- Gujarati News
- Local
- Gujarat
- The Final Of IPL 2023 Will Be Played In Ahmedabad Today, Know There Will Be Unseasonal Rain In Gujarat?
35 મિનિટ પહેલા
- કૉપી લિંક
આજે અમદાવાદમાં રમાશે IPL 2023ની ફાઈનલ
આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2023ની ફાઈનલ રમાશે. આજે મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ પાંચમી વાર ટ્રોફી જીતવા માટે ઉતરશે. તો હાર્દિકની આગેવાની હેઠળની ગુજરાત સતત બીજીવાર ટાઇટલ જીતીને ટ્રોફીને ડિફેન્ડ કરવા ઇચ્છશે. હવે જોવાનું એ રહેશે કે આ બન્ને ટીમમાંથી કોણ ટ્રોફી ઉઠાવે છે. ત્યારે જે ચેમ્પિયન બનશે, તેના પર કરોડોની ધનવર્ષા થશે. IPL ચેમ્પિયન બનનાર અને રનર્સઅપ થનારને કરોડોમાં રૂપિયા મળશે. ઉપરાંત અલગ-અલગ અવોર્ડ્સ જીતનારને પણ સારા એવા પૈસા મળશે. IPL ચેમ્પિયનને 20 કરોડ રૂપિયા મળશે. તો ઉપવિજેતા ટીમને 13 કરોડ રૂપિયા મળશે. ત્રીજા નંબરે રહેનારી ટીમને 7 કરોડ રૂપિયા મળશે. એટલે કે મુંબઈ ઈન્ડિયન્સને આટલી રકમ મળશે. જ્યારે ચોથા નંબરે રહેનારી લખનઉ સુપરજાયન્ટ્સને 6.5 કરોડ મળશે.જો કે સટ્ટાબજારીયાઓ પણ આજની મેચને લઈને તૈયાર થઈ ગયા છે
.
ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગે ફરી ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે અને આવતી કાલે ગુજરાતમાં મિની વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સભાવના છે.ભારે પવનને કારણે રાજ્યના માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.અમદાવાદમાં ખાબકેલા કમોસમી માવઠા બાદ રાજ્યના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે.સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે.તો પોરબંદર, પાટણ, મહેસાણામાં પણ વરસાદની શક્યતા છે, સાથોસાથ બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા અને આણંદ સહિતના જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.
ગાંધીનગર જિલ્લાના પૂર્વ કલેકટર સામે ACBની તપાસ
ગાંધીનગર જિલ્લાના પૂર્વ કલેકટર નિવુત્ત આઇએએસ એસ.કે. લાંગા સામે આવક કરતા વધુ મિલકતને લઇને ACBને તપાસ સોંપવામાં આવી છે. ગાંધીનગરના પોતાના દોઢ વર્ષના કાર્યકાળ દરમિયાન ગેરરિતી તેમ જ ગેરવહીવટ અને ભ્રષ્ટ્રાચાર અંગેની ફરિયાદના પગલે ખાસ તપાસ કરનાર અધિકારી આઇએએસ વિનય વ્યાસાને તપાસ સોંપવામાં આવી હતી. તેમના અહેવાલના પગલે એસ.કે. લાંગા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાથોસાથ તેમની સામે મહેસુલી સહિતના અન્ય મુદ્દાઓની તપાસ કરવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. ગાંધીનગરના એસપી તરૂણ દુગલના વડપણ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે. બીજી તરફ તેઓ રાઇસ મિલમાં ભાગીદારથી માંડીને અનેક મિલકતો વસાવી હોવાના આરોપસર ગુજરાત સરકાર દ્વારા લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (એસીબી)ને તપાસ સોંપવામાં આવે છે.
અમદાવાદમાં બાગેશ્વરના દિવ્ય દરબારના કાર્યક્રમનું સ્થળ બદલાયું
બાગેશ્વર ગામના ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ નો અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં શક્તિ ચોકમાં દિવ્ય દરબાર યોજાવાનો હતો પરંતુ આ કાર્યક્રમ સ્થળની જગ્યા ખૂબ જ નાની પડતી હોવાથી અવ્યવસ્થા સર્જાય તેવી શક્યતાને પગલે હવે બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું કાર્યક્રમ સ્થળ બદલી નાખવામાં આવ્યું છે. સરદાર પટેલ રિંગરોડ પર ઓગણજ પાસે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ યોજાયો હતો તે જ મેદાનમાં દિવ્ય દરબાર યોજાશે. નવા કાર્યક્રમ સ્થળ પર દરબાર યોજવાની તૈયારીઓ ગઈકાલ રાતથી જ શરૂ કરી દેવામાં આવી.આયોજન સમિતિમાં રહેલા આચાર્ય પ્રમોદ મહારાજે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી નો દિવ્ય દરબાર ચાણક્યપુરીના સેક્ટર 6માં આવેલા મેદાનમાં યોજાવવાનો હતો પરંતુ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દરબારમાં હાજર રહેવાના છે અને મેદાન નાનું પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. મોટી સંખ્યામાં લોકો આવે અને અવ્યવસ્થા ન સર્જાય તેના ભાગરૂપે હવે કાર્યક્રમ સ્થળ બદલીને ઓગણજ પાસે પ્રમુખસ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ યોજાયો હતો તે જ મેદાનમાં ખુલ્લા આકાશ નીચે દિવ્ય દરબાર યોજવામાં આવશે.
