સાબરકાંઠા (હિંમતનગર)43 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજ્યની વિવિધ વીજ કંપનીઓમાં વિધુત સહાયક પરીક્ષા કૌભાંડમાં બહાર આવ્યા બાદ સુરતની ક્રાઈમ બ્રાન્ચની તપાસ સાબરકાંઠાના ત્રણ તાલુકામાં પહોચી હતી અને ત્રણ એજન્ટો પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. હજુ પણ વધુ એજન્ટોની ધરપકડ થઇ શકે છે. તેવું પોલીસ સુત્રોમાંથી માહિતી મળી છે.
વિદ્યુત સહાયકની 2012માં પરિક્ષા લેવાયેલી પરિક્ષામાં આચરાયેલી ગેરરીતિની તપાસ કરી રહેલા સુરત ક્રાઈમ બ્રાન્ચે બે શખ્સોની ધરપકડ કર્યા બાદ ઇન્દ્રવદન પરમાર નામના શખ્સ મૂળ સાબરકાંઠાના ઇડર તાલુકાના કેશરપુરાનો હોવાનો બહાર આવતા કૌભાંડનું કનેક્શન સાબરકાંઠાના હિંમતનગર, ઇડર અને તલોદ તાલુકા સુધી પહોચ્યું હતું. આ ત્રણેય તાલુકાના ત્રણ એજન્ટોની શુક્રવારે સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા ત્રણ એજન્ટોએ 38 પરીક્ષાર્થીઓને ગુજરાત વિદ્યુત સહાયક પરીક્ષા કેન્દ્રમાં બેસાડ્યા હતા.
હિંમતનગરના ઇલોલમાં રહેતા અને પોલાજપુર ઉત્તર બુનિયાદી હાઇસ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સલીમ નિજામુદ્દીન ઢાપા, તલોદ તાલુકાના રણાસણમાં અંજલી હોસ્પિટલની બાજુમાં રહેતા ડિપ્લોમા ઇલેક્ટ્રિકનો અભ્યાસ કરેલા મનોજકુમાર મંગળભાઈ મકવાણા અને ઇડર તાલુકાના દીયોલી ગામના ઈ-ગુજકોપ તથા સોફ્ટવેર એન્જિનિયરનો જાણકાર નિકુંજકુમાર કુબેરભાઈ પરમારની ધરપકડ કરી હતી. આ ત્રણેય એજન્ટોએ 38 પરીક્ષાર્થીઓને ગુજરાત વિદ્યુત સહાયક પરીક્ષા ભરતી કેન્દ્રમાં બેસાડેલ હતા અને એક પરીક્ષાર્થી દીઠ રૂ. 8થી 10 લાખ મેળવીને આરોપી ઇન્દ્રવદન પરમારને આપ્યા હતા. ધરપકડ કરાયેલા એજન્ટોમાં સલીમ ઢાપાએ 30, મનોજ મકવાણાએ ચાર અને નિકુંજ પરમારે ચાર પરીક્ષાર્થીઓને પરીક્ષામાં બેસાડ્યા હતા. જેને લઈને પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 29-05-23 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા હતા. અગામી દિવસોમાં હજી વધુ એજન્ટો ઝડપાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.