પાટણ18 મિનિટ પહેલાલેખક: મનોજ કે. કારીઆ/ કમલ પરમાર
- કૉપી લિંક
દેશમાં ‘માતૃશ્રાદ્ધ’ તર્પણનું એક જ મુખ્ય ધાર્મિક સ્થળ પાટણ જિલ્લાનું સિદ્ધપુર છે. જ્યાં ભારતભરનાં લોકો માતૃશ્રદ્ધા માટે આવે છે આને માતૃગયા તરીકે ઓળખાય છે. આ શહેર હાલ એક અન્ય કારણસર ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સિદ્ધપુર શહેરમાં રહેતી એક યુવતીનું અમદાવાદના લોકેશ સાથે લગ્ન નક્કી થયા હતા અને 12મેના રોજ લગ્નગ્રંથિથી જોડાવાના હતા. પરંતું દાંપત્ય જીવન શરૂ કરવાના કોડ લઈને લગ્નની તૈયારીઓ કરી રહેલી આ કન્યા અચાનક જ લગ્નના પાંચ દિવસ પહેલા જ ગુમ થઈ જાય છે. આ યુવતી 7 મેના રોજ સાંજના 7:30 વાગ્યે વાદળી ટોપ ,સફેદ પાયજામાં તથા દુપટ્ટામાં ગુરુદ્વારામાં દર્શન કરવાનું કહીને ઘરેથી નીકળે છે અને પછી તે પરત ફરતી નથી. આ યુવતી ગુમ થયાને 15 દિવસ જેટલો સમય થઈ ગયો છે પણ યુવતી સાથે એવું તે શું બન્યું તેનું રહસ્ય હજુ પણ અકબંધ છે.
આ ગુમ થયેલી યુવતી અને સિદ્ધપુરમાં પાણીની પાઇપલાઇનમાંથી મળેલા માનવ અંગે શું સંબંધ છે? આ માનવ અંગો આ યુવતીના છે કે અન્ય યુવતીના? એટલી ઉંચી ટાંકીમાં કોઈ વ્યક્તિ કેવી રીતે પહોંચી? અને પહોંચી તો ટુકડા કેવી રીતે થયા? આ પ્રકારના અનેક સવાલો આખા કેસને વધુને વધુ રહસ્યમય બનાવી રહ્યા છે. તેમાં પણ 6 દિવસમાં એક બાદ એક આ કેસમાં આવેલા ટ્વિસ્ટ કોઈ સસ્પેન્સ ફિલ્મને ટક્કર મારે એવા છે.
સિદ્ધપુરમાં પાણીની પાઇપલાઇનમાંથી મળેલા માનવ અંગો અને તેની આસપાસ રચાયેલા રહસ્ય અંગે જાણવા દિવ્ય ભાસ્કરની ટીમ સિદ્ધપુર પહોંચી હતી. જ્યાં ગુમ યુવતીના માસીના દીકરા જીતુ મિરચંદાની, સિદ્ધપુર નગર પાલિકાના ચીફ ઓફિસર સંજય પટેલ તેમજ પાટણ જિલ્લા એસ.પી. વિશાષા ડભરાલ, ટાંકી પાસે રહેતા મયુર શુક્લ, સિદ્ધપુરના રહીશ એવા દેવેન્દ્ર આચાર્ય અને એડવોકેટ નરેન્દ્રકુમાર આર.દવે સાથે વાતચીત કરી હતી.
એ જગ્યાએ રાત્રે કોઈ છોકરી કઈ રીતે એકલી જઈ શકે?
દિવ્ય ભાસ્કરની ટીમ સિદ્ધપુરની એ ટાંકી પાસે પહોંચી હતી, જેના થકી સિદ્ધપુરની બે જગ્યાએથી માનવ અવશેષો મળી આવ્યાં હતા. બપોરના લગભગ 1 વાગ્યાનો સમય હતો. અમે જ્યારે આ ટાંકી પાસે પહોંચ્યાં ત્યારે ત્યાં ચકલુંય ફરકતું જોવા નહોતું મળ્યું, અહીં એક તરફ ગંદકીના થર જામેલા હતા તો બીજી તરફ ટાંકી સુધી પહોંચવા માટેના રસ્તાના પણ ઠેકાણા નહોતા. જેમ તેમ કરીને અમે આ ટાંકી પાસે પહોંચ્યાં ત્યાં ટાંકીના દરવાજા પર તાળું મારેલું જોવા મળ્યું. દિવસે પણ જે જગ્યાએ જવામાં તકલીફ પડી હતી એ જગ્યાએ રાત્રે કોઈ છોકરી કઈ રીતે એકલી જઈ શકે? અને ઉપર જઈને આવું કૃત્ય કરી શકે આ વિશે કંઈ સમજાતું નહોતું.
‘અમારી નજર ટાંકીથી 100 ફૂટ દૂર આવેલા એક ઘર પર ગઈ’
અમારી નજર ટાંકીથી લગભગ 100 ફૂટ દૂર આવેલા એક ઘર પર ગઈ. જ્યાં એકભાઈ પોતાની ગેલેરીમાં ઉભા ઉભા અમને જોઈ રહ્યાં હતા એટલે અમે તેમને ઈશારો કરીને તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો. એ પછી અમારી મુલાકાત તેમની સાથે થઈ જેમાં તેમણે પોતાની ઓળખ મયુર શુક્લ તરીકે આપી. આ દરમિયાન અમે ટાંકીને લઈને મયુર શુક્લને કેટલાક પ્રશ્નો પૂછ્યાં જે અંગે તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, હું વર્ષોથી અહીં મારા પરિવાર સાથે રહું છું, મારા ઘરના પછવાડા પાસે અવાવરું જગ્યામાં આ પાણીની ટાંકી બનાવી. આ બનાવ બન્યો એ પહેલાં ક્યારેય પણ આ ટાંકીનો દરવાજો નહોતો જોયો કે ન તો આ દરવાજા ઉપર લટકાવેલું એ તાળું. આ બનાવ પછી પહેલીવાર અહીં દરવાજો જોયો અને એ દરવાજા ઉપર લાગેલું તાળું જોયું. આ જગ્યા જાણે અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગયો હોય એમ તેઓ અહીં આવીને બેસતા અને ન કરવાની પ્રવૃત્તિઓ કરતા હતા. આ અંગે ચીફ ઓફિસરને ઘણીવાર મૌખિક અને લેખિત રજૂઆતો પણ કરી છતાં આજદીન સુઘી તેનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી જેનું પરિણામ આજે લોકો ભોગવી રહ્યાં છે.
