રાજકોટ6 મિનિટ પહેલા
- કૉપી લિંક
તાજેતરમાં રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને બરખાસ્ત કરવામાં આવી હતી. ત્યારબાદ આજે આ સમિતિનાં કાર્યાલય ખાતે ઓડિટ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવ્યું છે. ઓડિટ વિભાગની ટીમો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં કાર્યાલય ખાતે પહોંચી છે. અને રાજ્યના ઓડિટ વિભાગ દ્વારા અહીં તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ તપાસ બાદ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
જાણવા મળતી વિગત મુજબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતી અંતર્ગત 92 જેટલી શાળાઓ છે. જેમાં ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આજરોજ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીનાં કાર્યાલય ખાતે ગુજરાત સરકારના ઓડિટ વિભાગનાં 15 જેટલા સભ્યોની ટીમો ત્રાટકી હતી. અને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સ્ટેશનરી સહિતની વસ્તુઓ ખરીદવાની ગ્રાન્ટ સહિતના મુદ્દે ઓડિટ વિભાગ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં ભ્રષ્ટાચારને લાગતી કોઈ વિગતો સામે આવે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરાય તેવી શક્યતા છે.
નોંધનીય છે કે, ઓડિટ વિભાગ દ્વારા સમયાંતરે આવી તપાસ કરવામાં આવતી હોય છે. પણ થોડા દિવસો પૂર્વે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામે ભ્રષ્ટાચારનાં આરોપો લાગ્યા હતા. જેને લઈને તાત્કાલિક અસરથી સમિતિનાં તમામ સભ્યોનાં રાજીનામાં લેવામાંયા હતા. અને સમિતિ બરખાસ્ત કરાઈ હતી. ત્યારે ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ શિક્ષણ સમિતિનું વિસર્જન થયા બાદ ઓડિટ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જેને લઈને આ તપાસમાં શુ હકીકત સામે આવે છે તેના ઉપર સૌકોઈની નજર છે. જોકે તપાસ બાદ બરખાસ્ત થયેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં હોદ્દેદારો સામે ક્યારે અને શું પગલાં લેવાશે તે તો આવનારો સમય બતાવશે.