વડોદરા8 કલાક પહેલા
- કૉપી લિંક
અખાત્રીજથી લગ્નસરાની મોસમ સોળે કળાએ ખલી છે. વડોદરાના સમા-સાવલી રોડ ઉપર આવેલા એક પાર્ટી પ્લોટમાં ચાલી રહેલા લગ્ન પ્રસંગમાં એક યુવતી પહોંચી ગઇ હતી. લગ્ન પ્રસંગોમાં મહેમાનો વચ્ચે પહોંચી ગયેલી યુવતીને લગ્નમાં આવેલા પુરૂષોએ વાળ ખેંચી પાર્ટી પ્લોટની બહાર ખેંચીને લઇ ગયા હતા અને ખુરશી સાથે તેના હાથ દુપટ્ટાથી બાંધી દીધા હતા. પાર્ટી પ્લોટમાં બનેલી આ ઘટનાના વીડિયો સોશ્યિલ મીડિયામાં વાઈરલ થયા છે. યુવતીના વર્તન ઉપરથી માનસિક દિવ્યાંગ હોવાનું લાગી રહ્યું છે.
યુવતી બિલીમોરાની રહીશ
આ બનાવ અંગે સમા પોલીસ મથકના પી.આઇ. એમ.બી. રાઠોડે જણાવ્યું હતું કે, અભયમ ટીમ યુવતીને સોંપી ગઇ હતી. યુવતીનું કાઉન્સીંગ કરતા તે સ્વસ્થ થઇ ગઇ હતી. પોતાનું નામ વર્ષા હોવાનું અને મહાદેવનગર, સોમનાથ ગલી, બિલીમોરાની રહેવાસી હોવાનું જણાવ્યું હતું. વર્ષાએ આપેલા સરનામાના આધારે સ્થાનિક પોલીસની મદદથી તેના પતિનો સંપર્ક કર્યો હતો. અને તેઓને વડોદરા ખાતે બોલાવી તેમની પત્નીને સોંપી હતી.
ત્રણ દિવસ પહેલાં જ ઘરેથી નીકળી ગઈ હતી
વર્ષાના પતિએ પોલીસને જણાવ્યું હતું કે, પત્ની વર્ષા અસ્થિર મગજની છે. ત્રણ દિવસ પહેલાં તે ઘરેથી નીકળી ગઇ હતી. અમે શોધખોળ કરી હતી. પરંતુ, મળી આવી ન હતી. વડોદરા કેવી રીતે આવી ગઇ તેની ખબર નથી. મારે આ અંગે કોઇ કાર્યવાહી કરવી નથી. દરમિયાન પતિ-પત્ની વર્ષાને લઇ બિલીમોરા જવા રવાના થઇ ગયા હતા.
ચર્ચાસ્પદ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ હતો
વડોદરાના સમા-સાવલી રોડ ઉપર આવેલા ચર્ચાસ્પદ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ હતો. આ લગ્ન પ્રસંગમાં એક યુવતી આવી પહોંચી હતી. આ યુવતી ઉપર લગ્ન પ્રસંગમાં આવેલા પુરૂષોને શંકા જતાં તેને બહાર જવા માટે જણાવ્યું હતું. પરંતુ, યુવતી બહાર ન જતાં તેના વાળ પકડી પાર્ટી પ્લોટની બહાર લઇ આવ્યા હતા. અને તેના ખુરશી સાથે ઓઢણીથી હાથ બાંધી દીધા હતા.
યુવતી અપશબ્દો બોલતી હતી
એક તરફ પાર્ટી પ્લોટમાં લોકો લગ્ન પ્રસંગ માણી રહ્યા હતા. તો બીજી તરફ ખુરશી સાથે બાંધી દેવામાં આવી રહેલી યુવતીનો આનંદ લઇ રહ્યા હતા. અને તેનો વીડિયો ઉતારી રહ્યા હતા. સોશ્યલ મિડીયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોતા યુવતી માનસિક દિવ્યાંગ જણાય છે. આ યુવતી ખુરશીમાં બેઠા-બેઠા અપશબ્દો પણ બોલતી હતી અને ગીતો પણ ગાતી હતી. ટોળે વળેલા લોકોએ તેનું નામ પૂછતા તે ગીતો ગાવા લાગતી હતી અને અપશબ્દો બોલતી હતી.
મહિલાઓને મહિલાની દયા આવી
ખુરશી સાથે બાંધેલી યુવતીનો લગ્નમાં આવેલા લોકો તેમજ પાર્ટી પ્લોટની આસપાસમાં રહેતા લોકો યુવતીની ધમાલ જોઇ આનંદ લૂંટી રહ્યા હતા અને તેનો વીડિયો વાઈરલ કરી રહ્યા હતા. યુવતીની હાલત જોઇ લગ્ન પ્રસંગમાં આવેલી કેટલીક મહિલાઓને દયા આવતા તેઓએ અભયમને જાણ કરવા જણાવ્યું હતું.
આ યુવતી ખરેખર માનસિક વિકલાંગ હતી?
ઉલ્લેખનીય બાબત એ છે કે, દેશમાં સ્ત્રી સશક્તિકરણની વાતો કરવામાં આવે છે. બીજી બાજુ યુવતીના વાળ ખેંચીને તેનું અપમાન કરવામાં આવી રહ્યું છે. ખરેખર આ યુવતી ચોરીના ઇરાદે લગ્ન પ્રસંગમાં આવી પહોંચી હતી? આ યુવતી પકડાઇ જતા તેને પાગલનું નાટક કર્યું હતું? કે ખરેખર આ યુવતી માનસિક દિવ્યાંગ હતી. તે અંગે અભયમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.