પોલીસ IPC 406ની કલમ જ ઓળવી ગઇ | Section 406 of Police IPC was deleted | Times Of Ahmedabad

રાજકોટ44 મિનિટ પહેલાલેખક: મહેન્દ્રસિંહ જાડેજા

  • કૉપી લિંક
  • મહિલા અને મધર્સ ડેની ઉજવણી ધામધૂમથી થાય છે પણ કાયદાના રક્ષકો જ કાયદાનો ભંગ કરી રહ્યા છે
  • પૂર્વ પોલીસ કમિશનર અગ્રવાલે 2019થી શરૂ કરેલી પ્રથા આજે પણ યથાવત્ રાખી ઘરેલુ હિંસાના કેસમાં કરિયાવર ઓળવી જવાયો હોય છતાં 406 નથી લગાડાતી
  • ​​​​​​​ગુજરાતમાં માત્ર ​​​​​​​રાજકોટમાં જ સ્ત્રીધન ઓળવી જવાના કેસમાં 406 લગાડાતી નથી : સુરત, અમદાવાદ અને વડોદરામાં આવા કેસમાં IPC 406 લગાવાય છે

રાજકોટમાં મહિલા દિવસ અને મધર્સ ડેની ઉજવણી મહિલા પોલીસ સ્ટેશનમાં ધામધૂમથી કરી મહિલાઓને થતાં અન્યાયને કેવી રીતે રોકી શકાય અને તેના માટે પોલીસ શું કરી શકે છે તે અંગેના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ભાષણ આપતા હોય છે. જોકે ખાટલે મોટી ખોટ એ છે કે, રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં છેલ્લા છ વર્ષથી એટલે કે વર્ષ 2018થી સ્ત્રીધન ઓળવી જવાના કેસમાં જે કલમ કાયદા મુજબ લગાવવાની હોય છે તે આઇપીસી 406 લગાડવામાં આવતી નથી. આ પ્રથા પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના સમય દરમિયાન શરૂ થઇ હતી જોકે શહેરમાં નવા પોલીસ કમિશનરની નિમણૂક થઇ ગયા બાદ પણ કાયદા વિરુદ્ધની આ ગેરકાયદે પ્રથા આજે પણ અવિરતપણે ચાલુ છે અને મહિલાઓને અન્યાય આજની તારીખે પણ થઇ રહ્યો છે.

ગુજરાતના અન્ય શહેરો અમદાવાદ, વડોદરા અને સુરતમાં સ્ત્રીધન ઓળવી જવાના કેસમાં આઇપીસી કલમ 406 લગાવવામાં આવે છે પરંતુ માત્ર રાજકોટમાં જ આવું નથી થતું અને આ માટે ઉચ્ચ પોલીસ અધિકારી તેમજ થાણા અમલદાર પણ કોઇ સ્પષ્ટતા કરી શકતા નથી.

રાજકોટ શહેરના એક મહિલા કીર્તિબેન (નામ બદલાવ્યું છે) મહિલા પોલીસ મથકમાં સ્ત્રીધન ઓળવી જવા અંગે ફરિયાદ નોંધાવવા ગયા તો પોલીસે આઇપીસી કલમ 406 એફઆઇઆરમાં ન નોંધતા કીર્તિબેને તેનો વિરોધ કર્યો હતો જોકે વર્ષ 2018માં તે વખતના પોલીસ ઇન્સ્પેક્ટરે કીર્તિબેનને એવું સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે, પોલીસ કમિશનરની સૂચના મુજબ અમારે કામ કરવાનું હોય છે, માટે આઇપીસી કલમ 406 તમારા કેસમાં લગાવવામાં આવી નથી, આથી કીર્તિબેને થોડા સમય પહેલા આરટીઆઇમાં વિગતો માગી હતી કે, રાજકોટ શહેરમાં છેલ્લા છ વર્ષ દરમિયાન મહિલા પોલીસ મથકમાં સ્ત્રીધન ઓળવી જવા અંગેની કેટલી ફરિયાદ નોંધવામાં આવી છે અને તેમાંથી કેટલી ફરિયાદમાં આઇપીસી કલમ 406 ઉમેરવામાં આવી છે,

આરટીઆઇમાં જે જવાબ મળ્યો તેમાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી, રાજકોટ પોલીસે જ આપેલી માહિતી મુજબ વર્ષ 2018થી ફેબ્રુઆરી 2022 દરમિયાન જેટલી પણ ફરિયાદ નોંધાઇ તેમાંથી એકપણ એફઆઇઆરમાં મહિલા પોલીસ સ્ટેશનના જેતે પોલીસ અધિકારીએ આઇપીસી કલમ 406 લગાવી નહોતી, આ બાબતે રાજકોટના કેટલાક આરટીઆઇ એક્ટિવિસ્ટે છેક વડાપ્રધાન સુધી લેખિતમાં ફરિયાદ કરી છે. આમ છતાં આજદિન સુધી તેને ઉકેલ આવ્યો નથી અને મે 2023 સુધી સ્ત્રીધન ઓળવી જવાના કિસ્સામાં રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનના અધિકારી આઇપીસી કલમ 406 ઉમેરતા જ નથી.

