અમદાવાદ40 મિનિટ પહેલાલેખક: આનંદ મોદી
- કૉપી લિંક
IPLની ફાઇનલ મેચને હવે ગણતરીના કલાકો બાકી છે. આજે IPL મેચમાં તો રસાકસી સર્જાશે પરંતુ તે પહેલા મેચ નિહાળવા સ્ટેડિયમમાં પ્રવેશ મેળવવા માટેની ટિકિટ માટે પણ અત્યારે રસાકસી ચાલી રહી છે. ફાઇનલની ટિકિટ લેવા માટે કેટલાય દિવસથી લોકો પડાપડી કરી રહ્યા છે. પરંતુ લિમિટેડ ટિકિટ હોવાથી સ્ટોકમાં નથી તો બીજી તરફ કાળાબજારીઓ હવે સક્રિય થયા છે. IPL ટિકિટના અંતિમ ઘડીએ બે ગણા ભાવથી વધારીને ત્રણથી ચાર ગણા સુધીના ભાવ કરી દીધા છે અને દિવ્ય ભાસ્કરે કરેલા પર્દાફાશમાં ટિકિટની કાળાબજારી કરનાર શખસનો સ્ટેડિયમના ગ્રાઉન્ડ સુધી એક્સેસ છે.
ઓફલાઈન ટિકિટની વહેંચણીમાં લાંબી લાઇનો
IPLની ફાઇનલ મેચ માટે જ્યારે પ્રેક્ષકો ઓનલાઇન ટિકિટ બુક કરી રહ્યા હતા. ત્યારે મોટાભાગના પ્રેક્ષકો દ્વારા ટિકિટ બુક થઈ નહતી. જેવો ટિકિટનો સ્લોટ ખૂલતો હતો તેના ગણતરીની મિનિટોમાં જ સ્લોટ ખાલી પણ થઈ જતો હતો. તો બીજી તરફ ઓફલાઈન ટિકિટની વહેંચણીમાં પણ ટિકિટ માટે લાંબી લાઈનમાં ઊભું રહેવું પડતું હતું.
IPL ટિકિટ માટે ડીએમ કરો
દિવ્ય ભાસ્કર દ્વારા ટિકિટની કાળાબજારી કરતા શખસનો સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે આ શખસનો મોબાઈલ નંબર મળ્યો હતો. દીપ ભટ્ટ નામનો આ વ્યક્તિ ઘોડાસરમાં રહે છે જેની પાસે ખૂબ જ મોટી સંખ્યામાં ટિકિટનો જથ્થો છે. દીપે પોતાના વોટ્સએપ સ્ટોરીમાં સ્ટેડિયમના ગ્રાઉન્ડના ફોટા, ટિકિટ વિન્ડોની અંદરના ફોટા અને અલગ અલગ ટિકિટના ફોટા મુક્યા હતા જેમાં ટિકિટ માટે ડીએમ કરવા જણાવ્યું હતું.
દિવ્ય ભાસ્કરે આ તમામ જોઈને દીપને ફોન કર્યો હતો. ત્યારે દીપે ટિકિટના ભાવથી લઈને ડિલિવરી કરવા સુધીની જાણ કરી હતી.
દિવ્ય ભાસ્કર: ઇન્કમટેક્ષ મળી જશે ટિકિટ?
દીપ: હા મળી જશે
દિવ્ય ભાસ્કર: તમે ઉભા હોવ તો 10 મિનિટમાં આવું હું?
દીપ: કેટલી ટિકિટ અને કેટલા વાળી જોઈએ?
દિવ્ય ભાસ્કર: 2500 વાળી જોઈએ છે, 5 ટિકિટ
દીપ: 8500 રૂપિયા સુધીમાં મળશે
દિવ્ય ભાસ્કર: તમે મને 6000 રૂપિયામાં કીધું હતું પહેલા
દીપ: હવે ભાવ વધી ગયા સોરી, મારા પાસે અગાડથી ભાવ વધીને આવ્યો છે.
દિવ્ય ભાસ્કર: 3500 વાળી?
