વડોદરાના કરજણમાં સાથીદારની હત્યા કરીને ફરાર હત્યારો પાંચ વર્ષે પશ્ચિમ બંગાળથી ઝડપાયો | The killer who escaped after killing a colleague in Karjan of Vadodara was caught from West Bengal five years ago | Times Of Ahmedabad

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક

વડોદરાના કરજણ જુના બજારમાં ભાડાના મકાનમાં સાથીદારની સામાન્ય ઝઘડામાં હત્યા કરીને ફરાર થઇ ગયેલા હત્યારાને વડોદરા જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોર્ડે બે હજાર કિલો મીટર દૂર પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશની બોર્ડર ઉપર આવેલા બાંસબેરીયા ગામથી ધરપકડ કરી છે. પાંચ વર્ષ પહેલાં હત્યારો સાથીદારની હત્યા કરીને ફરાર થઇ ગયો હતો.

અદાવતમાં હત્યા કરી હતી
બે હજાર કિલો મીટર દૂર જઇ હત્યારાની ધરપકડ કરીને વડોદરા લાવનાર વડોદરા જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડના પી.એસ.આઇ. એ.આર. મહિડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, વડોદરાના કરજણ જુના બજારમાં પીન્ટુ જૈનના કોમ્પ્લેક્ષમાં રહેતો ચંદન રાઘવ સહાની જિંદાલ કંપનીમાં નોકરી કરતો હતો. તા.27-6-2019ના રોજ તેને તેના સાથીદાર હરકેશસિંહ રામબીસિંહ સાથે ઝઘડો થયો હતો. જે ઝઘડાની અદાવતમાં બીજા દિવસે તા. 28-6-2019ના રોજ તેની હત્યા કરીને ફરાર પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના મોગરા પોલીસ મથકની હદમાં બાંસબેરીયા ખાતે છૂપાઇને રહેતો હતો. આ બનાવની ફરિયાદ કરજણ પોલીસ મથકમાં નોંધાઇ હતી.

આરોપી મૂળ બિહારનો વતની
તેમણે જણાવ્યું કે, મૂળ બિહારના ભ૨વાલીયા, સોનવાલ, પુર્વી ચંપારણનો વતની ચંદન સહાની કરજણમાં સાથીદારની હત્યા કર્યા બાદ દેશના પંજાબ, હરીયાણા, બિહાર, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં પોતાની ઓળખ છુપાવી રહેતો હતો. જેથી પોલીસની હાથ આજદીન સુધી આવ્યો ન હતો. પરંતુ, જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા આ બનાવ અંગેની વિગતો મેળવી તપાસ શરૂ કરી હતી.

આરોપીની મહત્વની કડી મળી
પી.એસ.આઇ. એ.આર. મહિડાએ જણાવ્યું કે, હત્યારા ચંદન સહાનીને ઝડપી પાડવા માટે સોશિયલ મીડિયા તથા ટેકનીકલ સર્વેલન્સ મદદ લીધી હતી. દરમિયાન આરોપી સુધી પહોંચવામાં તપાસ ટીમને એક મહત્વની કડી મળી હતી. જેમાં હત્યારો ચંદન સહાની પશ્ચિમ બંગાળ રાજ્યના બાંગ્લાદેશ સરહદ નજીક આવેલ હુગલી જીલ્લાના બાંસબેરીયા ખાતે બંગાળી મહિલા સાથે આશરે અઢી-ત્રણ વર્ષથી રહે છે. મહિલાને પોતાના ગુનાહીત ઇતિહાસ બાબતે અંધારામાં રાખી તેની સાથે લગ્ન કરી બાંસબેરીયા ખાતે ઘરજમાઇ બનીને રહે છે.

ઓપરેશન ચંદન શરૂ કર્યું
તેમણે જણાવ્યું કે, જિલ્લા ફર્લો સ્ક્વોડને ઠોસ માહિતી મળતા ટેકનીકલ સોર્સીસ આધારે વડોદરા શહેરથી બે હજાર કિલો મીટર દૂર આવેલા બાંસબેરીયા જવાની તૈયારી કરી હતી. જિલ્લા પોલીસ વડા રોહન આનંદ અને નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ ટીમ તા. 29-4-2023ના રોજ પશ્ચિમ બંગાળ જવા માટે રવાના થઇ હતી. અલગ-અલગ પાંચ રાજ્યોમાં ટૂંકો વિસામો લઇ તા. 1-5-2023ના રોજ તપાસ ટીમ પશ્ચિમ બંગાળ ખાતે પહોંચી હતી અને બાંસબેરીયા વિસ્તારની નજીક આવેલ બંડેલ ખાતે રોકાણ કર્યું હતું અને ઓપરેશન ચંદન સહાની હાથ ધર્યું હતું.

હજારો ઝૂંપડામાં આરોપીને શોધ્યો
પી.એસ.આઇ. એ.આર. મહિડાએ જણાવ્યું હતું કે, બંડેલ ખાતે રોકાણ કર્યા બાદ બાંસબેરીયાની ભૌગોલીક સ્થિતીની વિગતો મેળવી હતી. જેમાં એવી માહિતી મળી હતી કે, બાંસબેરીયામાં અંદાજે 15000 કરતા વધુ નાના-મોટા ઝૂંપડાઓ છે. જ્યાં બંગાળી ઓછા અને બિહારીની વસ્તી વધુ છે. અને મોટા ભાગે લોકો મજૂરી કામ કરે છે. આ વસ્તીમાં રહેતા લોકોને ખબર પડે કે, ગુજરાતની પોલીસ ફરી રહી છે. તો ફેરો માથે પડે તેમ હતો. આથી ચીવટ રાખવામાં આવી હતી.

બે દિવસ વોચ ગોઠવી
પી.એસ.આઇ. એ.આર. મહિડાએ જણાવ્યું કે, ફેરો ફોગટ ન જાય તેનું ધ્યાન રાખીને સતત બે દિવસ સુધી આરોપી ચંદન સહાની વિસ્તારની બહાર નીકળે છે કે કેમ? તે અંગે વોચ રાખવામાં આવી હતી. શાતીર આરોપી પોતાનું રહેણાક છોડતો ન હતો. દરમિયાન તા. 3-5-2023ના રોજ તપાસ ટીમને સચોટ માહિતી મળેલ કે આરોપી ચંદન પોતાના પરીવાર સાથે કલ્યાણીદેવીના મંદિરે સવારથી દર્શન માટે ગયેલ છે અને મોડી રાત્રે પોતાના ઘરે પરત આવવાનો છે. જેથી સ્થાનિક મોગરા પોલીસ સ્ટેશનના અધિકારીને રૂબરૂમાં મળી ગુનાની ગંભીરતા દર્શાવી મોડી રાત્રીના પોલીસ ઓપરેશન માટે જરૂરી પોલીસ મદદ મેળવી હતી.

આરોપીને સુતેલો દબોચ્યો
દરમિયાન તા. 3-5-023 ના રોજ બાંગ્લાદેશ – ભા૨ત સ૨હદ નજીક આવેલા બાંસબેરીયા વિસ્તા૨માં વડોદરા ગ્રામ્ય પોલીસની પેરોલ-ફર્લો સ્કોર્ડની ટીમે ઓપરેશન હાથ ધરી ગીચ ભાષાકીય દુવિધાવાળા વિસ્તા૨માં ઓપરેશન કરી પોતાના પરિવા૨ સાથે ઘરમાં સુતેલા કરજણના હત્યાના ગુનાના ફરાર આરોપી ચંદન રાઘવ સહાનીને દબોચી લીધો હતો.

ઓપરેશન સફળ બનાવ્યું
આરોપી ચંદન સહાની ઓપરેશનમાં ટેકનીકલ સ્ટાફના સચિનભાઇ, હેડ કોન્સ્ટેબલ સંજયભાઇ, તુષારભાઇએ મદદ કરી હતી. જ્યારે પી.એસ.આઇ. એ.આર. મહિડા સાથે હેડ કોન્સ્ટેબલ જીજ્ઞેશભાઇ, અલ્પેશભાઇ, હિતેન્દ્રસિંહ અને ડ્રાઇવર અબ્દુલસમીર જોડાયા હતા. પશ્ચિમ બંગાળમાં પોલીસ વડા મીતકુમાર મકવાણાએ મદદ કરી હતી. અને પાંચ વર્ષથી ફરાર હત્યારા ચંદન સહાનીની ધરપકડ કરી વડોદરા લાવ્યા હતા. હત્યારાને કરજણ પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો છે. કરજણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Previous Post Next Post