અમદાવાદમાં ડમી સ્કૂલોને લઈને ડીઇઓ એકશન મોડમાં
ગુજરાતમાં ડમી સ્કૂલો વધી રહી છે. ધોરણ 11-12 સાયન્સમાં વિદ્યાર્થીઓ સ્કૂલમાં ગેરહાજર રહીને ક્લાસીસમાં હાજર રહે છે. જેના કારણે પરિણામ પર અસર પડી હતી. જેથી અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલ શરૂ થતા જ વિવિધ સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે અને જો કોઇ સ્કૂલ ડમી વિદ્યાર્થીઓને એડમિશન આપશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, આગામી દિવસમાં સ્કૂલ શરૂ થતા જ સ્કૂલોમાં તપાસ હાથ ધરવામાં આવશે. વિદ્યાર્થીઓ સ્કૂલમાં ગેરહાજર રહેતા હોય અને ટ્યુશન ક્લાસમાં હાજર રહેતા હોય તો તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રિપોર્ટ બોર્ડને આપવામાં આવશે. ત્યારબાદ બોર્ડ દ્વારા જે આદેશ આવશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ સ્કૂલ પણ ડમી વિદ્યાર્થીઓને એડમિશન આપશે તો સ્કૂલ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં
રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. આ વખતે રાજકોટ સિવિલ હોસ્પિટલ દર્દીને લઇ જવા માટે વપરાતા સ્ટ્રેચરને લઇ વિવાદમાં આવી છે. જેમાં બે દિવસની અંદર ઇમરજન્સી વિભાગમાં એક બાદ એક સ્ટ્રેચરનો કલર બદલાવી સફેદના બદલે કેસરી કરી દેવામાં આવ્યો છે. જો કે, આ કલર સ્ટ્રેચર ગુમ થઇ જતા હોવાથી અલગ તરી આવે તે માટે નર્સિંગ સ્ટાફ દ્વારા કોઈની પરવાનગી વગર કલર બદલી દીધો હોવાનો લૂલો બચાવ કરવામાં આવ્યો.આ અંગે ઇમર્જન્સી વિભાગમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડો. અશ્વિન રામાણીએ જણાવ્યું હતું કે, સ્ટ્રેચરનો કલર સફેદ હોવો જોઈએ, પરંતુ ઇમર્જન્સી વિભાગના નર્સિંગ સ્ટાફ દ્વારા સ્ટ્રેચરની ઓળખ માટે કલર બદલવામાં આવ્યો છે. વારંવાર સ્ટ્રેચર ગુમ થઇ જતી હોય છે, જેની અવારનવાર અમે ફરિયાદ કરી છે. જો કે, કેસરી કલર યોગ્ય નથી માટે અમે ફરી સફેદ કલર સ્ટ્રેચર પર કરવા સૂચના આપી છે. જો કે, આ વાત કોઈને પણ ગળે ઉતરે તેમ નથી!
દ્રશ્યમ ફિલ્મ જેવી અમદાવાદની મર્ડર મિસ્ટ્રી સામે આવી
જૂનાગઢની એક યુવતી ભુવાના સંપર્કમાં આવ્યા બાદ તેને પ્રેમ કરવા લાગી. પરણીત ભુવા સાથે લિવિંગમાં રહેતી યુવતીને કંઇ ભાન ન રહ્યું. ભુવાએ યુવતીનું કાશળ કાઢવા સાથીદારો સાથે પ્લાન ઘડ્યો. પ્લાનમાં યુવતીને પહેલા જૂનાગઢથી અમદાવાદ મિત્રના ઘરે લાવવાની હતી અને ત્યાંથી તેને મુંબઇ લઇ જવાની હતી. જો કે, હકીકતમાં ભુવાજીના મિત્ર મીતની માતાને મુંબઇ મોકલવામાં આવી હતી. કારણ કે યુવતીની હત્યા તો ચોટીલામાં જ થઇ ગઇ હતી અને કોઇને કશું ખબર ના પડે તે માટે ભુવાજી અને તેનો મિત્ર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ભુવાજીએ પોલીસને કહ્યું મારી મિત્ર મને છોડીને જતી રહી છે એટલામાં ભુવાજીના મોબાઇલ પર મેસેજ આવે છે. જેમાં યુવતી કહે છે કે, હું હવે તારાથી દૂર જઈ રહી છું મને શોધવાનો પ્રયાસ ન કરતો. આ મેસેજ પણ પોલીસ સ્ટેશનમાં પોલીસની સામે જ આવે છે એટલે તેઓ એવું સાબિત કરવા માગતા હતા કે, યુવતી તેને છોડીને જતી રહી છે. પરંતુ યુવતી તો પહેલાથી જ મરી ગઇ હતી. હવે આ સમગ્ર મામલાનો ભેદ ઝોન સેવન ડીસીપી અને તેમની ટીમે ઉકેલી નાખ્યો છે.સમગ્ર ઘટનામાં એક બાદ એક નવા રાઝ ખુલ્યા અને આઠ લોકો જેમાં એક મહિલા પણ સામેલ છે. તે તમામે ભેગા થઇને એક માસુમ યુવતીની હત્યા કરી તેની કોઇને ખબર ન પડે તે માટે આખું ષડયંત્ર રચી નાખ્યુ. આ સમગ્ર મામલે પોલીસે 8 આરોપીની ધરપકડ કરી છે.