પંચમહાલ (ગોધરા)12 મિનિટ પહેલા
- કૉપી લિંક
પ્રાપ્ત વિગતો અનુસાર મધ્યપ્રદેશ રાજ્યના ભાભરા ગામે રહેતા અમનભાઈ ધનાભાઈ સંગોડે ગોધરા તાલુકા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગત 24તારીખે તેઓ ખાનગી ટ્રાવેલ્સ બસમાં અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં આવેલા ગામમાં પરિવાર સાથે ખેતમજૂરી કરવા માટે નીકળ્યા હતા. રાત્રીના એક વાગ્યાના અરસામાં તેઓની ખાનગી બસ ગોધરા તાલુકાના વાવડી ખુર્દ નજીક એક હોટેલ પર ઊભી રહી હતી. જેમાં તેઓનો છોકરો રાજન પેશાબ કરવા માટે રસ્તો ઓળંગીને સામેની બાજુએ ગયો હતો. અને પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તો ઓળંગી રહેલા કિશોરને અન્ય ખાનગી બસે અડફેટે લીધો હતો. જેમાં કિશોરને ગંભીર ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખાતે આવેલી SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અમનભાઈના મોટા પુત્ર નાનભુ વડોદરા આવતા તેણે જણાવ્યું હતું કે આપણે રાજનની દાહોદ ખાતે જાણીતી હોસ્પિટલમાં જ સારવાર કરીશું. તેમ કહેતા અમનભાઈ પોતાના પુત્ર રાજનને લઈને દાહોદ ગયા હતા. જ્યાં ખાનગી હોસ્પિટલમાં વધુ પૈસા કહેતા અમનભાઈ પોતાના પુત્રને લઈને દાહોદ સરકારી હોસ્પિટલમાં લઈ જઈ રહ્યા હતા. તે વેળાએ તેણે જીવ ગુમાવ્યો હતો. ત્યારે સમગ્ર અકસ્માતની ઘટના અંગે ગોધરા તાલુકા પોલીસે બસના નંબરના આધારે ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.