અમદાવાદ5 કલાક પહેલા
- કૉપી લિંક
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(RBI)એ રૂ. 2000ની નોટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. 30 સપ્ટેમ્બર સુધી અને રોજની 20 હજાર રૂપિયા સુધીની લિમિટમાં નોટ જમા કરાવી શકશે. રૂપિયા 2000 ની નોટ બંધ કરવાની જાહેરાતની સાથે જ અમદાવાદમાં વિવિધ સ્થળોએ દિવ્યભાસ્કર એ જ્યારે તપાસ કરી તો ખૂબ જ ઓછી ભીડ જોવા મળી હતી કોઈપણ બેંક કે એટીએમ ઉપર ભૂતકાળમાં 500 અને 1,000 ની નોટ બંધ થઈ ત્યારે જેવી લાઈનો હતી તેવી લાઈનો જોવા મળી નહોતી માત્ર અમુક જ એટીએમ ઉપર રેગ્યુલર જે રીતે પૈસા ઉપાડવાની લાઈનો હોય તેવું જોવા મળ્યું હતું.
આ નિર્ણયથી ફાયદો તો થશે
2000ની નોટ બંધ કરવાના આ નિર્ણયને અમદાવાદીઓએ આવકાર્યો છે. દિવ્ય ભાસ્કરે 2000ની નોટને બંધ કરવાના નિર્ણયને લઈ અમદાવાદીઓ સાથે વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે રૂપિયા 2000ની નોટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે યોગ્ય છે કારણ કે આ 2000ની નોટના કારણે છૂટા નથી મળતા અને મોટી નોટ હોવાના કારણે જલ્દી કોઈ લેતું પણ નથી. આ નિર્ણયથી ફાયદો તો થશે. નોટબંધીના કારણે જે લાઈનો થતી હતી તેવી લાઈનો થશે નહીં.
બેંકમાં લાઈનો નહી લાગે
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા યશ પરમારે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રૂપિયા 2000ની નોટ બંધ કરવાનું જે નિર્ણય લેવામાં આવ્યો છે. તે યોગ્ય નિર્ણય છે કારણ કે. ભારત હવે આર્થિક રીતે ખૂબ જ આગળ વધ્યું છે અને મજબૂત બન્યું છે જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે તેને હું યોગ્ય ગણું છું. ભૂતકાળમાં જે રીતે નોટબંધીના કારણે બેંકોમાં લાઈનો લાગી હતી તેવી લાઈનો આ ₹2,000 ની નોટ ને બેંકમાં જમા કરાવવા માટે થઈ અને લાઈનો લાગે તેવું લાગતું નથી.
2000ની નોટના છુટા જલ્દી મળતા નથી
સંકેત ચૌહાણે જણાવ્યું હતું કે, નોટ બંધ કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને યોગ્ય હું ગણું છું કારણ કે, રૂપિયા 2000ની નોટના છુટા જલ્દી મળતા નથી અને તેના કારણે હેરાન થવાનો વારો આવે છે. 2000ની નોટ જે છે એ કોઈ જલ્દી લેતું નથી. અવારનવાર આના કારણે હાલાકીનો સામનો કરવો પડે છે. જલ્દી છૂટા મળતા નથી નોટ બંધ થવાના કારણે બેંકોમાં લાઈનો લાગે તેવું લાગતું નથી કારણ કે ખૂબ જ ઓછી નોટ જમા કરાવવાની હોય છે. જેની પાસે વધારે નોટ હોય અને વધુ પૈસા જમા કરાવવાના હોય તેને તકલીફ પડી શકે છે પરંતુ લાગતું નથી કે ખૂબ વધારે બેન્કોમાં ભીડ થાય.
પૈસા જમા કરવાની ડેઈલી લિમિટ વધારવી જોઈએ
અમદાવાદના રહેવાસી વિશાલ શાહે જણાવ્યું હતું કે, રૂપિયા 2000ની નોટને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તે યોગ્ય છે પરંતુ, સરકાર દ્વારા આ સમયગાળો વધારવો જોઈએ કારણ કે, આ સમયગાળો ખૂબ જ ઓછો છે. રોજની જે 10 નોટો જમા કરાવવા માટે જણાવવામાં આવ્યું છે તેને પણ વધારવી જોઈએ. દૈનિક એક લાખ રૂપિયા લોકો જમા કરાવી શકે તેટલી લિમિટ રાખવી જોઈએ જેનાથી જે લોકો પાસે વધારે પૈસા હોય તે લોકો બેંકમાં જમા કરાવી શકે.
ઓનલાઈન ચૂકવણીને પ્રાધાન્ય
ચાંદખેડા વિસ્તારમાં કમલેશ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા રાહુલભાઈએ જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 2000ની નોટ ને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેને અમે આવકારીએ છીએ. 2000ની નોટો ને બંધ કરવાનો નિર્ણય લેતા અમે આજથી અને અત્યારથી જે પણ ગ્રાહક જ્વેલર્સમાં ખરીદી કરવા આવશે. તેની પાસેથી 2000ની નોટ લેવાનું બંધ કરી દીધું છે. અમારા દરેક સ્ટાફને પણ સૂચના આપી દીધી છે કે હવેથી જે પણ ગ્રાહક આવે અને જો 2000 રૂપિયાની નોટ હોય તો તેઓને પ્રેમથી ના પાડી દેવાની કે, હવે 2000 રૂપિયાની નોટ નહીં લેવામાં આવે તમારે ઓનલાઇન અથવા તો 100,200 અથવા 500ની નોટથી જ ચુકવણી કરવી પડશે. તેથી હવે કોઈપણ ગ્રાહકો પાસેથી અમે 2000ની નોટ નહિ લઈએ