ભુજ20 મિનિટ પહેલા
- કૉપી લિંક
ફાઈલ તસ્વીર
- જખૌના 200 કરોડના ડ્રગ કેસમાં 14 દિવસના રિમાન્ડ થયા પૂર્ણ
- દિલ્હીમાં રહેતી ડ્રગ સપ્લાયર નાઇઝીરિયન મહિલાને શોધવા તપાસના ચક્રો ગતિમાન
જખૌ બંદરે 8 મહીના પહેલા ઝડપાયેલા 200 કરોડના હેરોઇન કેસમાં ગુજરાત એટીએસે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈની ધરપકડ કરી હતી જેના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે તેને ફરી નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.રિમાન્ડ દરમ્યાન ઘણી ચોંકાવનારી માહિતી પણ જાણવા મળી છે પણ તપાસના હિત ખાતર એટીએસ દ્વારા જાહેર કરવામાં આવી નથી. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈને 25 એપ્રિલના ગુજરાત એટીએસ દ્વારા નલિયા કોર્ટમાં ફર્સ્ટ કલાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.એમ.શુક્લા સમક્ષ રજુ કરાયો હતો.
ગત 14 સપ્ટેમ્બરના એટીએસ અને કોસ્ટગાર્ડે જખૌ સમીપેના દરિયામાં ઓપરેશન કરીને પાકિસ્તાન તરફથી આવતી અલત્યાસા બોટમાંથી 200 કરોડના હેરોઇન સાથે 6 પાકિસ્તાની ખલાસીને ઝડપ્યા હતા.પંજાબની જેલમાં બેઠેલા નાઇજિરિયન કેદી ઓબીન્ના ઉર્ફે ચીફ અને કપૂરથલા જેલના કેદી મહેરાજ રહેમાની (રહે.પશ્ચિમ દિલ્હી)એ પાકિસ્તાનથી વાયા કચ્છ થઈને પંજાબ માટે આ માલ મંગાવ્યો હતો.જખૌના મીઠા પોર્ટ ખાતે હેરોઇન લેવા આવનાર જગ્ગીસિંઘ અને સરતાજ ઓસલીમ મલીકને અમદાવાદથી ઉઠાવી લેવાયા હતા.આ કેસમાં લોરેન્સ બીશ્નોઈના કહેવાથી માલ મંગાવાયો હોવાનું સામે આવતા રિમાન્ડ માંગવામાં આવ્યા હતા.
રિમાન્ડ દરમ્યાન પાકિસ્તાન કનેકશન સહિતની અનેક બાબતો સામે આવી છે પણ તપાસના હિતમાં મગનું નામ મરી પાડવામાં આવી રહ્યું નથી.સૂત્રોના કહેવા પ્રમાણે,નાઇજિરિયન મહિલા અનિતા કે જે હાલ દિલ્હીમાં છે તેના ઈશારે આખું ડ્રગનું રેકેટ ચાલે છે અને બીશ્નોઈએ મહિલાના કહેવાથી માલ મંગાવી આપ્યો હતો.જેથી આ અનિતાને શોધવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.આજે બીશ્નોઈને કોર્ટમાં રજૂ કરી કોર્ટના હુકમ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.ચેતક કમાન્ડો સહિત પોલીસ અધિકારીઓ બંદોબસ્તમાં ખડેપગે જોવા મળશે.
યુપી પોલીસની ગાડીઓ ભુજમાં ફરતી દેખાઈ
એકતરફ આજે ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈને નલિયા કોર્ટમાં રજૂ કરવાનો હોઇ તેની સુરક્ષાને લઈને પોલીસતંત્ર એકશનમોડમાં છે ત્યારે સોમવારે ભુજમાં ઉત્તરપ્રદેશ પોલીસની ગાડીઓ ફરતી જોવા મળી હતી સાથે ગાંધીનગર પોલીસ પણ હોઈ સૂચક ઘટનાક્રમ માનવામાં આવી રહ્યા છે.