સિદ્ધપુરમાં આવેલી આ પાણીની ટાંકીમાંથી આવતા પાણીમાં માનવ અવશેષો મળ્યા છે( ટાંકી પાસે રહેતા મયુર શુક્લ)
‘દીકરીએ આત્મહત્યા નથી કરી પણ કોઈ વ્યક્તિનો હાથ હોય શકે’
માનવ અંગો મળ્યા પછી ગામમાં એવી ચર્ચા હતી કે આ આત્મહત્યા નહીં પણ હત્યા જ કરાઈ હોવાનું લાગી રહ્યું છે ત્યારે આ અંગે મયુર શુક્લને પૂછતા તેમણે જણાવ્યું કે, આ ટાંકીમાં ઉપર પહોંચવા માટે સાવ નાના પગથિયાં છે અને કોઈ હિંમતવાન વ્યક્તિ પણ એકવાર ઉપર ચઢવાનું વિચારે તો પણ તે ન ચઢી શકે તો આ દીકરી કેવી રીતે એકલી ત્યાં પહોંચી ગઈ એ જ ખબર નથી પડતી. પરંતુ અમને તો એવું લાગે છે કે આ દીકરીએ આત્મહત્યા નથી કરી પણ આની પાછળ કોઈક વ્યક્તિનો હાથ હોય એમ લાગે છે. જે રીતે તેના અવશેષો અલગ અલગ જગ્યાએથી મળ્યાં છે એ પરથી એમ જ લાગે છે કે તેના ટુકડા કરીને તેને મારી નાખવામાં આવી છે. આ ઘટના બન્યાં પછી અમે માંગ કરીએ છીએ કે અહીં પોલીસ પોઈન્ટ બનાવવામાં આવે અથવા તો કોઈ પહેરેદારને દેખરેખ કરવા માટે મૂકવામાં આવે જેથી બીજીવાર આવી ઘટના ન બને.
‘મારી પત્ની પાણી ભરી રહી હતી એટલામાં તેણે જોરથી બૂમ પાડી’
સિદ્ધપુરના નિશાચક્ર વિસ્તારમાં 4 વર્ષથી રહેતાં દેવેન્દ્ર આચાર્યએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, 14મી મેનો એ દિવસ હતો ને સમય હતો સવારના 7 વાગ્યાની દરરોજની ટેવ પ્રમાણે મારા હાથમાં પેપર હતું અને હું સમાચાર વાંચી રહ્યો હતો. મારી પત્ની પાણી ભરી રહી હતી એટલામાં તેણે જોરથી બૂમ પાડી એટલે હું તો ચોંકી ગયો કે સવાર સવારમાં કેમ આમ બૂમો પાડે છે એટલે હું તેની પાસે ગયોને તેણે કહ્યું કે પાણી તો જુઓ કેવું ગંદુ આવી રહ્યું છે અને પાણીમાંથી તો કેટલી ખરાબ વાસ આવી રહી છે, મેં પણ જોયું અને તેની વાત સાથે સહમત થયો. મેં એન્જિનિયર વિનુભાઈ પટણીને કોલ કરી આ વિશે જાણકારી આપી તો તેમણે અમને કહ્યું કે અરે…એ તો ગટરનું પાણી મિક્સ થઈ ગયું હશે એટલે અમે માની લીધું પણ એ પછીના બે દિવસ તો સાવ ખરાબ પાણી આવવા લાગ્યું એટલે અમે ફરી રજૂઆત કરી કે પાણી આવું કેમ આવી રહ્યું છે? ત્યારે પણ આ જ જવાબ મળ્યો અને એવું કહ્યું કે હાલ તમે આ પાણીનો પીવામાં ઉપયોગ ન કરતાં બહારથી પાણી મંગાવી લેજો એટલે અમે બહારથી પાણી મંગાવવાનું શરૂ કર્યું. બે દિવસ પછી અમને જાણ થઈ કે ઉપલી શેરીમાં કરવામાં આવેલા ખોદકામ દરમિયાન માનવ અવશેષો બહાર આવ્યાં છે. તો એના પછી બીજી જગ્યાએથી પણ માનવ શરીરનો એક પગ નીકળ્યો.
‘તો સવારે તો અમારા બધાનું નારાયણ…નારાયણ…જ થઈ જાય ને’
દેવેન્દ્ર આચાર્યએ વધુમાં જણાવ્યું કે, હવે અમારું તો બસ એટલું જ કહેવું છે કે હવે અમારા ત્યાં આવી ઘટના ન બને એ માટે નગરપાલિકા પગલાં લે, બીજી વાત કે નગરપાલિકામાં જે ભાજપ-કોંગ્રેસ વચ્ચે રાજકારણ રમાઈ રહ્યું છે તેને આ ઘટનામાં વચ્ચે ન લાવી યોગ્ય કામગીરી કરવામાં આવે. હાલમાં એવી પણ વાત સામે આવી રહી છે કે દીકરીએ આપઘાત કર્યો છે. પરંતુ માની લો કે આપઘાત કર્યો હોય તો પણ એ દીકરી ત્યાં સુધી પહોંચી કઈ રીતે? ત્યાં તાળું કેમ નહોતું મરાતું? કેમ કોઈ દેખરેખ નહોતી થતી? તેના અવશેષો પાણીની લાઈનમાંથી નીકળે છે ત્યાં સુધી નગરપાલિકાએ શું ઘ્યાન રાખ્યું? ચાલો આજે તો આ બનાવ બન્યો પણ રાત્રે કોઈપણ વ્યક્તિ ટાંકી ઉપર ચડી તેમાં કંઈ પણ વસ્તુ નાંખી દેશે તો સવારે તો અમારા બધાનું નારાયણ…નારાયણ…નારાયણ જ થઈ જાય ને.
