દાહોદ22 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગરબાડા તાલુકાના દાદુર ગામમાં દિવ્ય જ્યોત શાળાની સામે ગાંગરડી રોડ ઉપર નર્મદાના પાણીની હાફેશ્વર યોજનાની મેઈન પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. જેના પગલે પાઇપ લાઇનમાંથી હજારો લીટર પાણીનો બગાડ થતો જોવા મળ્યો હતો.પાઇપલાઇનમાં ભંગાણ થવાની જાણ તંત્રને કરાતા તંત્ર દ્વારા આ બાબતે પગલાં લેવાની તજ વીજ હાથ ધરવામાં આવી હતી.
એકને એક સ્થળે ફરીથી ભંગાણ સર્જાયુ
અગાઉ પણ આ જગ્યા ઉપર પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું.તે વખતે પણ સંલગ્ન વિભાગ દ્વારા તેનું રીપેરીંગ કરવામાં આવ્યું હતું.આમ એક ને એક જગ્યાએ ભંગાણ થવાના કારણો પણ શોધવા જરુરી છે.કારણ કે ઘણી વખત પાણીની ચોરી કરવા પણ ચોક્કસ તત્વો પાઇપ લાઇનને નુકસાન પહોંચાડતા હોય છે.જો આવી રીતે ભંગાણ કરવામા આવતુ હોય તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જરુરી છે.
ઉનાળામાં ઘણાં વિસ્તારોમાં પાણીની સમસ્યા છે
અત્રે ઉલ્લેખનિય છે કે ભર ઉનાળામાં એક તરફ દાહોદ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે. ત્યારે જવાબદારોની નિષ્કાળજીના પગલે અવારનવાર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જો કે હાલ પાણીની સમસ્યા ઉદ્ભવતા ગરબાડા સહિતના આસપાસના વિસ્તારમાં ઉનાળાની ઋતુ દરમિયાન કોઈ ખાસ વાવણી કરવામાં આવી નથી.
તો ખેતરમાં પાકને નુકસાન થઈ જતુ
જો પાઇપ લાઇનની આસપાસના ખેતરોમાં ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી હોત તો ખેતીને પણ વ્યાપક નુકસાન થયુ હોત.ત્યારે હાલ તો સંબંધિત વિભાગ દ્વારા પાઇપ લાઇનમાં સર્જાયેલા ભંગાણને રીપેર કરવાની કામગીરીમાં જોતરાયા છે.