પોલીસ 406ની કલમ ઉમેરતી ન હોવાથી મહિલાઓ ન્યાયથી વંચિત
Cલગ્ન પહેલા, સગાઇ, જીયાણું કે અન્ય કોઇ પ્રસંગે મહિલાને તેના પિયર પક્ષ કે સાસરિયા પક્ષ દ્વારા અપાયેલી ચીજવસ્તુઓ એ સ્ત્રીધન છે, મહિલાને જ્યારે તેના સાસરિયાઓ દ્વારા ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે કે તેના પર ત્રાસ ગુજારવામાં આવે છે અને તેને તેના સ્ત્રીધનના ઉપયોગથી વંચિત રાખવામાં આવે છે.

તે છેતરપિંડી છે, રાજકોટ શહેરમાં છેલ્લા પાંચ વર્ષથી પોલીસ મહિલાઓની ફરિયાદમાં આઇપીસી 406ની કલમ નોંધતી નથી, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ઉજવણી કરીને લાખો રૂપિયાના ખર્ચા કરવામાં આવે છે પરંતુ સ્ત્રીધનથી વંચિત રહેતી મહિલાઓને ન્યાય અપાવવામાં કાયદાના રખેવાળો ઊણા ઉતરે છે અને આઇપીસી 406 નહીં નોંધીને ગુનાનું બર્કિંગ કરે છે,

ગુનાનું બર્કિંગ એ પણ સજાને પાત્ર ગુનો છે, પરંતુ કોઇ ઉચ્ચ અધિકારીઓ આવી કાર્યવાહી કરતા નહીં હોવાથી વર્ષ 2019થી રાજકોટ શહેર પોલીસ દફતરે મહિલાઓની ફરિયાદમાં એકપણ આઇપીસી 406 હેઠળ ગુનો નોંધાયો નથી, અને સાસરિયાના ત્રાસનો ભોગ બનેલી મહિલાઓ પોતાના સ્ત્રીધનના અધિકારથી પણ વંચિત રહે છે. > લલિતસિંહ શાહી, એડવોકેટ

​​​​​​​ આ મામલે તપાસ કરી જરૂરી આદેશ અપાશે: પોલીસ કમિશનર ભાર્ગવ
રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, જે કોઇ ફરિયાદી પોતાની ફરિયાદ લઇને પોલીસ સ્ટેશને આવે ત્યારે તેમની ફરિયાદ મુજબ કાયદાકીય રીતે જે કલમ લાગતી હોય તે લગાવવાની જ હોય છે, રાજકોટ શહેરમાં તમામ પોલીસ સ્ટેશનમાં કોઇપણ પ્રકારના ગુુનાનું બર્કિંગ ન થાય તેની તકેદારી રાખવાની ખાસ સૂચના આપવામાં આવી છે આમ છતાં મહિલાઓના સ્ત્રીધન ઓળવી જવાના કિસ્સામાં આઇપીસી કલમ 406નો હેતુપૂર્વક ઉમેરો નહીં કરાતો હોય તો આ અંગેની તપાસ કરી આગામી દિવસોમાં સ્પષ્ટ સૂચના આપી દેવાશે.

પોલીસ સ્ટેશનમાં અરજીના આધારે ગુના નોંધવાનું પ્રમાણ પણ નહિવત
કીર્તિબેને આરટીઆઇમાં અન્ય વિગતો પણ માગી હતી જેમાં તેઓએ અરજીના આધારે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં કેટલા ગુના નોંધવામાં આવે છે, તેની વિગતો માગતાં તેમાં પણ કેટલીક આંખ પહોળી કરી નાખે તેવી માહિતી મળી હતી. વર્ષ 2019માં કુલ 3230 અરજીઓ થઇ હતી, તેમાંથી પોલીસે માત્ર 145 જ ગુના નોંધ્યા હતા, જ્યારે વર્ષ 2020માં 1998 અરજીની તપાસના અંતે માત્ર 97 ગુના નોંધાયા હતા, વર્ષ 2021માં 1724 અરજીમાંથી 128માં અને ફેબ્રુઆરી 2022 સુધીમાં 277 અરજી થઇ હતી તેમાંથી માત્ર તપાસના અંતે 11 ગુના નોંધવામાં આવ્યા હોવાનું પોલીસે જ આપેલી માહિતીમાં જણાવ્યું હતું.

Previous Post Next Post