર્ચા કરવામાં આવશે.
સેમ્પલો લઈ લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખોખરા પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટર કંપની અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ એજન્સીના સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ આજે ખોખરા પોલીસ, AMC અને એફએસએલની ટીમ દ્વારા હાટકેશ્વર બ્રિજની લગભગ ચાર કલાક જેટલું બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને પણ સાથે રાખી અને એફએસએલની ટીમના અધિકારીઓ દ્વારા સમગ્ર બ્રિજ મામલે માહિતી મેળવવામાં આવી હતી. બ્રિજ પર અત્યાર સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા સેમ્પલો લઈને લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. કેટલી કામગીરી કરી, કયા કયા ગાબડા પડ્યા હતા તે વગેરે અંગેની વિસ્તૃત રીતે જાણકારી એફએસએલના અધિકારીઓએ મેળવી હતી.