બનાસકાંઠા (પાલનપુર)21 મિનિટ પહેલા
- કૉપી લિંક
પાલનપુરમાં મુસ્લિમ સમાજના આગેવાનો અને નગરપાલિકામાં સભ્ય સરફરાજ સિંધીની આગેવાનીમાં બનાસકાંઠાના અધિક કલેકટરને ગુજરાતના હજયાત્રીઓ સાથે થતા અન્યાયને લઈ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી.
જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવતા જણાવ્યું હતું કે, 2023માં ભારત સરકાર દ્વારા ગુજરાતના હજયાત્રીઓને હજયાત્રાએ જવા માટે કુલ રકમ 3,72,824 નક્કી થઈ છે. જેની સામે મુંબઈથી હજયાત્રાએ જનાર હજયાત્રીકોને 3,04,843નું ખર્ચ થાય છે. ગુજરાતના હજયાત્રીઓએ રૂપિયા 67,981 રકમ વધારાની ભરવાની થાય છે. મુંબઈ અને અમદાવાદથી હજયાત્રાનું અંતર લગભગ સમાન છે. જોકે પાછલા વર્ષોમાં આ રકમમાં સામાન્ય ફેરફાર રહેતો આવ્યો છે. પરંતુ આ વર્ષે રૂ 67,981 જેટલી રકમ ગુજરાતના હજયાત્રીઓએ વધારે ચૂકવવી પડશે. જેથી ગુજરાતના હજયાત્રીઓને અન્યાય થઈ રહ્યો છે, તેવી લાગણી સમગ્ર રાજયનાં હજયાત્રીઓ અનુભવી રહ્યા છે. સમગ્ર ગુજરાતીઓની નજર ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ રહેલી છે, અમારા વડાપ્રધાન અમોને અન્યાય નહી થવા દે આપને મારી લાગણી અને માગણીની સાથે વિનંતીસભર રજૂઆત ઉપર વિશેષ ધ્યાન આપી તાકીદે આ બાબતમાં યોગ્ય હસ્તક્ષેપ કરી રકમના તફાવતનું નિરાકરણ લાવવા વિનંતી છે.
આ રજૂઆત વખતે સાજીદભાઈ મકરાણી, ઉસ્માનભાઈ વોરા, આસિફભાઇ સલાટ, હનીફભાઈ અબ્બાસી, સાયરાબેન કાલેટ, ફારૂકભાઈ માછલીયા, અર્ષદભાઈ મોહસીનભાઈ અને મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.