વડોદરા6 કલાક પહેલા
- કૉપી લિંક
વડોદરા જિલ્લાના તાલુકા મથક ડેસર ગામમાં એક મકાનમાં આગ લાગી
વડોદરાના જિલ્લાના તાલુકા મથક ડેસર ગામમાં એક મકાનમાં આગ ફાટી નીકળતા હાહાકાર મચી ગયો હતો. આ બનાવની જાણ મંજુસર ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાઇટરો દોડી ગયા હતા. અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, આગના બનાવને પગલે ગ્રામજનોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.
ફાયર લાશ્કરોએ આગ કાબુમાં લીધી
મળેલી માહિતી પ્રમાણે વડોદરા જિલ્લાના તાલુકા મથક ડેસર ગામના ગરાસીયા ફળિયામાં એક મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફળિયાના લોકોમાં અફરા-તફરા મચી ગઇ હતી. બીજી બાજુ આ બનાવની જાણ મંજુસર જી.આઇ.ડી.સી. ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર ફાઇટરો ગણતરીના કલાકોમાં સ્થળ પર દોડી ગયા હતા. અને આગ વધુ પ્રસરે તે પહેલાં આગ ઉપર પાણી મારો ચલાવી આગને કાબૂમાં લઇ લીધી હતી.
મકાનમાં આગ ફાટી નીકળતા ગામલોકો ઉમટી પડ્યા
ધારાસભ્ય દોડી ગયા
તાલુકા મથક ડેસર ગામના એક મકાનમાં આગ લાગી હોવાની જાણ ધારાસભ્ય કેતન ઇનામદારને થતાં તેઓ ડેસર ગામ દોડી ગયા હતા. અને મકાન માલિક પરિવારને સાંત્વના આપી હતી. આ બનાવને પગલે ગામ લોકોના ટોળેટોળાં એકઠા થઇ ગયા હતા. આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, આગની પ્રચંડ જ્વાળાઓમાં તમામ ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી.
પોલીસે કાર્યવાહી હાથ ધરી
ડેસર ગામમાં એક મકાનમાં લાગેલી આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પરંતુ, શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનું મનાઇ રહ્યું છે. આગના બનાવને પગલે ડેસર પોલીસ પણ દોડી ગઇ હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આગના આ બનાવે ગામમાં હાહાકાર મચાવી મૂક્યો હતો.