સીસીટીવી કેમેરાના આધારે મોબાઇલ શોધવામાં નેત્રમ શાખાને સફળતા મળી; પીકઅપ ડાલા-બાઇક વચ્ચે ટક્કર, બાઇક ચાલકનું મોત | Netram branch succeeds in finding mobile based on CCTV camera; Pickup Dala-Bike Collision, Bike Driver Killed | Times Of Ahmedabad

સાબરકાંઠા (હિંમતનગર)23 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં જઇ રહેલા એક શખ્સના પેન્ટના ખીસીમાંથી મોબાઇલ ફોન રસ્તામાં ક્યાંક પડી જતા જિલ્લા નેત્રમ શાખાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ગણતરીના મીનીટોમાં સીસીટીવી કેમેરા દ્વારા મોબાઇલ શોધવામાં સફળતા મળી હતી અને મોબાઇલ મુળ માલિકને પરત કરવામાં આવ્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, શેઠ જીનાદ હુસેન અહેમદ હુસેન બપોરના સુમારે તેનુ બાઇક લઇને સંબંધીના ઘરે ન્યાય મંદિર વિસ્તારમાં જઇ રહ્યો હતો. તે દરમિયાન તેના પેન્ટના ખીસ્સામાંથી રસ્તામાં ક્યાંક મોબાઇલ પડી ગયો હતો. જે અંગે નેત્રમ શાખાનો સંપર્ક કરવામાં આવતા નેત્રમ શાખાના કમાન્ડ કંટ્રોલ PSI આર.કે. રાવતના માર્ગદર્શન હેઠળ PC તથા બી ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા નેત્રમ કમાન્ડ કંટ્રોલ શાખાની મદદથી શહેરમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરવામાં આવ્યા હતા. જે દરમિયાન એક મોટર સાયકલ ચાલક માલુમ પડતા મોટર સાયકલ ચાલકને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે બોલાવી પુછપરછ કરી હતી. તો તેણે મોબાઇલ મળ્યો હોવાની કબુલાત કરતા મુળ માલિક શેઠ જીનાદ હુસેન અહેમદ હુસેનને બોલાવી ગણતરીની મીનીટોમાં ગુમ થયેલો મોબાઇલ પરત આપવામાં આવ્યો હતો. આમ હિંમતનગર શહેરી વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરાના આધારે મોબાઇલ શોધવામાં સફળતા મળી હતી.

હિંમતનગરના હાજીપુર નજીક પીકઅપ ડાલાના ચાલકે પુર ઝડપે અને ગફલતભરી રીતે પીકઅપ ડાલુ હંકારી મોટર સાયકલને ટક્કર મારતા અકસ્માત થયો હતો. અકસ્માતની આ ઘટના દરમિયાન મોટર સાયકલ ચાલકને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવ અંગે પીકઅપ ડાલાના ચાલક વિરૂદ્ધ હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર પ્રાંતિજ તાલુકાના મોયદ રૂપાજીવાસ ગામના ધુળાભાઇ અંબારામ સોલંકી મોટર સાયકલ લઇને હાજીપુર ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જઇ રહ્યા હતા. તે દરમિયાન હાજીપુર ગામ નજીક પીકઅપ ડાલાના ચાલકે પુર ઝડપે અને ગફલતભરી રીતે પીકઅપ ડાલુ હંકારી બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક ધુળાભાઇ અંબારામ સોલંકીને શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી અને ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવ અંગે પીકઅપ ડાલાના ચાલક વિરૂધ્ધ કિર્તીકુમાર ધુળાભાઇ સોલંકીએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Previous Post Next Post