દેવેન્દ્ર આચાર્ય અને અને ગંદુ પાણી આવવાની સૌથી પહેલા ફરિયાદ કરનારા તેમના પત્ની રેખાબહેન.
‘પાણી ચીકણું આવતું હતું અને મને ઉલ્ટી જેવું થતું હતું’
દેવેન્દ્ર આચાર્યના પત્ની અને ગંદુ પાણી આવવાની સૌથી પહેલી ફરિયાદ કરનારા રેખાબેને જણાવ્યું હતું કે, 14મી તારીખે સવારે 7-10 વાગ્યે ઘરે ખરાબ પાણી આવ્યું અને પાણી ચીકણું આવતું હતું. મને ઉલ્ટી જેવું થતું હતું એટલે અમે એન્જિનિયર પટ્ટણીભાઇને ફોન કર્યો કે પાણી ખરાબ આવે છે. તો તેમણે કહ્યું હતું કે, ટાંકીમાં કાંઇ પડ્યું નથી પણ ગટરો ઉભરાવાના કારણે આવું પાણી આવે છે. અત્યારે પાણી છોડવામાં આવ્યું છે પણ હજુ અમારે ત્યાં પાણી આવતું નથી. પાણી ચોખ્ખું આવે અને આવો બનાવ ફરીવાર બને નહીં અને દર વર્ષે ટાંકી સાફ કરવામાં આવે તેવી જ અમારી માંગણી છે. આવો બનાવ બન્યો તે ખરાબ બાબત છે. ફરીવાર આવો કોઇ જ બનાવ ન બને તે તંત્રએ જોવું જોઇએ.
‘ટાંકી પાસેથી દુપટ્ટો-કડું મળ્યા એના પરથી લાગે છે એ અમારી બહેનના જ છે’
ત્યાર બાદ દિવ્ય ભાસ્કરની ટીમ ગુમ યુવતી લવિના હરવાણીના ઘરે પહોંચી હતી. લવિનાના ઘરની મુલાકાત દરમિયાન તેના માસીના દીકરા જીતુ મિરચંદાનીએ દિવ્ય ભાસ્કને જણાવ્યું કે, સાત મેના દિવસે સાંજે 7:30એ મારી બહેન ગુરુદ્વારામાં દર્શન કરવાનું કહીને ઘરેથી નીકળી હતી એ પછી તે પરત ફરી નહોતી. જેના કારણે અમે આસપાસમાં તેની શોધખોળ કરી તેમ છતાં તે ન મળી. અમે પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ કરી એ પછી એફઆઈઆર પણ નોંધાવી. પરંતુ ગામની પાણીની પાઈપમાંથી જે અંગો મળી રહ્યાં છે તો એ અવશેષો ત્યાં સુધી પહોંચ્યાં જ કઈ રીતે? આ અંગો મારી બહેનના જ છે કે કેમ એ માનવું કે ન માનવું એની ખબર નથી પડતી. પરંતુ હવે FSLનો રિપોર્ટ આવે એ પછી જ સાચી ખબર પડશે. આ તપાસ દરમિયાન ટાંકી પાસે જે દુપટ્ટો અને કડું મળ્યું એના પરથી એવું લાગે છે કે હા એ અમારી બહેનનું જ છે. તો બીજી તરફ પોલીસે પણ જે સીસીટીવી બતાવ્યાં હતા એમાં એ જઈ રહી છે એટલું જ બતાવ્યું પણ એની આગળ કોણ જઈ રહ્યું છે તેની પાછળ કોણ જઈ રહ્યું છે એ અંગેની કોઈ જ વિગતો આપી નથી. પોલીસ એમની રીતે તપાસ કરી રહી છે પણ અમારું એટલું માનવું છે કે અમને ન્યાય મળવો જોઈએ.
રડી રહેલા ગુમ યુવતી લવિનાના માતા તથા તેના માસીનો દીકરો જીતુ મિરચંદાની.
‘બહેન અને મારા જીજાજીને કહીને ગુરુદ્વારા જવા નીકળી’
જીતુ મિરચંદાનીએ વધુમાં જણાવ્યું કે, સાહેબ મારી બહેનના 12 તારીખે તો લગ્ન થવાના હતા. આ લગ્નથી એ પણ ખૂબ જ ખુશ હતી. એણે એની પસંદની જ બધી વસ્તુઓ ખરીદી તો એણે પ્રિ-વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યું હતું. એટલે બીજી કોઈ બાબત હોય એવું પણ અમને નથી લાગતું. ઈવન જ્યારે ગુરુદ્વારા જવાનું કહીને નીકળી ત્યારે તેના પિતા ઘરે નહોતા પણ તેમની બહેન હતી તો તેની બહેનને પણ કહીને ગઈ હતી અને મારા જીજાજીને પણ ફોન કરીને ગઈ હતી. બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે તેણે આપઘાત કર્યો છે તો હું આ વાત સાથે જરા પણ સહમત નથી કારણ કે એ એવું કરે એવી છોકરી જ નહોતી. અમારા ઘરની બહેનો અને દીકરીઓમાં એટલું તો છે જ કે કંઈ પણ હોય તો એ મોઢા ઉપર કહી દે, પણ આવું પગલું ન ભરે એટલે આ હત્યા નહીં પણ આત્મહત્યા જ લાગે છે આ વાત પોલીસે તપાસ કરીને જ બહાર લાવવી પડશે.
અંગો કેમ અલગ અલગ જગ્યાએથી નીકળી રહ્યાં છે?
