ભગવાનનું અપમાન કરી ઘટનાને સોશિયલ મીડિયામાં પ્રસિધ્ધ કરતા કરોડો સનાતની હિન્દુઓનું અપમાન; ક્ષત્રિય વાધેર સમાજ લાલધુમ | Insulting crores of Sanat Hindus by publicizing the incident on social media by insulting God; Kshatriya Wadher Samaj Laldhum | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Insulting Crores Of Sanat Hindus By Publicizing The Incident On Social Media By Insulting God; Kshatriya Wadher Samaj Laldhum

દ્વારકા ખંભાળિયા3 કલાક પહેલા

  • કૉપી લિંક

કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા અને વિશ્વાસનાં આધાર સ્થંભ એવા જગત મંદિરનાં ગર્ભ ગૃહમાં શ્રી દ્વારકાધીશની મૂર્તિ સમક્ષ અમુક લોકો દ્વારા ભારતીય ચલણી નોટોનાં છુટા હાથે ઘા કરવામાં આવ્યા. નોટો હાથમાં લઈ ઉતારો કરાયો, ઘોળ કરાઈ-નોટોને અપમાન જનક રીતે છુટી હવામાX ફેંકાઈ હતી. આટલાથી અટકતું ન હોય તેમ તેના વીડિયો બનાવી, સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યા હતા. આ જોઇ વૈષ્ણવોના કહેવા મુજબ શ્રીકૃષ્ણની સન્મુખ લક્ષ્મીજીનું અપમાન થયું છે. આ ઘટનાથી કરોડો સનાતની હિન્દુઓની લાગણી દુભાઈ છે.

આ વીડિયોનાં સમાચાર રાષ્ટ્રીય અને પ્રાદેશિક ન્યુઝ ચેનલો તેમજ અખબારોમાં આવતા તમામે આ ઘટનાને વખોડીને સખ્ત શબ્દોમાં નિંદા કરેલ છે. આના માટે જવાબદાર તમામ વ્યક્તિઓને આકરી સજા મળે તેની માગણી કરવામાં આવી છે. આ સંદર્ભે ક્ષત્રિય વાઘેર સમાજ પણ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી છે. સમાજમાં આ ઘટનાને લઈને ભારે રોષ ફેલાયો છે. જેને લઇને આજ ઓખામંડળ ક્ષત્રિય વાઘેર સમાજ એકઠો થઇ પ્રાંત કચેરીએ ધસી ગયો હતો અને કસુરવાર સામે કડક પગલા ભરવા જણાવ્યુ હતું.

વરજાંગભા માણેક એ જણાવ્યું હતું કે, અમારા સમાજ અને દ્વારકાધીશનો અનેરો અને અતુટ નાતો છે. સેંકડો વર્ષ પહેલા આ દ્વારકાધીશ મંદિરની પુજા અને વહીવટ ક્ષત્રિય વાઘેર સમાજ પાસે હતો. ઈતિહાસનાં પાને આ બાબત સુવર્ણ અક્ષરે લખેલ છે. કે સમૈયાભા માણેક અને વાઘેરો આ જગત મંદિરની પુજા અને વહીવટ કરતા. સમયાંતરે સંજોગોવશાત આ પુજા બ્રાહ્મણોને સોંપી આપેલ હતી.

વધુમાં જણાવતા કહ્યું હતું કે, મંદિરની રક્ષા માટે વાઘેરોએ માથા દિધા છે, પણ મંદિર ઉપર અંગ્રેજો કે અન્ય વિધર્મીઓનો કબ્જો થવા દીધો નથી. મુળુભા માણેક, જોધાભા માણેક, દેવાભા માણેક જેવા સેંકડો વાઘેરોએ મા ભોમ, શ્રી દ્વારકાધીશ મંદિર અને મહિલાઓની આબરૂ બચાવવા માટે વીરગતિને પામ્યા છે. ત્યારે આ મંદિરમાં આવી નિર્લજતા ભરી હરકત થાય તે ક્ષત્રિય વાઘેર સમાજ ક્યારેય પણ સહી ન જ શકે. બીજુ કે દ્વારકા મંદિરમાં કડક સુરક્ષાનાં દાવા થાય છે અને મોબાઈલ કે કેમેરા ઉપર પ્રતિબંધ છે. તો પછી મંદિર ગર્ભ ગૃહનાં અલગ અલગ એંગલનાં વીડિયો કોણે ઉતાર્યા?

દ્વારકાનાં જગત મંદિરમાં બિરાજતા રાજા રણછોડરાય અમારા ઈષ્ટદેવ છે અને તેની સામે ભગવાન જાણે કોઈ પોતે કલાકાર હોય તેમ કવાલી, ડાયરો કે મુજરા થતા હોય તેવી રીતે નોટોનાં ઉતારા થાય, નોટોનાં ઘા થાય અને નોટોને ફેંકવામાં આવે તે માતા લક્ષ્મીજીનું દ્વારકાધીશ સન્મુખ અપમાન છે. આ ઘટનાને અખીલ ભારતીય ક્ષત્રિય વાઘેર સમાજ સખત શબ્દોમાં વખોડે છે. ઉપરોક્ત બાબતે તાત્કાલીક ધોરણે નિષ્પક્ષ તપાસ થાય અને જે પણ આવી ઘટનાઓ પાછળ જવાબદાર હોય તેમની સામે કડક કાર્યવાહી થાય તેવી અમારા સમાજ ઉપરાંત કરોડો સનાતની હિન્દુઓની લાગણી અને માગણી છે.

Previous Post Next Post