- Gujarati News
- Local
- Gujarat
- Kutch
- A Multi purpose Social Gathering Was Held At Nakhtrana For The Upliftment Of The Rabari Community, Various Art, Culture, Education And Business Talents Were Exposed.
કચ્છ (ભુજ )14 મિનિટ પહેલા
- કૉપી લિંક
કચ્છની અસ્મિતામાં અદકેરું સ્થાન ધરાવતા અને ભાતીગળ સંસ્કૃતિને અડીખમ બનાવી રાખનાર રબારી સમાજ દ્વારા નખત્રાણા ખાતે સમાજ ઉન્નતિ માટે બહુહેતુક સમારોહ યોજવામાં આવ્યો હતો. ભવ્ય મેળાવડાથી સમાજમાં છુપાયેલી વિવિધ કલા, સંસ્કૃતિ, શિક્ષણ અને વેપાર પ્રતિભાને ઉજાગર કરવામાં આવી હતી.
આ પ્રસંગે આયોજિત સભા હેઠળ સમગ્ર રાજ્યમાંથી પધારેલા અને વિવિધ સ્થળે ઉચ્ચ પદ ધરવતા રબારી સમાજના મહાનુભાવોએ પ્રેરણાત્મક પ્રવચન આપી જ્ઞાતિજનોને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સમારોહમાં ભાતીગળ વસ્ત્ર પરિધાન સાથે ઉપસ્થિત રહેલા રબારી પરિવારોના કારણે લોક સંસ્કૃતિ ઝળકી ઉઠી હતી. ખાસ કરીને સગાઈ, લગ્ન અને ખુશીના પ્રસંગે ગાવતા લોક ગિત ગુંજી ઉઠતા ગ્રામીણ માહોલ ઉજાગર થયો હતો.
નખત્રાણાના રામેશ્વરમ સ્થિત રબારી છાત્રાલયમાં પશ્વિમ કચ્છ રબારી માલધારી એજ્યુકેશન ટ્રસ્ટ અને વાંકોલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સમાજની લોક સંસ્કૃતિને ઉજાગર કરવા આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં શિક્ષણ, સંસ્કાર,સંસ્કૃતિ અને રબારી ગ્રામ્ય સંસ્કૃતિ ઉજાગર કરતા કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતા. જેમાં રબારી બહેનો દ્વારા રબારી સમાજની રીત રસમ મુજબ જુનવાણી ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. આ ગીતમાં રબારી દીકરીની વિદાય ટાણે ગવાતો ડોરો મામેરાનું ગીત, .જાન આગમન ટાણે લગ્નગોરી, સગાઈ ટાણે રજૂ કરાતી હેમારણ સહિતના જૂની પરંપરાના ગીતો રજૂ કરવામાં આવ્યાં હતા.
આ ગીતો આવનારી પેઢીના જીવનમાં ઉતરે અને રબારી સંસ્કૃતિ શું છે તેની જાણકારી નવી પેઢીને મળે તે હેતુસર રજૂ કરવામાં આવ્યાં હતા. આ સિવાય વેપાર જગતના ઉધોગપતિઓ, શિક્ષણ ક્ષેત્તે નામના પ્રાપ્ત વડીલો, રાજકીય અને સામાજિક મહાનુભાવોએ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા અને સમાજ પોતાની કલા દ્વારા રોજગાર, આવક અને પ્રસિદ્ધિ કેવી રીતે પામી શકે છે તે અંગે માહિતગાર કર્યા હતા. ખાસ કરીને રબારી સમાજ દ્વારા તૈયાર કરવામાં આવતા ભરત કામ, એમ્બ્રોડરી, હસ્તકળા વગેરે કામોને પ્રાધાન્ય આપવા અનુરોધ કર્યો હતો.
પશ્ચિમ કચ્છ રબારી એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ વેલજીભાઈ રબારીએ પધારેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું, તેમજ શિક્ષણ અંગે પ્રસંગિક ઉદબોધન કર્યો હતો. નખત્રાણા, ભુજ, અંજાર, ગાંધીધામ, અબડાસા, લખપત ,માંડવી, મુન્દ્રા વગેરે વિસ્તારોમાંથી જ્ઞાતિજનો પધાર્યા હતા. સમગ્ર સંચાલન જેઠાભાઇ માંડાભાઈ રબારી કર્યું હતું, જ્યારે આભાર દર્શન વેલાભાઈ કમાભાઈ રબારીએ કર્યું હતું.