જીતુ મિરચંદાનીએ વધુમાં ઉમેર્યું કે, અમને લાગતું જ નથી કે પાણીના ફોર્સના કારણે શરીરના અંગો અલગ અલગ પાઈપમાંથી નિકળે, જો પાણીની લાઈન એક જ હોય તો અને તે એક જ જગ્યાએથી જતું હોય તો અંગો કેમ અલગ અલગ જગ્યાએથી નીકળી રહ્યાં છે? એટલે અમારું એવું જ માનવું છે કે આ હત્યા જ કરાઈ છે. એટલે જે કોઈપણ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું હોય તેને સજા થવી જ જોઈએ કારણ કે આજે તેણે આ દીકરી સાથે આવું કૃત્ય કર્યું હશે પણ શું ખબર કે આવું બીજા જોડે નહીં કરે.
‘કાલે ઉઠીને સાઇનાઇડ પણ નાંખી શકે તે વાત ખરી?’
સિધ્ધપુરની પથ્થર પોળની નજીક રહેતાં એડવોકેટ નરેન્દ્રકુમાર આર.દવેએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, હાલમાં સિધ્ધપુર ગામમાં જે વિષય ચકચારી બની રહ્યો છે. તે વિશે હું એક ભારતના અને સિધ્ધપુરના નાગરિક તરીકે મારું મંતવ્ય એ રીતે રજૂ કરું છું કે પીવાના પાણીની પાઇપલાઇનમાંથી લાલ ડોશીની પોળના નાકેથી બે દિવસ દરમિયાન બે પગના અવશેષો મળ્યાં છે અને ઉપલી શેરી માતાજીના મંદિર પાસેથી તેનો છાતીનો ભાગ મળી આવ્યો છે. આ સિવાયના શરીરના અંગો હજુ પાણીની પાઇપલાઇનમાં ભરાયેલા છે કે સંપૂર્ણપણે તમામ અવશેષો બહાર નીકળી ગયા છે. તે તપાસનો વિષય છે. કહેવાય છે કે જેના મૃત અવશેષો મળ્યા છે તે લવિનાબેન હરવાણીને જે પેપરમાં અને સોશિયલ મીડિયામાં વિડીયો બતાવવામાં આવે છે કે તે એકલી તે વિસ્તારમાં સાંજે ગઇ હતી. પરંતુ તે સિવાયના પાછળના કોઇપણ પાર્ટના કોઇ વિડીયો બતાવવામાં આવતાં નથી. પાણીની ટાંકી તે નગરપાલિકાની અન્ડરની વાત છે. તો આટલી ઊંચી પાણીની ટાંકીમાં આ અવશેષો કઇ રીતે આવ્યા? કોણે નાંખ્યા ? નગરપાલિકાના જવાબદાર વ્યક્તિઓ તે વખતે શું કરતા હતા? અને આ પાણીની ટાંકીમાં કોઇપણ માણસ ગમે ત્યારે પ્રવેશ કરીને કાલે ઉઠીને સાઇનાઇડ પણ નાંખી શકે તે વાત ખરી? તો અત્યારે નાંખેલા અવશેષોથી છેલ્લાં સાત દિવસ દરમિયાન આશરે અમારા વિસ્તારના આશરે 4 વોર્ડના થઇને 10થી 12 હજાર વ્યક્તિઓને આ દૂષિત પાણી કે જે અવશેષોના કારણે ઝેરી થયેલું છે તે પીવાનો વારો આવ્યો છે. પરંતુ સત્તાધારી પક્ષના માજી અને હાલના કોઇપણ નેતા આ વિશે આગળ આવીને આ અંગે કોઇપણ પ્રકારની જાહેરાત કરતા નથી.
‘બહેન-દીકરીએ એકલા નીકળવું નહીં, નહીં તો મારી નાંખવામાં આવે’
‘આ પ્રમાણે જો ચાલુ રહે તો ભવિષ્યમાં પણ કોઇપણ માણસ ગમે તેવું ત્યાં સાઇડનાઇડ કે એવું ઝેર નાંખીને લોકોને મારી શકે છે. આ વિષય તપાસનો ગંભીર વિષય છે. આની ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઇએ. બીજી રીતે આ જે બાળકી છે તેના જે અવશેષો મળ્યા છે તેણે આપઘાત કર્યો છે તેવું અખબારમાં એસપીના કહેવાથી લખવામાં આવ્યું હોય તેવી એક પેપરમાં જાહેરાત કરવામાં આવી છે. હજુ સુધી તપાસ પૂર્ણ થયેલ નથી. ત્યારે પેપરવાળાએ કયા આધારે છાપ્યું તે પણ એક તપાસનો વિષય છે. પેપરવાળા જે મેટર સબજયુડીશીયસ મેટર હોય તથા પોલીસમાં તપાસનો વિષય હોય તેને અધુરી વિગતો છાપી શકે ખરા? તો તેમની પાસે ઓથેન્ટિક પ્રૂફ હોવું જરૂરી છે. બીજી વાત તે દીકરી એકલી જતી હતી તેનો વિડીયો મળ્યો તો તેનો અર્થ એવો કે સિધ્ધપુરના કોઇપણ ખૂણામાં કોઇપણ બહેન-દીકરીએ સંધ્યાકાળ પછી એકલા નીકળવું નહીં, નહીંતર તેને આ રીતે મારી નાંખવામાં આવે અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ ગમે તે રીતે ડહોળાઇ જાય. કારણ કાયદો અને વ્યવસ્થા સાચવનારા વ્યક્તિઓ જ એમ કહેતા હોય કે આ વ્યક્તિ એકલી જતી હતી.’
