અમદાવાદ6 કલાક પહેલા
- કૉપી લિંક
કૌભાંડી કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. મોરબીના એક વેપારીને ફેકટરી શરૂ કરવા GPCB નું લાયસન્સ અપાવવાના બહાને તેની સાથે છેતરપીંડી આચરવામા આવી છે. આ મામલે સોલા પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે. પોલીસે માલિની પટેલની ધટપકડ કરીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી હતી.
કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા
પોલીસે તપાસ માટે કોર્ટમાં માલિની પટેલના 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી પરંતુ, કોર્ટે માલિની પટેલના સોમવારના બપોરે 04 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, કિરણ પટેલ અત્યારે જમ્મુ-કાશ્મીર પોલીસની કસ્ટડીમાં છે. જ્યારે માલીનીને એક દિવસ અગાઉ જ સેશન્સ કોર્ટમાંથી અન્ય એક ઠગાઈના કેસમાં જામીન મળ્યા છે.
GPCBનું લાયસન્સ અપાવવાનો વાયદો આપી પૈસા લીધા
વર્ષ 2017માં મોરબીના વેપારી ભરત પટેલ કિરણ પટેલના સંપર્કમાં આવ્યા હતા. જ્યાં કિરણે ભરત પટેલને કલાસ-01 ઓફિસર તરીકે પોતાની ઓળખાણ આપી હતી. ભરત પટેલને કેમિકલ ફેક્ટરીની સ્થાપના માટે GPCBનું લાયસન્સ અપાવવાની કિરણે વાત કરી હતી. જેની પ્રોસિઝર ફી પેટે 40-45 લાખની માગ કરી હતી. ભરત પટેલે કિરણ અને માલિનીને 42.86 લાખ રોકડા આપ્યા હતા. 8 મહિના પછી પણ લાયસન્સ ન આવતા ભરત પટેલે કિરણને ફોન કર્યો હતો પરંતુ, કિરણે ફોન ના ઉપાડતા GPCBમાં ભરત પટેલે તપાસ કરી હતી. જ્યાં જાણવા મળ્યું હતું કે, આવી કોઈ અરજી આવી નથી.
પૂરા પૈસા પરત ન આપતા ફરિયાદ નોંધાઈ
ભરત પટેલનો સંપર્ક કિરણ સાથે થતા ભરત પટેલે કિરણ પાસેથી પૈસા પાછા માગ્યા હતા. જેમાં કિરણે ભરત પટેલને ફક્ત 11.75 લાખ રૂપિયા પરત આપ્યા હતા. જ્યારે 31.11 લાખ પરત ન આપતા સોલા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ આ દંપતી સામે નોંધાઇ છે.