ભરૂચ2 કલાક પહેલા
- કૉપી લિંક
- ભરૂચ જિલ્લામાં ઉનાળામાં વાતાનુકુલિત યંત્રોનો વપરાશ વધી જતાં ટ્રાન્સફોર્મર ઉપર ભારણ વધ્યું
ભરૂચ શહેર જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ વીજળી ડૂલ થવાની સમસ્યાં વધી જાય છે. જેમાં કેટલાંક વિસ્તારમાં લાઇન ડીમ થવાની તો ક્યાંક વીજપુરવઠો વધી જવાથી ટ્રાન્સ્ફોર્મર ઉડી જવા જેવી ઘટનાઓ બને છે. ત્યારે વીજ કંપની દ્વારા દરેક ગ્રાહકોને તેમના ઘરના ઉપકરણોની વિગત સાથે ઘરમાં ઉપયોગમાં લેવાતાં વીજભારની જાણ કરવા તાકીદ કરાઇ છે. ભરૂચ શહેર જિલ્લામાં ઉનાળાની મોસમમાં ગરમીથી રાહત મેળવવા માટે લોકો એસી-પંખા તેમજ કુલરનો ઉપયોગ વધારી દેતાં હોય છે.
જેના કારણે વીજળીનો ઉપયોગ વધી જતો હોવાને કારણે ઓવર લોડિંગને કારણે અનેકવાર ટ્રાન્સફોર્મરમાં ક્ષતિ સર્જાવાની સમસ્યાં વધી જાય છે. વીજ કંપની દ્વારા જે તે વિસ્તારમાં લગાવવામાં આવેલાં ટ્રાન્સફોર્મર સામાન્યત: ગ્રાહકો દ્વારા કંપનીમાં નોંધાવેલાં વીજભારના આધારે લગાવવામાં આવતાં હોય છે.
તેમાંય સમય જતાં લોકો દ્વારા નવા નવા વીજ ઉપકરણોનો ઉપયોગ વધારી દેવાતાં ટ્રાન્સફોર્મર પર લોડ વધી જવાને કારણે ક્ષતિ સર્જાતી હોય છે. ત્યારે વીજકંપની દ્વારા દરેક ગ્રાહકોને વીજકંપનીમાં તેમના ઘરમાં રહેલાં વીજ ઉપકરણોની માહિતી આપવા સાથે તેઓ તેનો કેવો ઉપયોગ કરે છે તેની વિગતો આપવામાં આવે તે માટે સુચવવામાં આવ્યું છે.
જેથી કે, તેના આધારે જે તે વિસ્તારમાં કેટલી ક્ષમતાનું ટ્રાન્સફોર્મર લગાવાય તેનું મુલ્યાંકન કરી તે પ્રમાણે કામગીરી કરવામાં આવતાં વીજ વિક્ષેપ થવાની સમસ્યા ઘટી શકે છે તેમ વીજ કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલાં અંબિકાનગર વિસ્તારમાં વીજવાયર બળી જવાના કારણે નજીકમાં આવેલાં વૃક્ષમાં આગ ફાટી નીકળી હતી અને લાશ્કરોને દોડવાની ફરજ પડી હતી. ગત રોજ શકિતનાથ વિસ્તારમાં આવેલી મનિષાનંદ સોસાયટીમાં પણ કલાકો સુધી વીજપુરવઠો ડુલ થઇ ગયો હતો.
ટ્રાન્સફોર્મર પાસે નખાતો કચરો-વેલા પણ જવાબદાર
ઉનાળાની સિઝનમાં વીજ કંપની દ્વારા વિસ્તારોમાં 6થી 7 કલાક સુધીનો વીજ કાપ રાખી ટ્રાન્સફોર્મર, વીજ લાઇન પર ચઢી ગયેલાં વેલાઓ દુર કરવા સાથે લાઇનનું મેઇન્ટેનન્સ કરવામાં આવે છે. ચોમાસા પહેલાં વીજલાઇનને સુરક્ષિત કરાય છે. ઉપરાંત ટ્રાન્સફોર્મર પાસે જ લોકો કચરાના ઢગલાં કરતાં હોવાથી પણ સમસ્યાં વિકટ બને છે.