‘આ જ રીતે મારે કહેવું છે આ બીજો નિર્ભયાકાંડ છે’
‘એકલી જતી હતી એટલે શું. કોઇપણ સ્ત્રીને ભારતમાં એકલા જવાનો અધિકાર નથી તેવો પ્રશ્ન કરતાં એડવોકેટ નરેન્દ્રભાઇએ વધુમાં કહ્યું કે, આ જ રીતે મારે કહેવું છે આ બીજો નિર્ભયાકાંડ છે. ગુનેગારોને છાવરવા માટે ટોપથી માંડીને નીચે સુધીના તમામ જવાબદાર અધિકારી, કર્મચારી, રાજકારણી તથા નક્કી કરાયેલી ઓથોરીટી બધા ભેગા મળીને ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહ્યાં છે તેવું એડવોકેટ તરીકે નહીં બલ્કે એક નાગરિક તરીકે મારી એક માંગ છે. ઉચ્ચસ્તરીય, નામદાર હાઇકોર્ટ અથવા તો નામદાર સુપ્રીમ કોર્ટની વીજીલન્સ દ્વારા તપાસ કરાવવાની જરૂર છે. તો જ નિર્ભયાકાંડ અને જધન્ય કૃત્ય કરનારા ગુનેગારો બહાર આવશે અને લોકોને ન્યાય મળશે.’
‘કેરાલા સ્ટોરીનું એક આ ટ્રેલર છે’
એડવોકેટ નરેન્દ્રકુમાર આર.દવેએ વધુમાં કહ્યું કે, હું તો મારા મતે એવું માનું છું કે એકલી છોકરી આટલી ઊંચી ટાંકીની અંદર પોતાના અંગો જાતે કાપીને પીવાના પાણીની પાઇપલાઇનમાં નાંખી શકે ખરી? એ સામાન્ય બુધ્ધિ ધરાવતો માણસ પણ વિચારી શકે તેમ છે. તો શું ઉપર પાણીની ટાંકીની પાઇપલાઇન એવી ખુલ્લી છે કે જેમાં માણસ જાય એટલે સીધો જ કપાઇ જાય, અલગ અલગ ટૂકડા થઇ ને? એની માત્ર તળ ગામના વિસ્તારની પાઇપલાઇનમાં આવીને જ ટૂકડાં અટકે? આ ગામના બીજા મુસ્લિમ વિસ્તાર કે અન્ય પશ્ચિમ તરફના વિસ્તારની કોઇ જગ્યાએ પાઇપલાઇનમાં આ ટૂકડાં નીકળ્યાં નથી એટલે આ જાણીજોઇને કરવામાં આવેલું અધમ કુત્ય છે અને એક વર્ગને ડરાવવા માટેનું આ રાજકીય નેતાઓ અને અધિકારીઓએ સાથે મળીને એક સ્પેસિફિક (ખાસ) કોમ દ્વારા કેરાલા સ્ટોરીનું એક આ ટ્રેલર છે. તે માટે મારું કહેવું છે કે, આની ઉચ્ચસ્તરીય તપાસ જરૂરી છે નહીંતર ભવિષ્યમાં આપણી બહેન-બેટી કોઇપણ એકલી બહાર નહીં નીકળી શકે.
સિદ્ધપુર નગર પાલિકાના ચીફ ઓફિસર સંજય પટેલ અને એડવોકેટ નરેન્દ્રકુમાર આર.દવે.
‘પોલીસવાળા આત્મહત્યામાં ખપાવવાનો પ્રયત્ન કરે છે’
તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, લવિનાબહેનની બહેને એક ટીવીને આપેલાં ઇન્ટરવ્યુનો વિડીયો છે. જે મેં સોશિયલ મીડિયામાં જોયો છે. તેમાં તેનું એવું કહેવું છે કે 7 તારીખે સાંજે 7 વાગ્યે મંદિરે દર્શન કરવા તે નીકળી હતી. તે મળી નહીં એટલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તો પોલીસવાળા વારંવાર તેમને હેરાન કરે છે. પરંતુ તપાસ કરતાં નથી અને ઉપરથી આને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે માટે આ આત્મહત્યા નથી તેવી માંગ તેની બહેનની પણ છે. આથી આ ઉચ્ચસ્તરીય તપાસનો વિષય છે. જેથી કરીને નાણાંકીય કૌંભાડ કરીને આને ભીનું સંકેલવાનો પ્રયત્ન ના થાય તે માટે મારી એક નાગરિક તરીકે વિજિલન્સ તપાસ કરાવવાની માંગ છે. શુક્રવારે સાંજે પાઇપલાઇનમાંથી લાલ ડોશીની પોળ પાસે નીકળેલો પગ તે સોશિયલ મીડિયાના વિડીયોમાં બતાવ્યા મુજબ તે પગને કચરો નાંખવાના ટ્રેક્ટરની અંદર પોલીસ અને જવાબદાર અધિકારીઓની રૂબરૂમાં નાંખવામાં આવ્યો છે. પરંતુ તે પગનું કાયદેસરનું પંચનામું અને સીલબંધ પેક કરી ગુનાના મુદ્દામાલ તરીકે ઉપયોગમાં લેવામાં આવેલ છે કે કેમ તે પણ તપાસનો એક વિષય છે.
’13 મેના રોજ વોર્ડ પાણીનો સપ્લાય અચાનક બંધ થઈ ગયો’
સિદ્ધપુર નગર પાલિકાના ચીફ ઓફિસર સંજય પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, છેલ્લા એક વર્ષથી હું સિદ્ધપુર નગર પાલિકામાં ચીફ ઓફિસર તરીકે કાર્યરત છું. હાલમાં સિદ્ધપુરમા 14 પાણીની ટાંકીઓ દ્વારા અંદાજે 70 હજારની વસ્તીને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. 13 મેના રોજ વોર્ડ નંબર-5માં પાણીનો સપ્લાય અચાનક બંધ થઈ ગયો એટલે અમને સ્થાનિકો દ્વારા પાણી ન આવવાની ફરિયાદ મળી. આ ફરિયાદના આધારે મેં અમારા સ્ટાફને આ ફોલ્ટને જલ્દીમાં જલ્દી સોલ્વ કરવાની સુચના આપી અને સાથે જ લોકો પાણીથી વંચિત ન રહે એ માટે તાત્કાલિક ટેન્કરો મોકલીને તેમને પાણી પહોંચાડવાની વૈકલ્પિક સુવિધા ઉભી કરાવી.
ઘટના બન્યા બાદ ટાંકીમાં જવાના દરવાજે લટકતું તાળું અને ટાંકીમાં ઉતરેલા નગરપાલિકાના કર્મચારીઓ.
‘આ રીતે પાઇપમાંથી બહાર કાઢ્યો માનવદેહનો પગ’
‘ફોલ્ટ શું થયો છે અને કયા કારણોસર પાણી અચાનક બંધ થઈ ગયું એ વિશેની શોધખોળ ચાલતી હતી પણ ફોલ્ટ પકડાતો નહોતો કે કેમ પાણી નહોતું આવી રહ્યું. લગભગ ત્રણ દિવસ બાદ એટલે કે 16 તારીખે ઉપલી શેરી વિસ્તારમાં ફોલ્ટ શોધવાની કામગીરી ચાલતી હતી ને અચાનક તેમાંથી માનવ અવશેષ મળી આવ્યો, એટલે મારા ઉપર કામદારોનો ફોન આવ્યો ને એ સ્થળ ઉપર હું પહોંચ્યો ત્યાં જઈને સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. જે બાદ અન્ય સ્થળો ઉપર પાઈપ લાઈન ચકાસવાની કામગીરી કરવામાં આવી રહી હતી. આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અમદાવાદથી AMCની ટીમને પણ બોલાવવામાં આવી હતી એ ટીમ રોબોટ કેમેરા લઈને અહીં આવી હતી પણ એ કેમેરા મોટા હોવાના કારણે પાઈપમાં જઈ શક્યાં નહીં એટલે એ ટીમ પરત ફરી હતી. એ પછી અમે 19 મેએ સાંજે સાડા છ કલાકે પાણીની ટાંકીમાં કેમિકલ ઉમેર્યું અને એ કેમિકલ વાળા પાણીને ફોર્સથી વાલ્વ ખોલીને વહેવડાવ્યું જે બાદ માત્ર 10 સેકન્ડમાં ડોશીવાળાની પોળ પાસેથી ધારી સફળતા મળી, જેમાં માનવ દેહનો પગ મળી આવ્યો હતો. જેને ફોરેન્સિક માટે મોકલી આપવામાં આવ્યો હતો.’
‘આ ટાંકીમાં કુલ 5 જેટલી લાઈનો છે’
‘આ પાણીની ટાંકી અંદરથી કેવી છે? કેવી રીતે આ ટાંકીમાં પાણી પહોંચે છે? એ પછી આ પાણી નાગરિકો સુધી કઈ રીતે પહોંચે છે? એ સમજવા માટે ચીફ ઓફિસરને પૂછતાં તેમણે જણાવ્યું કે, આ ટાંકીમાં કુલ 5 જેટલી લાઈનો છે. જેમાં 1 વિશાળ સપ્લાય લાઈન હોય છે, 3 લાઈનમાં સબ દ્વારા પાણી ઉપરની તરફ પહોંચાડાય છે જ્યારે બાકીની એક લાઈન છે એને ડ્રેનેજ લાઈન તરીકે એટલે કે જ્યારે સાફ સફાઈ કરવાની હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અમે સામાન્ય રીતે આ ટાંકીઓને વર્ષમાં બે વાર સાફ કરાવતા હોઈએ છીએ.’
ચીફ ઓફિસર સંજય પટેલે વધુમાં જણાવ્યું કે, વોર્ડ નંબર-5 જે ટાંકીમાંથી લોકો સુધી પાણી પહોંચતું હતું એ ટાંકીમાં પીપીએમ નાખ્યું છે. એ પછી તેનું પરિક્ષણ કર્યું અને બે વખત સમગ્ર પાણીને વહેવડાવીને ટાંકીને શુદ્ધ કરાઈ હતી. હજુ પણ પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે એટલે સંપૂર્ણપણે પાણી શુદ્ધ થયાં પછી જ અમે લોકો સુધી પહોંચાડીશું.
પાણીની ટાંકી અને અંદરનું દ્રશ્ય.
‘નગરપાલિકા હવે સિક્યુરીટી મૂકશે’
સિદ્ધપુરમાં કુલ 14 ટાંકી છે એ પૈકીની 13 ટાંકી પર સિક્યુરીટી સ્ટાફ દેખરેખ રાખતો હોય છે. પરંતુ જે ટાંકી પાસે ન તો કોઈ સિક્યુરીટી ગાર્ડ છે કે ન તો દેખરેખ રાખનાર કોઈ વ્યક્તિ. અવાવરું જગ્યા અને ગંદકીના થર વચ્ચે આ ટાંકી આવેલી છે. ત્યારે હવે આ ટાંકીની દેખરેખ માટે શું સુવિધા કરાશે તેવું ચીફ ઓફિસરને પૂછતાં “જાણે ઘોડા છૂટી ગયાં પછી તબેલાને તાળા મારવા” જેવો જ જવાબ આપતાં કહ્યું કે, હવે આ ટાંકીની ફરતે બે સીસીટીવી કેમેરા લગાવીશું જેના થકી તેની દેખરેખ રાખવામાં આવશે.
