અમદાવાદ17 મિનિટ પહેલા
- કૉપી લિંક
ઇસ્કોન મંદિરમાં આજે નૃસિંહ ચતુર્દશીની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન વિષ્ણુએ ભક્ત પ્રહલાદની દાનવ પિતા હિરણ્યકશ્યપુથી રક્ષા કરવા માટે નરસિંહ અવતાર ધારણ કર્યો હતો અને એટલા માટે જ ભગવાન નરસિંહદેવની ભક્તોના રક્ષક તરીકે પૂજા કરવામાં આવે છે.
નરસિંહ ભગવાને સંધ્યા સમયે અવતાર ધારણ કર્યો હતો
આ મહોત્સવની શરૂઆત વહેલી સવારે 04:30 કલાકે મંગલ આરતીથી કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાનની શૃંગાર દર્શન આરતી થઇ હતી અને ગુરુપૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ 08:00 કલાકે ભગવાન ભગવાન નરસિંહદેવની લીલા પર કથા થઇ અને પછી મંદિર પ્રાંગણમાં સવારના 10 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી અખંડ હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરવામાં આવ્યું હતું કારણ કે, નરસિંહ ભગવાને સંધ્યા સમયે અવતાર ધારણ કર્યો હતો એટલે સાંજે 5:30 વાગ્યે ભગવાન શ્રી લક્ષ્મી નરસિંહનો ભવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અંદાજે ૩૦૦થી વધુ પ્રકારના ભોગ ભગવાનને અર્પિત કરવામાં આવ્યા હતા તથા મહાઆરતી કરવામાં આવી હતી. કાર્યક્રમ બાદ તમામ ભક્તો માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.