અમદાવાદમાં મહિલાઓ માટેના પિંક ટોયલેટ જ નથી, દોઢ વર્ષમાં એક પણ ટોયલેટ બનાવવામાં આવ્યું નથી | Pink toilet for women is not functioning in Ahmedabad, not a single toilet has been constructed in one and a half years | Times Of Ahmedabad

અમદાવાદ38 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદમાં માત્ર મહિલાઓ માટે અલગ જાહેર શૌચાલયની સુવિધા બિલકુલ નહીં હોવાને કારણે મહિલાઓ શરમજનક સ્થિતિમાં મુકાય છે. ભાજપના સત્તાધિશો દ્વારા મહિલા સશક્તિકરણ નીતિ અંતર્ગત મહિલાઓ માટે અલગ અલગ ઝોનમાં પિંક ટોઇલેટ બનાવવા માટે રૂપિયા 8.40 કરોડ ફાળવવામાં આવ્યા હતા. આજે દોઢ વર્ષ પુરા થયા હોવા છતાં હજુ સુધી શહેરની મહિલાઓ માટે એક પણ પિંક ટોઇલેટ કાર્યરત નહીં કરતા પિંક ટોઇલેટની સુવિધા મળી નથી. વિપક્ષ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, દર વર્ષે શાસકપક્ષ ભાજપ બજેટ રજૂ કરીને મોટા મોટા વચનો આપે છે પણ ખરેખર તેનો વાસ્તવિક અમલ કરવામાં આવતો નથી.

સત્તાધારી શાસકો નાસ્તાની જ્યાફત માણે છે
વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, ભાજપના સત્તાધિશોએ બજેટના કામોનું અમલીકરણ થયું છે કે કેમ તેની સમીક્ષા કરવી જોઇએ તેની જગ્યાએ બજેટ અમલીકરણ કમિટીની બેઠક દરમિયાન સત્તાધારી ભાજપના શાસકો નાસ્તાની જ્યાફત માણે છે. શાસકપક્ષે બજેટમાં અમદાવાદ શહેરની પ્રજાને આપેલા વચનો અને બાહેંધરીનું દર વર્ષે કેટલા પ્રમાણમાં વહીવટી તંત્ર અમલ કરી શક્યું છે તેની ચકાસણી સમયાંતરે કરવી જોઇએ.

આદેશ આપી અમલ કરાવવાની શાસક પક્ષની ફરજ
વર્ષ દરમિયાન કરવાના કામોનું અને નીતિઓનું નક્કર આયોજન હોવું જોઇએ, પરંતુ નક્કર અને વાસ્તવદર્શી અમલ કરવા તંત્ર બંધાયેલું છે તે કરવામાં ઢીલ થતી હોય કે ઉદાસીનતા સેવવામાં આવતી હોય ત્યારે તંત્રનું ધ્યાન દોરવાની અને જરૂર પડે આદેશ આપી અમલ કરાવવાની શાસક પક્ષના સત્તાધીશોની ફરજ થઇ પડે છે.

ત્રિપલ એન્જિન સરકારની સુફિયાણી વાતો
એક તરફ સત્તાધારી ભાજપ ત્રિપલ એન્જિન સરકારની સુફિયાણી વાતો કરે છે અને બીજી તરફ અમદાવાદ શહેરમાં એક પિંક ટોઇલેટ બનાવવા બાબતે એક પણ એન્જિન ના ચાલે એ સત્તાધારી ભાજપ માટે શરમજનક બાબત છે જેથી મહિલાઓને સારી સુવિધા આપવા તાકીદે અમદાવાદમાં પિંક ટોઇલેટ બનાવવા બાબતની કાર્યવાહી કરવા કૉંગ્રેસ પક્ષની માંગણી છે

Previous Post Next Post