‘અત્યાર સુધી ગામમાં એક જ વાત હતી કે છોકરી લાપતા થઈ છે’
અવાવરું જગ્યાએ આવેલી ટાંકીથી અડધો કિલોમીટર દૂર અમને બીજી બે ટાંકી દેખાઈ એટલે અમે ત્યાં જઈને જોયું કે ચીફ ઓફિસરે જે કહ્યું એ પ્રમાણે અહીં કોઈ દેખરેખ વાળી વ્યક્તિ છે કે કેમ આ દરમિયાન ત્યાં ઉભેલા નગરપાલિકાના સદસ્ય જનાર્દન શુક્લ સાથે થઈ. આ દરમિયાન ગામમાં બનેલી આ ઘટના વિશે પૂછતાં જનાર્દન શુક્લએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી વોર્ડ નંબર 4નો પ્રતિનિધિ છું. જે લાઈનમાંથી માનવ અંગો મળી આવ્યાં છે એ ટાંકીનું પાણી વોર્ડ નંબર 3,4 અને 5 માં રહેતા લોકોને પહોંચે છે. અત્યાર સુધી ગામમાં એક જ વાત હતી કે છોકરી લાપતા થઈ છે. પરંતુ જ્યારે ઉપલી શેરીમાં પાણીનો પ્રવાહ બંધ થયો એટલે ત્યાં ખોદકામ થયું અને ત્યાંથી માનવ અવશેષો મળી આવ્યાં. એ સમયે મારા વોર્ડ નંબર 4માથી પણ ફરિયાદો આવી કે અહીં પાણી ગંદૂ આવે છે આવું એકાદ દિવસ જ આવ્યું પણ લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ચીફ ઓફિસરને જણ કરીને પાણી બંધ કરાવી ટેન્કર દ્વારા લોકોના ઘર સુધી પાણીને પહોંચાડ્યું છે.
‘ટાંકીમાં છેક ઉપર સુધી ચઢવું હોય તો વિચાર કરવો પડે’
એક તરફ ગામની દીકરી ગાયબ થઈ છે અને બીજી તરફ પાણીની લાઈનમાંથી માનવ અવશેષો મળી આવ્યાં છે આ ઘટનાને કેવી રીતે જુઓ છો એ અંગે પૂછતાં તેમણે કહ્યું કે, આ ટાંકીમાં છેક ઉપર સુધી ચઢવું હોય તો વિચાર કરવો પડે કારણ કે તેની સીડી ખૂબ જ નાની છે અને સફોકેશન થાય એવી જગ્યા છે. આ ઘટનામાં તપાસ કરવી એ તો પોલીસનો વિષય છે એટલે હું કંઈ વધારે બોલી શકું તેમ નથી. હાલ ગામમાં એવું છે કે અમે જવાબદાર હોઈએ કે ન હોઈએ જવાબદારી સમજીને કામગીરી કરી રહ્યાં છીએ. પણ કામ કરવા સિવાય જે લોકો જવાબદાર છે એમનો ગ્રામજનો ટપલીદાવ કરી રહ્યાં છે પણ અમારા વિસ્તારમાં કે ગામના લોકો ડાયરેક અને ઈનડાયરેક્ટ કહે છે કે તમે લોકોએ શું ધ્યાન રાખ્યું તમે શું કર્યું પણ એનો જવાબ તો હવે સમય જ આપશે.
સિદ્ધપુરના રહીશ જનાર્દન શુક્લ અને જગદીપ વ્યાસ.
‘હું નહીં તો તું નહી અને મારી નહીં તો બીજાની નહીં’
સ્થાનિક જગદીપ વ્યાસે દિવ્યભાસ્કરને જણાવ્યું કે, મને સમાચાર મળ્યાં કે પ્રદૂષિત પાણી આવવાના કારણે હવે પાણીની લાઈન ખોદવામાં આવી છે. પરંતુ અમારી મનપામાં 36 ઉમેદવાર ચૂંટાઈ આવ્યાં છે એ પૈકીના માત્ર એક જ ઉમેદવાર ધર્મેશ કોર્પોરેટર ઉર્ફે ટીના ભાઈએ જવાબદારી સ્વીકારી. પોતાના ઘરે પાણી ન આવવાથી તેમણે પાઈપ ખોદાવવાની કામગીરી કરાવડાવીને એમના ઘર પાસે જ અર્ધમૃતદેહ મળી આવ્યો એ પછી ડોશીની પોળ પાસે પગ મળી આવ્યો. આ ઘટના બની એ ખૂબ શરમની વાત છે. આની પાછળ જવાબદાર કોણ એ મારે પૂછવું છે. એ પાણીની ટાંકી પાસે કોઈ પણ સિક્યુરીટી નથી એ ખૂબ જ બેદરકારીની બાબત છે. આ એવી જગ્યા છે જ્યાં કોઈ કૃત્ય થતું હોય તો કંઈ ખબર પણ ન પડે. રહી વાત દીકરીની ત્યાં પહોંચવાની તો દિવસે પણ જે જગ્યાએ જવા માટે બીક લાગતી હોય તો રાત્રે ત્યાં જઈ શકે તેમ નથી એટલે મને તો એવું લાગે છે કે એને કોઈએ ત્યાં બોલાવી છે અને ‘હું નહીં તો તું નહી અને મારી નહીં તો બીજાની નહીં’ એ દ્રશ્ય મને આ કેસમાં દેખાઈ રહ્યું છે.
‘સૌથી મોટો ઇસ્યુ બોડીની ઓળખનો છે’
પાટણના ઇન્ચાર્જ એસ.પી. વિશાષા ડભરાલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 9 તારીખે એક ગુમ અંગેની જાણવાજોગ નોંધવામાં આવી હતી. 16 તારીખે અમને માનવ અવશેષો મળ્યાં હતા. તે અમે ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. સૌથી મોટો ઇસ્યુ બોડીની ઓળખનો છે. તે હજુ ઓળખ થઈ શકી નથી. તેના માટે અમે ડીએનએ સેમ્પલ મોકલ્યાં છે. તેનો રિપોર્ટ આવ્યા પછી અમે આગળ વધી શકીશું. તેના સિવાય પણ અમે તમામ પાસાંઓની તપાસ કરી રહ્યાં છીએ. ગુમ થયેલી વ્યક્તિવાળો એન્ગલ તેમજ માનવ અવશેષ મળ્યાં તેની પણ તપાસ કરીએ છીએ.
પાટણના ઇન્ચાર્જ એસ.પી. વિશાષા ડભરાલ.
