રાજકોટ17 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજકોટ શહેરના રણછોડનગર વિસ્તારમાં આવેલી ICICI બેંકની બાજુમાં આવેલા વિજયભાઈ પટેલના કારખાનામાં રહેતા અને મૂળ માંગરોળના વતની વિનોદભાઇ નાથાભાઇ ગરેજા (ઉં.વ.28)એ પોતાની ફરિયાદમાં સ્કૂટરમાં આવેલા અજાણ્યા બે શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
સફેદ કલરના સ્કૂટર પર બે શખ્સ આવ્ય હતા
વિનોદભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું કુવાડવા રોડ ઉપર આવેલ સેલના પેટ્રોલ પંપમાં પેટ્રોલ પૂરવાનું કામ કરૂ છું. ગઈકાલે સાંજના 5.30 વાગ્યાના સમયે હું પેટ્રોલ પંપના કાઉન્ટર ઉપર આવતા-જતા ગ્રાહકના વાહનોમાં પેટ્રોલ ભરવાનું કામ કરતો હતો. ત્યારે એક સફેદ કલરના સ્કૂટર ઉપર બે વ્યકિત પેટ્રોલ પૂરાવવા મારી પાસે આવેલ અને મને કહ્યું કે, અમારા સ્કૂટરમાં રૂ.110નું પેટ્રોલ પૂરી આપો, જેથી મેં સ્કૂટરમાં રૂ.110નું પેટ્રોલ પૂર્યું હતું અને પેટ્રોલના પૂરવાના મશીનની સ્ક્રીન ઉપર જોતા રૂ.110 બતાવેલ.
દેકારો થતા બન્ને શખ્સ ભાગી ગયા
જેથી મને તેણે કહ્યું કે, મારે રૂ.210નું પેટ્રોલ પૂરવાનુ મેં તને કહ્યું હતુ. જે બાબતે બોલાચાલી થઈ અને તેણે મને એક જાપટ મારી હતી. જેથી મેં પણ બે જાપટ મારી હતી. જેથી આ બન્નેએ ઉગ્ર થઈ એક યુવાને છરી કાઢી મને ડાબી બાજુના પડખાના ભાગે એક ઘા માર્યો હતો. જેથી હું દોડીને ભાગેલ અને મને લોહી નીકળતા હું મારી ઓફિસમાં જઈ ડરના હિસાબે દરવાજો બંધ કરી દીધો અને આ લોકો દેકારો થતા તે લોકો પોતાનું સ્કૂટર લઈ ભાગી ગયા હતા. આ મામલે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે બંને આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.
પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
રાજકોટના માનસરોવર પાર્ક નજીક રહેતી પરિણીતાએ ગઈકાલે સાંજે 6 વાગ્યાની આસપાસ ઘરે હતી ત્યારે ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાદમાં બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. પરિણીતાના પતિએ જણાવ્યું હતું કે, તેઓ કાસ્ટિંગની ભઠ્ઠી ચલાવે છે અને તેમના લગ્ન 6 વર્ષ પહેલાં બાબરા રહેતી યુવતી સાથે થયાં હતાં અને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. ગઈકાલે પત્નીને તેના માવતર બાબરા સંતાનો સાથે જવું હતું. આ સમયે પુત્રને ઘરે રાખી જવા કહેતાં માઠું લાગી આવ્યું હતું અને જેના કારણે આ પગલું ભરી લીધું હતું. બનાવ અંગે પોલીસે નિવેદન નોંધી વધું તપાસ હાથ ધરી હતી.
16 વર્ષની સગીરાનું અપહરણ થયાની ફરિયાદ નોંધાઇ
રાજકોટના રૈયા રોડ પર આવેલ શિવપરામાં રહેતા 46 વર્ષીય મહિલાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ 1 મેના રોજ સાંજના સમયે ફરિયાદી તથા પરિવારના સભ્યો ઘરે હતા. ત્યારે તેમની 16 વર્ષની દીકરી દાદીમાના ઘરે જાવ છું તેમ કહી ઘરેથી નીકળી હતી. બાદમાં મોડે સુધી દીકરી ઘરે પરત ન ફરતા ફરિયાદીએ આ બાબતે સગીરાના દાદીના ઘરે તપાસ કરતા તે ત્યાં ન આવી હોવાનું માલુમ પડ્યું હતું. બાજુમાં સગા સંબંધીને પૂછ્યું હતું, પરંતુ સગીરાની કોઈ માહિતી ન હોય પરિવારે આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાની શોધખોળ શરૂ કરી છે.
SOG પોલીસે દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપ્યો
રાજકોટ શહેર SOG પોલીસે ગઈકાલે કેટરર્સનું કામ કરતા મુકિમ પઠાણને રૂ.5000ની કિંમતના દેશી તમંચા સાથે ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ઉત્તરપ્રદેશના સચિન પંડિતનું નામ ખુલ્યું છે. શહેરના નાનામવા મેઇન રોડ પર એક શખસ ગેરકાયદેસર હથિયાર સાથે ઊભો હોવાની બાતમી મળતા વોચ ગોઠવી આરોપીને દબોચી હથિયાર કબ્જે કર્યું હતું. આ શખ્સનું નામ મુકીમખાન શહીદખાન પઠાણ (ઉ.વ.24) હોવાનું જણાવ્યું હતું. આરોપી પોતે કેટરર્સમાં કામ કરતો હોવાનું સામે આવ્યું હતું. હથિયાર અંગે પૂછતાં અગાઉ રાજકોટમાં કેટરર્સમાં કામ કરતા ઉત્તરપ્રદેશના સચિન પંડિતે છ મહિના પૂર્વે પોતાને વેચવા માટે આ હથિયાર આપ્યાની કબૂલાત આપી હતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ હથિયાર સાથે પકડાયેલ શખ્સે સચિન પંડિતનું નામ આપેલું હતું જેને લઇ પોલીસે સચિનની શોધખોળ હાથ ધરી છે.