દીપ: એ પણ મળી જશે 9 ટિકિટ
દિવ્ય ભાસ્કર: મારે 9 નહીં 5 જ જોઈએ છે, કેટલમાં મળશે
દીપ: 12,000 રૂપિયામાં મળશે
દિવ્ય ભાસ્કર: તો આવી જવ હું ટિકિટ લેવા ઇન્કમટેક્ષ?
દીપ: આવી જવ નહિ પહેલા ગૂગલ પે કરો પછી અમે અવીશું
દિવ્ય ભાસ્કર: ગૂગલ પે કરું પછી તમે ના મળ્યા તો?
દીપ: અરે યાર કોના રેફરન્સથી ફોન કર્યો તમે
દિવ્ય ભાસ્કર: મેં દીપભાઈના રેફરન્સથી ફોન કર્યો
દીપ: ક્યાં દીપભાઈ
દિવ્ય ભાસ્કર: અરે દીપ નહિ વેદાંતભાઈ એમેઝોનવાળા રેફરન્સથી (નોંધ:- અહીં આપેલું નામ સાચું નથી. દિવ્ય ભાસ્કરના રિપોર્ટરે અહીં ખોટું નામ આપ્યું છે)
દીપ: વેદાંતભાઈને મારો રેફરન્સ આપીને પૂછી જોવો મારા વિશે.
આટલું કહીને દીપ ભટ્ટે ફોન મૂકી દીધો હતો.
સાઉથ વેસ્ટ પ્રીમિયમ ટિકિટ એવિલેબલ ઓફ ફાઇનલ
દીપ ભટ્ટના વોટસએપ સ્ટોરી જોતા તેમાં સવારે 4:55 વાગે સ્ટેડિયમની અંદરનો ફોટો મુક્યો હતો જેમાં 5am@ stadium લખ્યું હતું. 6:23 વાગે સ્ટેડિયમની અંદર ગ્રાઉન્ડમાં આરામથી બેઠો હોય તેવો ફોટો મુક્યો હતો. 6:23એ બીજો સ્ટેડિયમનું ફોટો. 6:24એ મુકેલ ફોટામાં લખ્યું હતું કે સાઉથ વેસ્ટ પ્રીમિયમ ટિકિટ એવિલેબલ ઓફ ફાઇનલ. 7:10એ સ્ટોરી મૂકી તેમાં લખ્યું હતું કે ફાઇનલની મેચમાં વોલેન્ટિયર તરીકે જોડાવવા નીચે આપેલા વોટ્સએપ ગ્રુપમાં જોડાવો. બપોરે 12:35એ 3500 રૂપિયાની 6 ટિકિટનો ફોટો મુક્યો હતો. સાંજે 6:15 વાગે ટિકિટ વિન્ડોની અંદરનો ફોટો મૂકીને લખ્યું હતું કે ઇન્સાઇડ પેયટીમ ટિકિટ કાઉન્ટર. 6:15 ટિકિટ વિન્ડોનો બીજો ફોટો મુક્યો હતો અને અંતમાં લોવર ટિકિટ એવિલેબલ, કોલમી ASAP.
ટિકિટની કાળાબજારી કરી 3થી 4 ગણા ભાવ વસુલ્યા
દીપ ભટ્ટે મુકેલ સ્ટોરી પરથી સ્પષ્ટ થાય છે કે દીપને સ્ટેડિયમ સુધી ઍક્સેસ છે. દીપે સ્ટેડિયમના અલગ અલગ જગ્યાએ પણ ઍક્સેસ છે. દીપ પાસે જથ્થાબંધ ટિકિટ છે જેનો ફાયદો ઉઠાવીને તે ટિકિટની કાળાબજારી કરી 3થી 4 ગણા ભાવ વસુલી રહ્યો છે. પૈસા પણ એડવાન્સ લઈને ટિકિટ આપી રહ્યો છે. પોલીસના ડરથી અગાઉથી જ પૈસા મેળવી લે છે. ત્યારબાદ જ પોતાની નક્કી કરેલ જગ્યાએ ટિકિટ માટે બોલાવે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ટિકિટ અત્યારથી નહિ પરંતુ IPLની શરૂઆતથી કાળાબજારી કરીને વહેંચી રહ્યો છે.