સુરેન્દ્રનગર36 મિનિટ પહેલા
- કૉપી લિંક
સુરેન્દ્રનગર નિવાસી અધિક કલેકટર દર્શના ભગલાણીના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. સંકલન ભાગ-1ની બેઠકમાં ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ જી.આઈ.ડી.સી. તેમજ આયુર્વેદ હોસ્પિટલમાં વિવિધ સુવિધાને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા. ધારાસભ્ય શામજી ચૌહાણે ગ્રામ્ય વિસ્તારમાં સૌની યોજના સંબંધિત પાણી લીકેજની સમસ્યા, ખાણ-ખનીજ વિભાગ તેમજ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનાં સર્વે સહિતનાં પ્રશ્નો અંગે માહિતી મેળવી વિગતવાર ચર્ચા કરી હતી અને પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે અધિકારીઓને સૂચના આપી હતી. દસાડા ધારાસભ્ય પી.કે પરમારે અગરિયાઓ, જી.આઇ.ડી.સી તેમજ વીજળીને લગતા પ્રશ્નોની રજૂઆત કરી આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને ત્વરિત કામગીરી કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત નડતરરૂપ જગ્યાઓ પર વધારાના દબાણ હટાવવા, કેનાલની નિયમિત સફાઈ કરાવવી, ખાતેદાર ખેડૂતના જમીનના વિવિધ પ્રશ્નો બેઠકમાં રજૂ થયા હતા, જે અંગે નિવાસી અધિક કલેકટરે સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓને સમયમર્યાદામા નિકાલ કરવા સૂચના આપી હતી.
સંકલન ભાગ-2ની બેઠકમા નિવાસી અધિક કલેકટરે સરકારી કર્મચારીઓનાં બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનું નિરીક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા સહિત અનેકવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ બબુબેન પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એચ.પી.દોશી, પ્રાંત અધિકારીઓ ભાવનાબા ઝાલા, પ્રિયાંક ગળચર, એમ.પી.પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી એચ. પટેલ સહિત જિલ્લાના વિવિધ વિભાગના વરિષ્ઠ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર કચેરી, સુરેન્દ્રનગર ખાતે નિવાસી અધિક કલેક્ટર દર્શના ભગલાણીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. બેઠકમાં સસ્તા અનાજ કરિયાણાની દુકાનો ખોલવા અંગેની આવેલી અરજીઓને મંજૂરી સહિતના મુદ્દે ચર્ચા કરાઇ હતી. આ મિટિંગમાં નિવાસી અધિક કલેક્ટરે અનાજ અને પુરવઠો ગ્રાહકો સુધી સમયસર અને પૂરતા પ્રમાણમાં પહોંચતો રહે તે માટે વિસ્તૃત ચર્ચા કરી હતી. જિલ્લા પુરવઠા અધિકારી ભાવનાબા ઝાલાએ જિલ્લાના વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જર્જરિત હાલતમા રહેલી દુકાનનું સમારકામ કરાવવા બાબતની અરજી તેમજ દુકાનનું સ્થળ બદલાવવા અંગે મળેલી અરજી સહીતની વિગતો રજૂ કરી હતી. મીટિંગમાં પુરવઠા વિભાગના અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.