IPLની મેચ ઉપર સટ્ટો રમતા શખ્સને દબોચ્યો; અપહરણ તથા દુષ્કર્મ કેસમાં આરોપીને વીસ વર્ષની સખત કેદ તથા દંડ | Betting on IPL matches busted; Twenty years rigorous imprisonment and fine to the accused in kidnapping and rape cases | Times Of Ahmedabad

દ્વારકા ખંભાળિયાએક કલાક પહેલા

  • કૉપી લિંક

IPLની મેચ ઉપર સટ્ટો…
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા દારૂ, જુગાર તથા ક્રિકેટ મેચના સટ્ટા સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત ખંભાળિયા તાલુકાના સલાયા વિસ્તારમાં એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ જાડેજા તથા કુલદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે સલાયામાંથી ગત સાંજે પોલીસે ચેન્નાઈ તથા મુંબઈની ક્રિકેટ ટીમ વચ્ચે ચાલી રહેલા મેચમાં રન ફેર તથા હારજીતના પરિણામો પર જુગાર (સટ્ટો) રમતા હસમુખ લાભુ વિઠલાણી નામના શખ્સને દબોચી લઇ, તેની પાસેથી રૂપિયા 11,590 રોકડા તથા રૂપિયા 10,000ની કિંમતનો મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 21,590નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.

આ પ્રકરણમાં ચોક્કસ મોબાઈલ નંબર ધરાવતા શખ્સોની પણ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણ અંગે સલાયા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ અંગેની કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. ગળચર, સજુભા જાડેજા, કુલદીપસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દિનેશ માડમ વગેરે દ્વારા કરવામાં આવી હતી.

દુષ્કર્મ કેસમાં આરોપીને વીસ વર્ષની કેદ…
ભાણવડ પંથકમાં રહેતી એક સગીર વયની તરુણીને અપહરણ કરીને લઈ ગયા બાદ દુષ્કર્મ આચરવાના ચાર વર્ષ પૂર્વેના કેસમાં ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 17,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

આ સમગ્ર પ્રકરણ વિગત મુજબ ભાણવડ તાલુકામાં રહેતા એક પરિવારના સદસ્યો ગત તારીખ 25/02/2019ના રોજ પોતાના ઘરે રાત્રે જમીને સુઈ ગયા બાદ વહેલી સવારે આ પરિવારના મહિલા ઉઠીને જોતા તેઓની આશરે સાડા પંદર વર્ષની સગીર વયની પુત્રી તેમના ઘરે જોવા મળી ન હતી. સગીર પુત્રીની તપાસ દરમિયાન ભાણવડ તાલુકાના વાનાવડ ગામે રહેતા દેવરાજ ઉર્ફે દેવા મનસુખ સોલંકી કે જે અગાઉ તેઓના ઘર પાસે આંટાફેરા કરતો હતો. તે પણ ગામમાં ન હતો અને તેનો મોબાઈલ પણ સ્વીચ ઓફ આવતો હતો.

આથી સગીરાના પિતાની ફરિયાદ પરથી ભાણવડ પોલીસ મથકમાં આરોપી દેવરાજ ઉર્ફે દેવા મનસુખ સોલંકી સામે પોક્સો તથા એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે પછી તપાસનીસ ડીવાયએસપી તથા પીએસઆઈ દ્વારા આરોપીની અટકાયત કરી, સગીરાની મેડિકલ તપાસણી કરાવતા તેની પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનું ખુલવા પામ્યું હતું. જે સંદર્ભે પોલીસે જુદી જુદી કલમ મુજબ કાર્યવાહી કરી હતી.

આ સમગ્ર પ્રકરણ સંદર્ભેનો કેસ ખંભાળિયાની સ્પેશિયલ પોક્સો અદાલતમાં ચાલી જતા આ પ્રકરણમાં ફરિયાદી, ભોગ બનનાર તથા મેડિકલ ઓફિસરની જુબાની એફએસએલના રિપોર્ટ સાથે અહીંના જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા અદાલત સમક્ષ રજૂ કરવામાં આવેલી મુદ્દાસરની દલીલોને ધ્યાને લઈને અદાલત દ્વારા આરોપી દેવરાજ ઉર્ફે દેવા મનસુખ સોલંકીને એટ્રોસિટી, દુષ્કર્મ તથા પોક્સો એક્ટની કલમ મુજબ તકસીરવાન ઠેરવ્યો હતો. જેના ચુકાદામાં અદાલતે આરોપીને વીસ વર્ષની સખત કેદ તથા રૂપિયા 17,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ પ્રકરણમાં અદાલતે ભોગ બનનારને સામાજિક, આર્થિક તથા માનસિક પુનર્વસન માટે વિટનેસ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂ. ત્રણ લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે.