RTOએ 13,700 ઇ-વાહનો માટે 31 કરોડ સબસિડી રિલીઝ કરી, અત્યાર સુધીમાં 31 હજારથી વધુ ઇ-વાહનો ખરીદાયા | RTO released Rs 31 crore subsidy for 13,700 e-vehicles, over 31 thousand e-vehicles purchased so far | Times Of Ahmedabad

સુરત14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પર્યાવરણની જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વાહનો લોકો વધુમાં વધુ ઉપયોગ કરે તે માટે સબસીડીની જાહેરાત કરી છે. ત્યારે સુરત આરટીઓ દ્વારા છેલ્લા એક વર્ષમાં 31 કરોડની સબસીડી રીલીઝ કરાઇ છે. સુરતમાં અત્યાર સુધીમાં 31 હજારથી વધુ ઇ વાહનો ખરીદાયા છે.

લોકો ઈલેક્ટ્રિક વાહનો તરફ વળ્યાં

સુરત આરટીઓમાં એક જ વર્ષમાં ઈલેક્ટ્રીક વાહનો ખરીદનાર લોકોની રૂ. 31 કરોડની સબસીડી રીલીઝ કરાઇ છે. આટલી મોટી સબિસડીની રિલીઝ કરનાર સુરત આરટીઓ ગુજરાતની પ્રથમ આરટીઓ હોવાનું અનુમાન છે. પર્યાવરણની જાળવણીના હેતુ અને સબસીડીના કારણે લોકો ઈલેક્ટ્રિક વાહનો તરફ વળ્યાં છે.

ફોરવ્હીલરમાં રૂ.1.50 લાખ સુધીની મર્યાદામાં સબસિડી અપાય છે

સુરત આરટીઓ આકાશ પટેલે કહ્યું કે સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વાહનો પર પ્રોત્સાહનના ભાગરૂપે સબસીડી અપાય છે. તા.1 માર્ચ, 2022થી તા.31 એપ્રિલ, 2023 સુધી 13,700 જેટલા ઇલેકટ્રીક વાહનોને રૂ.31 કરોડની સબસિડીની ફાળવણી થઇ છે. આ રકમ અરજદારના એકાઉન્ટમાં જમા થાય છે. ઇલેકટ્રીક ટુ- વ્હીલર્સની ખરીદીમાં મહત્તમ રૂ.20 હજાર, થ્રી-વ્હીલરમાં રૂ.50 હજાર અને ફોરવ્હીલરમાં રૂ.1.50 લાખ સુધીની મર્યાદામાં સબસિડી અપાય છે. ઈલેક્ટ્રીક વાનોના કારણે પ્રદૂષણમાં અને કાર્બન ડાયોક્સાઇડ માપમાં ઘટાડો નોંધાય છે.

છેલ્લા સવા મહિનામાં 2425 ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી

નવા નાણાંકિય વર્ષમાં છેલ્લા સવા મહિનામાં જ આરટીઓ દ્વારા રજીસ્ટર્ડ થયેલા 2425 ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી પર 5.42 કરોડની સબસિડી ચુકવવામાં આવી છે. આરટીઓ કચેરી દ્વારા વાહનોની સબસિડી સીધા વાહન ચાલકના બેંક એકાઉન્ટમાં જ જમા કરાવવામાં આવી રહી છે. આરટીઓ કચેરીએ રજીસ્ટર થયા બાદ માત્ર ત્રણથી ચાર દિવસની અંદર જ આ સબસિડી વાહન ચાલકને તેમના ખાતામાં જમા કરાવી દેવામાં આવે છે.

અત્યાર સુધીમાં સુરતમાં 31742 ઇલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ

ગુજરાતમાં સુરત ઇલેક્ટ્રિક વ્હીકલના વેચાણમાં અવ્વલ નંબરે છે. અમદાવાદ અને રાજકોટને પાછળ છોડી સુરત રાજ્યમાં પ્રથમ ક્રમે છે. સુરતમાં અત્યાર સુધીમાં 31742 ઇલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ થયું છે, જેમાં 26984 બાઈક-સ્કૂટર, 3079 મોપેડ, 379 થ્રી વ્હીલર, 187 બસ, 982 કાર, 103 થ્રી વ્હીલર પેસેન્જર વાહનનું વેચાણ થયું છે. આમ 31742 વાહનના વેચાણ સાથે સુરત રાજ્યભરમાં પ્રથમ નંબરે છે.

એક વર્ષમાં 1.44 લાખ બાઈક અને 30 હજાર કારનું વેચાણ

સુરત આરટીઓના ચોપડે વર્ષ 2022-23માં 1.44 લાખ બાઈક અને 30 હજાર કારનું વેચાણ થયું હોવાનું નોંધાયું છે. આરટીઓના આંકડા પ્રમાણે સુરતમાં રોજ 394 બાઈક અને 83 કારનું વેચાણ થયું હતું. સુરતમાં વેચાઈ રહેલી બાઈક, કાર, ટ્રેક્ટર, ટ્રક, એમ્બ્યુલન્સ સહિતના વાહનોની અંદાજિત કિંમત આંકવામાં આવે તો રોજ સરેરાશ 25 કરોડ રૂપિયાથી વધુ કિંમતના વાહનો વેચાઈ રહ્યા છે. સુરતમાં છેલ્લા એક વર્ષમાં કુલ 1.85 લાખ વાહનોનું વેચાણ થયું હતું.

Previous Post Next Post