‘જે ઇજા છે તે મુત્યુ પછીની ઇજાઓ છે’
આ હત્યા છે કે આત્મહત્યા? તેવા પ્રશ્નના જવાબમાં પાટણના ઇન્ચાર્જ એ.પી વિશાષા ડભરાલે જણાવ્યું હતું કે, અમે હાલમાં આ બાબતે કંઇપણ કન્ફર્મ કહી શકીશું નહીં. પીએમ રિપોર્ટમાં જણાવ્યું છે કે, માનવ અંગો પર કોઇ જાતની ઇજા જણાઈ નથી. માનવ અવશેષો ઉપર મુત્યુ પહેલાંની કોઇ તિક્ષ્ણ હથિયારના ઘા કે શાર્પ કટીંગ કે બોથડ પદાર્થની ઇજા જણાઇ નથી કે મુત્યુ પહેલાં કટકા થયા હોય તેવું પણ જણાયું નથી. જે ઇજા છે તે મુત્યુ પછીની ઇજાઓ છે. પરંતુ તેમાં હું અત્યારે કોઇપણ કન્કલુઝન આપી શકું નહીં.
‘અમને એ ખબર નથી કે બોડી કેવી રીતે અંદર પડી’
પાણીમાં રહેલી બોડી પડી રહેવાના કારણે ફૂલીને પાણીની નીચે જવાના બદલે તરીને ઉપર આવતી હોવાનું નિષ્ણાંતો માની રહ્યાં છે ત્યારે તમે આ બાબતે શું કહેશો તેવા એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, તેમાં સિચ્યુએશન મેટર કરે છે. આ વોટર ટેન્કનો કેસ છે. તેમાં પાણીનું પ્રેશર હશે અને અમને એ ખબર નથી કે બોડી કેવી રીતે અંદર પડી છે. કયા પગલાં લેવામાં આવ્યા હતા. તો કાંઇપણ થયું હોઇ શકે છે. એકવાર બોડી પાઇપલાઇનની અંદર જતી રહે છે. પછી તો એક જ રસ્તો રહે છે. પાણીનું પ્રેશર જ્યાં લઇ જાય ત્યાં જ જશે.
‘ઓવરહેડ ટાંકીમાં ચડવા માટેનો દરવાજો ખુલ્લો હતો’
અલગ અલગ અંગો જતાં રહેવાનું કારણ શું હોઇ શકે તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, પીએમ રિપોર્ટ આવ્યા બાદ અમે પણ ડોક્ટરને પ્રશ્નોત્તરી મોકલી હતી. તેમાં આ કઇ રીતે શક્ય છે તે અંગે પૂછ્યું હતું. પાણીના પ્રેશરના કારણે કંઇપણ થઇ શકે છે. પાઇપના કેટલાં એન્ગલ છે તે જોવા પડે કે ક્યાં બોડી ટકરાઇ હશે?. કેટલું પાણીનું પ્રેશર રહ્યું હશે?, બોડી હાયર સ્ટેજ ડિકમ્પોઝ થઈ ગઈ હતી. તો આ વાત શક્ય છે. તો ઓવરહેડ ટાંકીમાં ચડવા માટેનો દરવાજો ખુલ્લો હતો.
‘બળજબરીથી બ્લડ નીકળ્યું હોય તો ડાઘાં જોવા FSLની ટીમ મોકલી’
ઓવરહેડ ટાંકીની ઉપરના ભાગે ઢાંકણું ખુલ્લું હતું તેવા પ્રશ્નના જવાબમાં તેમના વતી બીજા પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, આ ઢાંકણાવાળી ટાંકી નથી. ત્યારબાદ પાટણના ઇન્ચાર્જ એ.પી વિશાખા ડભરાલે ઉપર ચડીને જવાનો રસ્તો છે. ટાંકી પર કોઇને બળજબરીપૂર્વક લઇ જવામાં આવ્યું હોય તો સીડી પર તેના નિશાન અથવા બળજબરી કરવાના કારણે કોઇ વાળ તૂટ્યાં હોય કે બ્લડ નીકળ્યું હોય તો તેના ડાઘાં જોવા માટે અમે ફોરેન્સિક ટીમને ત્યાં 72 પગથિયાં જોવા પણ મોકલી હતી. પરંતુ ત્યાંથી આવું કશું મળ્યું નથી. ગુમ થયેલી યુવતીના માતા-પિતાનો DNA રિપોર્ટ FSLમાંથી સોમવારે(22 મે, 2023) આવ્યા બાદ આ અંગો કોના છે તે અંગે જાણી શકાશે.
માનવ અવશેષ મળ્યા છે તે વ્યક્તિ લવિના છે કે નહીં?
સોશિયલ મીડિયામાં ફરતાં થયેલા સીસીટીવીમાં યુવતીની પાછળ ફોક્સ પડતું હતું તો તેની પાછળ કોઇ હતું કે નહીં તેવા પ્રશ્નને નકારી કાઢતાં તેમણે કહ્યું કે આવું કાંઇ ન હતું. અમે અમારા કેમેરાથી સીસીટીવી ફૂટેજ જોતાં હતા એટલે કોઇ ફોક્સ નાંખતું ન હતું. યુવતીના લગ્ન થવાના હતા. તેને પ્રિ-વેડીંગ પણ કરાવ્યું હતું તો આ યુવતીના જેની સાથે લગ્ન થવાના હતા તેમની પૂછતાછ કરી છે? તે અંગે તેમણે કહ્યું કે, અમે બધી રીતે તપાસ કરી રહ્યાં છે. અમે જરૂરી તમામ લોકોની પૂછપરછ કરી છે. પરંતુ હજુ ઓળખ તો થવી જોઇએ કે માનવ અવશેષ મળ્યા છે તે વ્યક્તિ લવિના છે કે નહીં.આમ છતાં પણ અમે તે વ્યક્તિને ઓળખતાં દરેક વ્યક્તિની પૂછપરછ કરી છે. અત્યારસુધી કાંઇપણ શંકાસ્પદ મળ્યું નથી.
(ઇનપુટઃ સુનિલ પટેલ, પાટણ)