રાજકોટ37 મિનિટ પહેલા
- કૉપી લિંક
- મામલતદાર કચેરીઓમાં પણ દાખલા આપવા માટે ધારાસભ્યએ મંત્રીને રોષભેર પત્ર લખ્યો
- મહેસૂલી અધિકારીઓ પોતાની ફરજ-જવાબદારી બીજા પર ખંખેરે છે, ભોગ લોકો બને છે તેવો આક્ષેપ
રાજકોટ શહેરમાં નોન ક્રીમિલેયર અને આવકના દાખલા કાઢવા માટે બહુમાળી ભવનમાં નાયબ નિયામક વિકસતી જાતિની કચેરીએથી નીકળે છે. શહેરમાં એક જ સ્થળે વ્યવસ્થા હોવાથી ભારે ભીડ રહે છે. આ ભીડની ફરિયાદ આવતા ધારાસભ્ય રમેશ ટીલાળાએ સરકારી અધિકારીઓની કામગીરીની ભારે ટીકા કરી મામલતદાર કચેરીઓમાં આ દાખલાઓ કાઢવામાં આવે તેવી માંગ કરતો પત્ર કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાને લખ્યો છે.
પત્રમાં લખ્યું છે કે, શહેરમાં જાતિના દાખલા, નોન ક્રીમિલેયર જેવા પ્રમાણપત્ર નાયબ નિયામક દ્વારા જ આપવામાં આવે છે. આ કારણે વિદ્યાર્થીઓ વાલીઓને વહેલી સવારથી સાંજ સુધી ભૂખ્યા તરસ્યા બેસી રહેવું પડે છે. આ પ્રશ્ન લાંબા સમયથી મુશ્કેલી સર્જે છે પણ તેનું નિરાકરણ આવ્યું નથી. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઠરાવ મુજબ ગ્રામ્ય વિસ્તારમાં ટીડીઓ, તાલુકા મથકે મામલતદાર અને રાજકોટ શહેર વિસ્તારમાં નાયબ નિયામક વિકસતી જાતિ અને મામલતદારને સત્તા આપવામાં આવી છે.
છતાં શહેરની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ મામલતદાર કચેરી દ્વારા સત્તાનો ઉપયોગ કરવામાં આવતો નથી. મહેસૂલ વિભાગના અધિકારીઓ પોતાની ફરજ-જવાબદારી ખંખેરી નાખવાના પ્રયત્નનો ભોગ શહેરના દૂર દૂરના વિસ્તારમાંથી પેટ્રોલ ભાડાનો ખર્ચ કરીને આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ બની રહ્યા છે.
આ ઉપરાંત પત્રમાં લખ્યું છે કે, એક જ જગ્યાએથી પ્રમાણપત્ર નીકળતા હોવાથી કામનું ભારણ વધે છે તેમજ લાંબા સમય લાઈનમાં ઊભું રહેવું પડે છે. આ કારણે મામલતદાર કચેરીમાંથી વિવિધ પ્રમાણપત્રની કામગીરી વિસ્તાર મુજબ થાય તેવી સૂચના આપવી જરૂરી છે. આ અંગે થોડા દિવસો પહેલાં દિવ્ય ભાસ્કરે અહેવાલ પણ પ્રસિધ્ધ કર્યો હતો.





