પોરબંદરએક કલાક પહેલા
- કૉપી લિંક

- ભાઈ બાથરૂમ ગયો હતો, રાડારાડી થતા બાહર આવી છરી ઝુંટવા જતા હાથમાં ઈજા, પોલીસે આરોપીને ઝડપી લીધો
પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતી એક પરિણીતાને તેનાજ જેઠે છરી વડે ગળામાં ઊંડો ઘા મારી હત્યા નિપજાવી છે. આ મહિલાનો પતિ બાથરૂમ ગયો હતો અને રાડારાડી થતા તે બહાર નીકળ્યો હતો અને ભાઈના હાથ માંથી છરી ઝૂંટવી લેવા ઝપાઝપી કરતા નાનાભાઈને હાથમાં છરી વાગી છે. આ બનાવમાં પોલીસે આરોપીને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે, જોકે હત્યાનું કારણ અકબંધ રહ્યું છે.
પોરબંદરના છાયા નવા વણકરવાસ જય અંબે નગર રોડ પર કેનાલ પુલ પાસે રહેતા મોહન મથુરભાઈ ડોડીયા તેના પત્ની શાંતિબેન સાથે બપોરે જમવા બેઠા હતા તે દરમ્યાન મોહનનો સગો ભાઈ માધવજી તેના ઘરે આવ્યો હતો અને જમવા નું પૂછતા તેણે જમવાની ના પાડી હતી અને ઓસરીમાં બેઠો હતો. જમી લીધા બાદ મોહનને વાડીએ કામે જવાનું હોવાથી મોહન બાથરૂમ ગયો હતો અને તેની પત્ની શાંતિ ઠામ વાસણ ભેગા કરતી હતી. તે વેળાએ માધવજીએ છરી વડે શાંતિબેનના ગળામાં છરીનો ઊંડો ઘા મારી દીધો હતો અને રાડારાડી થતા મોહન બહાર નીકળી ગયો હતો.
અને પોતાની પત્ની શાંતિ લોહી લુહાણ હાલતમાં હતી. તેના ભાઈ માધવજીના હાથમાં છરી હતી અને મારી જ નાખવી છે તેવું બોલતો હતો, જેથી શાંતિને વધુ છરીના ઘા મારે નહિ કે, કોઈને છરી મારે નહિ તેથી મોહને ભાઈ પાસેથી છરી ઝુંટવા ઝપાઝપી કરી હતી જેથી મોહનના હાથમાં પણ ઈજા પહોંચી હતી. આ દરમ્યાન બૂમાબૂમ થતા તેમના પાડોશી સબંધી પણ આવી ગયા હતા. આ અંગે પોલીસને જાણ થતા તાકીદે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી જેઠને ઝડપી લીધો હતો. પત્નીની હત્યા અંગે મોહને તેના ભાઈ માધવજી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જોકે, હત્યા કરવાનું કારણ જાણવા મળ્યું નથી.
આરોપી અપરણિત છે
મોહને જણાવ્યું હતુંકે, તેનો મોટોભાઈ માધવજી અપરણિત છે અને બધા સાથે રહેતા હતા. 20 દિવસ પહેલા માધવજી અલગ રહેવા ગયો હતો અને જીઆઇડીસી માં મજૂરી કામ કરતો હતો તેમજ બરફના કારખાનામાં રહેતો હતો. માધવજી બપોરે ઘરે આવ્યો હતો. મોહનને સંતાનમાં 2 પુત્ર છે. એક અમદાવાદના બાવડા ખાતે નોકરી કરે છે અને બીજો કેટરિંગ કામ માટે ખંભાળિયા ગયો હતો. અને મોહન બાથરૂમ જતા માધવજીએ શાંતિના ગળામાં છરી મારી હતી.
પોલીસ શું માને છે?
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતુંકે, હત્યા કરવાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તારણ મુજબ પોલીસ એવું માની રહી છેકે, ઘરમાં મોહન અને તેની પત્ની શાંતિ હતા અને માધવજી ત્યાં આવ્યો હતો. જ્યારે મોહન બાથરૂમ ગયો ત્યારે શાંતિ સાથે માધવજીને બોલાચાલી થઈ હશે જેથી ઉગ્ર બની નાનાભાઈની પત્ની શાંતિને છરી મારી દીધી હતી, આવું પ્રાથમિક તારણ છે. જોકે સાચું કારણ આરોપીની પુરછપરછ દરમ્યાન જાણવા મળશે તેવું પોલીસે જણાવ્યું છે.