ડીસા11 કલાક પહેલા
- કૉપી લિંક
બનાસકાંઠામાં ડીસા ખાતે ખાતે આજે ઠાકોર સમાજના સાતમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાર ધારાસભ્યોની હાજરીમાં 45 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા. તેમજ આગેવાનોએ સમાજમાં પાયારૂપ બદલાવ લાવવા પર ભાર મુક્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે નવયુગલોને સલાહ આપી હતી કે જ્યાં સુધી આર્થિક રીતે પગભર ન બનો ત્યાં સુધી તમારા ઘરે પારણું ન બંધાવુ જોઇએ.
ડીસા ખાતે ઠાકોર સમાજ દ્વારા સાતમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
શૈક્ષણિક સંકુલ બનાવવા પર ભાર મુક્યો
આ પ્રસંગે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, 45 નવ યુગલોને સુખી લગ્નજીવનની શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે આવનારા સમયમાં સમાજ ઓછા ખર્ચે ધાર્મિક અને સામાજીક પ્રસંગો કરે. બિનજરુરી વસ્તુઓની ખરીદી ન કરે. સમગ્ર બનાસકાંઠામાં મોટા ભાગના તાલુકાઓમાં દિકરા અને દીકરીઓને ભણવા માટે શૈક્ષણિક સંકુલ બનાવ્યા છે. માત્ર ડીસામાં આવું સંકુલ બનાવવાનું બાકી છે. આગામી સમયમાં ડીસાનો ઠાકોર સમાજ એક શૈક્ષણિક સંસ્થા ઉભી કરે તે અંગે આગેવાનોને વિનંતી કરી છે. લગ્નમાં ડીજે, રોકડમાં ઓઢામણા ઓછા કરવા સહિતના સામાજીક સુધારા લાવવા સમાજને અપીલ કરી છે.
ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે નવદંપતીને આર્શીવાદ આપ્યાં
ત્યાં સુધી પારણું ન બંધાય
ગેનીબેને વધુમાં કહ્યું કે, 45 નવ યુગલ કે જેમણે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એ તમામ નવદંપતી એમનું સુખી લગ્ન જીવન રહે. જ્યાં સુધી આ દંપતીઓ આર્થિક રીત સધ્ધર ન થાય, ધંધા રોજગાર ન મેળવે ત્યાં સુધી પારણું ન બંધાય અને માતા-પિતાની સેવા કરે. તેમજ શપથ લે કે આ નવદંપતી કોઇપણ પ્રકારનું વ્યસન નહીં કરે. અત્રે ઉલ્લેખનીય છે કે ગેબીબેન ઠાકોર તેમના નિવેદનોને કારણે અવારનવાર ચર્ચામાં રહ્યા છે.
ગેનીબેન ઠાકોરે નવયુગલોને સલાહ આપી કે જ્યાં સુધી પગભર ના બનો ત્યાં સુધી પારણુું ન બાંધજો
ધારાસભ્યો અને ઠાકોર સમાજના આગેવાનો હાજર રહ્યાં
ડીસા માર્કેટ યાર્ડ ખાતે આજે ઠાકોર સમાજના સાતમાં સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. જેમાં 45 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ પ્રસંગે ભાજપના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય કેશાજી ચૌહાણ, કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય અમરતજી ઠાકોર, ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત ઠાકોર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વર-વધૂને આશીર્વાદ આપ્યા હતા. ઉપસ્થિત આગેવાનો અને નેતાઓએ વ્યસન મુક્ત સમાજ બનાવવા પણ અપીલ કરી હતી. સાથે જ શૈક્ષણિક ભવનો સહિત શિક્ષિત સમાજ બનાવવા અંગે પણ હાંકલ કરી હતી.
45 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા
લગ્નમાં ડીજે મુદ્દે પણ ગેનીબેન ચર્ચામાં રહ્યાં
તાજેતરમાં જ ભાભરના ઈન્દરવા ગામે એક કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોર હાજર રહ્યા હતા. જ્યા તેઓએ DJ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા આહવાન કર્યુ. તેમણે કહ્યું કે, ડીજે વગર લગ્નના ફેરા ફરવા ના પાડનાર દિકરા-દીકરીઓની જીદ સામે માતા પિતાએ પોતાનાં દિકરા- દીકરીઓ સમજાવવાના પ્રયાસો કરવા પડશે. ડીજેના કારણે લગ્ન પ્રસંગમાં મતભેદ ઊભા થાય છે. સાથે સાથે DJ ના કારણે જીવજંતુને પણ આડ અસરો થાય છે. ડીજે વગર લગ્નના ફેરા ફરવાની ના પાડતી દીકરીઓને ઘરે લાવવાનું શું કામ!
કુંવારી દીકરીઓને મોબાઇલ ન આપશો
આ પહેલા પણ ગેનીબેને કુંવારી દીકરીઓને મોબાઈલ ન આપવા અંગે જણાવ્યુ કે, મોબાઈલ વપરાશના કારણે સમાજમાં મોટી બદીઓ આવી છે. જેથી સમાજ-સુધારણા માટે માતા-પિતાએ તેમની કુંવારી દીકરીઓ પર મોબાઈલ પ્રતિબંધનું પાલનુ કરાવવું જોઈએ.