પંચમહાલ (ગોધરા)4 કલાક પહેલા
- કૉપી લિંક
રાજ્યમાં પ્રાકૃત્તિક કૃષિનો વ્યાપ વધે તે માટે છેલ્લા બે વર્ષથી પ્રાકૃતિક કૃષિનો પ્રચાર પ્રસાર,વેચાણ અને યોજનાકીય કામગીરીનું અમલીકરણ કરાઈ રહ્યું છે. ત્યારે આગામી 15 ઓગસ્ટ સુધી દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં ગ્રામ પંચાયત દીઠ 75 ખેડૂતો જોડાય તે હેતુસર કૃષિ સહકાર અને કલ્યાણ વિભાગ અંતર્ગત ખેતીવાડી અને આત્મા પ્રોજેક્ટના સહયોગથી વિવિધ શિબિરો યોજાઈ રહી છે.
પંચમહાલ જિલ્લામાં પણ આ ઝુંબેશ અંતર્ગત ગોધરા તાલુકાના પઢિયાર અને મહુલિયા ગામે ખેડૂત મિત્રોના સહયોગથી પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરાયું હતું. આ તાલીમમાં હાજર રહેલ અધિકારી/કર્મચારીઓ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનુ મહત્ત્વ, પર્યાવરણની સુરક્ષા, જમીનની ફળદ્રુપતા સાથે પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો જીવામૃત, બીજામૃત, વાફ્સા, આચ્છાદન (મલ્ચીંગ) અને મિશ્રપાક પધ્ધતિ જેવા વિવિધ વિષયો પર તબક્કાવાર માહિતી અપાઈ હતી. આ સાથે ખેડૂતોને મિલેટ ધાન્ય પાકો અને i-khedut પોર્ટલ પર અરજી કરી ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું. માસ્ટર ટ્રેનર દ્વારા જીવામૃત બનાવવા અંગે પ્રેક્ટીકલ કરીને નિદર્શન કરાયું હતું. આ તકે ટેક્નિકલ માસ્ટર ટ્રેનર કિંજલબેન ચાવડા, હિમાન્સી ચૌધરી, ફાર્મર માસ્ટર ટ્રેનર મહેન્દ્રભાઈ મકવાણા, ગુલાબસિંહ સંગાડીઆ, ગ્રામસેવક યાચના ચૌધરી સહિત ગામના સરપંચો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.