સુરેન્દ્રનગર5 કલાક પહેલા
- કૉપી લિંક
દસાડા તાલુકાના પાટડી, બજાણા અને ઝીંઝુવાડા પોલીસ મથકે પીવાના પાણીની સ્થાયી વ્યવસ્થા ન હોવાના કારણે પોલીસ જવાન આકરા ઉનાળામાં પીવાના પાણી માટે જગ ખરીદી તરસ છુપાવી રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યુ છે.
આ અંગેની મળતી માહિતી મુજબ દસાડા તાલુકાના પોલીસ મથક ખાતે પીવાના પાણીના કુલર ન હોવાના કારણે ત્રણેય પોલીસ મથક ખાતે વેચાણથી પીવાના પાણીના જગ લાવતા હોવાનુ જાણવા મળે છે. એમાંય ક્યારેક જગમાં પાણી પૂરું થઈ જતા પાણી માટે રાહ જોવાનો વારો પણ આવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે વર્ષોથી બનેલા આ પોલીસ મથક ખાતે આજદીન સુધી પીવાના પાણી માટે કુલરની વ્યવસ્થા ઉભી કરાઈ નથી.
આ તમામ પોલીસ મથકે દિવસ દરમિયાન પાંચથી વધુ પીવાના પાણીના જગ બહારથી લાવવા પડી રહ્યા હોવાનું સામે આવી રહ્યુ છે. આ એક જગ પીવાના પાણીની કિંમત અંદાજે 20 રૂપિયા હોય છે. એથી એક વર્ષમાં મોટી રકમ પોલીસ મથક દીઠ પીવાના પાણીમા વપરાઈ રહી છે!
થોડા સમયથી પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી કાયદા પ્રત્યે જાગૃતતા લાવવા કાર્યક્રમ યોજાતા હોય છે. ત્યારે પોલીસ મથકે પ્રજાજનો કાર્યક્રમમાં હાજરી આપે ત્યારે ક્યારેક પીવાના પાણીની સમસ્યા સર્જાતી હોય છે તેમ પણ જાણવા મળી રહ્યુ છે. કચ્છના નાના રણને સીમાડે આવેલા દસાડા તાલુકામા ગરમીનું પ્રમાણ પણ વધુ હોય છે. એથી ઉનાળામાં સામાન્ય દિવસો કરતા પાણીનો ઉપયોગ વધી જતો હોય છે. ત્યારે પીવાના પાણી માટે જગ પર નિર્ભર પોલીસ મથકે કુલરની વ્યવસ્થા ઉભી થાય તે જરૂરી બની રહ્યુ છે.