રાજકોટ સિવિલના લેબર રૂમ અને મેટરનિટી ઓપરેશન થિએટરને કેન્દ્ર સરકારનું ક્વોલિટી સર્ટિફિકેટ મળ્યું | Rajkot Civil's Labor Room and Maternity Operation Theater got Central Govt. Quality Certificate | Times Of Ahmedabad

રાજકોટ8 કલાક પહેલા

  • કૉપી લિંક

લક્ષ્ય પ્રોગ્રામ અંતર્ગત હાલમાં જ રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલના લેબર રૂમ અને મેટરનિટી ઓપરેશન થિએટરનું મૂલ્યાંકન કરાયું હતું. જેમાં તેને કેન્દ્ર સરકારનું ક્વોલિટી સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે. સિવિલ હોસ્પિટલના તબીબોએ તેને રાજકોટ જિલ્લા માટે ગૌરવની ક્ષણ ગણાવી છે. લક્ષ્ય કાર્યક્રમ અંતર્ગત લેબર રૂમને 98% અને સિઝેરીયન ઓપરેશન થીએટરને 95% માર્ક્સ પ્રાપ્ત થતા આ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે.

લક્ષ્ય પ્રોગ્રામ કાર્યરત છે
કેન્દ્ર સરકાર દ્વારા લેબર રૂમ ક્વોલિટી ઈનિશિએટિવ (લક્ષ્ય) પ્રોગ્રામ કાર્યરત છે. આ પ્રોગ્રામ અંતર્ગત લેબર રૂમ અને સિઝેરિયન ઓપરેશન થિયેટરની ગુણવત્તાની ચકાસણી કરાય છે. તાજેતરમાં હાથ ધરાયેલા લક્ષ્ય નેશનલ ઇન્સપેક્શન અંતર્ગત પી.ડી.યુ. હોસ્પિટલમાં મેઘાલયના ડો. રીટોન અને વિજયવાડાના કવોલિટી ઓફિસર ચક્રવર્તીએ બે દિવસ સુધી ઈન્સ્પેકશન કર્યું હતું. જેમાં પી.ડી.યુ. હોસ્પિટલના ગાયનેક વિભાગના લેબર રૂમને 98% અને સિઝેરીયન ઓપરેશન થિએટરને 95% માર્ક્સ મળ્યા હતા.

નેશનલ એસેસમેન્ટમાંથી પસાર થવાનું હોય છે
આ અંગે ગાયનેક વિભાગના પ્રાધ્યાપક અને વિભાગના વડા ડો. કમલભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, લક્ષ્ય સર્ટીફીકેટ મેળવવા બેઝલાઈન (સેલ્ફ), પીયર, સ્ટેટ અને નેશનલ એસેસમેન્ટમાંથી પસાર થવાનું હોય છે. જેમાં મુખ્યત્વે નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડનું ચેક લીસ્ટ ભરવાનું હોય છે. અસેસમેન્ટ દરમિયાન દર્દીઓને અપાતી સેવા, દર્દીઓના હક, ઈનપુટ, સપોર્ટ સર્વિસ, ક્લિનિકલ સર્વિસ, ઈન્ફેક્શન કંટ્રોલ, ક્વોલિટી અને આઉટકમ (ડેટા) વિષે ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી એકત્રિત કરવામાં આવે છે. આ માહિતી મેળવવા સ્ટાફ ઈન્ટરવ્યૂ, પેશન્ટ ઈન્ટરવ્યૂ, રજિસ્ટર રીવ્યુ અને અવલોકન કરવામાં આવતું હોય છે.

ક્વોલિટી સર્ટિફિકેટ મળ્યું છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગની ટીમએ જહેમત ઉઠાવી માઈક્રો પ્લાનિંગ સાથે કામ કરી આ અનેરી સિદ્ધી મેળવેલી છે. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદી તથા તમામ સ્ટાફની ઉમદા કાર્યશૈલીને કારણે ક્વોલિટી સર્ટિફિકેટ મળ્યું છે. ત્યારે આગામી સમયમાં ગાયનેક વિભાગની કામગીરીની ગુણવત્તા જળવાઈ રહે તેમજ હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓને વધુમાં વધુ સારી સારવાર મળી રહે તેવા પ્રયાસો હંમેશા કરવામાં આવશે.

Previous Post Next Post